Sun May 31 2026

Logo

કાશ્મીરમાં ISIનું નવું કાવતરું: આતંકીઓના મદદગારો હવે રાજકીય પક્ષોમાં ઘૂસણખોરી કરશે

2026-05-31 20:46:27
Author: Devayat Khatana
Article Image

સુરક્ષા દળોની કાર્યવાહીથી બચવા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ OGWsને આપી નવી રણનીતિ; ગુપ્તચર એજન્સી એલર્ટ

નવી દિલ્હી:  જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને તેના નેટવર્કને બચાવવા માટે પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) એક નવા અને ઘાતક ષડયંત્ર પર કામ કરી રહી છે. ગુપ્તચર એજન્સીના દાવા અનુસાર ISIએ પોતાના ઓવરગ્રાઉન્ડ વર્કર્સને રાષ્ટ્રીય રાજકીય પાર્ટીઓમાં ઘૂસણખોરી કરવાનો નિર્દેશ આપ્યો છે. 

આ રણનીતિનો મુખ્ય હેતુ આતંકવાદના સમર્થકોને કાયદેસરની રાજનીતિનો હિસ્સો દર્શાવીને સુરક્ષા દળોની કાર્યવાહીથી બચાવવાનો છે. શ્રીનગર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા OGWsની પૂછપરછમાં આ ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. 

ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની મની લોન્ડરિંગ અને આતંકવાદી ફંડિંગ પરની સતત નજરને કારણે પાકિસ્તાન ભારે દબાણમાં છે. આથી ISI એવી રીતો શોધી રહી છે જેથી આતંકી નેટવર્ક સક્રિય પણ રહે અને પાકિસ્તાનની સીધી સંડોવણી છુપાવી શકાય.

અધિકારીઓનું માનવું છે કે આ માત્ર ઘૂસણખોરી પૂરતું સીમિત નથી, પરંતુ ISI 90ના દાયકાના અલ-ઉમર મુજાહિદ્દીન અને અલ-બદર જેવા લાંબા સમયથી નિષ્ક્રિય પડેલા આતંકી સંગઠનોને ફરી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાન આ દ્વારા એવો ખોટો નેરેટિવ ઊભો કરવા માંગે છે કે કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કોઈ સીમા પારનું પ્રોક્સી વોર નથી, પરંતુ એક સ્થાનિક આંદોલન છે.

સુરક્ષા એજન્સીઓના ધ્યાનમાં આવ્યું છે કે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન પકડાયેલા OGWs હવે રાષ્ટ્રીય રાજકીય પાર્ટીઓના સભ્યપદ કાર્ડ બતાવીને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરે છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બચાવની રીતો સમય સાથે બદલાતી રહી છે. 

નેવુંના દાયકાના અંતમાં શંકાસ્પદ લોકો પોલીસથી બચવા વોટર આઈડી કાર્ડ અને ત્યારબાદના વર્ષોમાં આધાર કાર્ડનો સહારો લેતા હતા અને હવે રાજકીય ઓળખનો ઉપયોગ સુરક્ષા કવચ તરીકે થઈ રહ્યો છે. જોકે, આવી કોશિશો મોટા ભાગે નિષ્ફળ જાય છે, કારણ કે સુરક્ષા એજન્સીઓ રાજકીય સભ્યપદને ધ્યાનમાં લીધા વિના સંપૂર્ણ તપાસ અને તથ્યોના આધારે જ કડક કાર્યવાહી કરે છે, જેમાં કોઈ રાજકીય હસ્તક્ષેપ થતો નથી.

અધિકારીઓ આ નવી રણનીતિને ISIની એક નહિ સૂઝતી દશા ગણાવી રહ્યા છે છે, જેનું કારણ છે કે સુરક્ષા દળોના સતત ઓપરેશન્સથી આતંકી સંગઠનો પર ભારે દબાણ છે અને નવા સંગઠનો માટે સ્થાનિક સમર્થન પણ ઘટી ગયું છે. 

પાકિસ્તાન અને PoKમાં બેઠેલા આતંકી આકાઓ આ નવા નેટવર્કનો ઉપયોગ દુષ્પ્રચાર ફેલાવવા, ફંડિંગ એકઠું કરવા અને યુવાનોમાં કટ્ટરપંથને પ્રોત્સાહન આપવા માટે કરી શકે છે. પરંતુ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ આ તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે અને OGWs દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા આ લોજિસ્ટિક નેટવર્કને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવાની દિશામાં મક્કમતાથી કામ કરી રહી છે.