Fri Sep 04 2026

Logo

હવે ટૂંક સમયમાં શરૂ થશે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, આ પટ્ટા પર ટ્રાયલ શરૂ

2026-04-14 21:17:10
Author: Pooja Shah
હવે ટૂંક સમયમાં શરૂ થશે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, આ પટ્ટા પર ટ્રાયલ શરૂ

અમદાવાદઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી હતી કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો ગોધરા-વડોદરા પટ્ટો 13 એપ્રિલ, 2026 થી પૂર્ણ થઈ ગયો છે અને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવાયું હતું કે સફળ ટ્રાયલ બાદ એક્સપ્રેસવેનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવશે.

ભારતમાલા પરિયોજના હેઠળ બનાવાયેલો નવો, કાર્યરત વિભાગ પંચમહાલ જિલ્લાના ગોધરા નજીકના ભામૈયા ગામથી વડોદરા નજીકના ડોડકા ગામ સુધી ચાલે છે.

આઠ લેનનો આ એક્સપ્રેસ વે ગોધરા, કલોલ અને વડોદરા વચ્ચેની કનેક્ટિવિટી વધારશે અને પ્રવાસીઓનો સમય બચાવશે આ સાથે હાલના હાઈ-વે પરનો ટ્રાફિક પણ હળવો કરશે. 

વધુમાં, આ પ્રોજેક્ટ ગુજરાતના મુખ્ય શહેરી અને ઔદ્યોગિક કેન્દ્રો સુધી કનેક્ટિવિટી સુધારીને પ્રાદેશિક, આર્થિક વિકાસને વેગ આપશે તેવી શક્યતા છે. વધેલી કનેક્ટિવિટીથી વેપાર, લોજિસ્ટિક્સ અને સ્થાનિક વિકાસને ફાયદો થવાની અપેક્ષા છે.

સલામતી સુનિશ્ચિત કરવા અને હાઇ-સ્પીડ મુસાફરીના નિયમો જાળવવા માટે, એક્સપ્રેસવે પર ધીમી ગતિએ ચાલતા વાહનોને મંજૂરી આપવામાં આવશે નહીં, તેવી માહિતી પણ સૂત્રોએ આપી હતી.