Thu Jul 23 2026

Logo

અજિત પવાર જૂથને વિધાન પરિષદની બે બેઠકો મળી, પણ ઉમેદવારોની પસંદગી માથાનો દુખાવો

2026-05-31 21:35:11
Author: Mumbai Samachar Team
Article Image

મહાયુતિમાં બેઠકોની વહેંચણી ફાઈનલ: રાયગઢ અને પુણે બેઠક NCPને મળી, પણ...

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે મહાયુતિમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો ઉકેલાઈ ગયો છે. ઉમેદવારોની જાહેરાત થોડા કલાકોમાં થાય તેવી શક્યતા છે. એવી માહિતી સામે આવી છે કે એનસીપી અજિત પવાર જૂથને રાયગઢ-રત્નાગિરી અને પુણે, એમ બે બેઠકો આપવામાં આવી છે. પણ હવે ઉમેદવારો નક્કી કરવામાં સુનેત્રા પવારને માથાનો દુખાવો થવાની શક્યતા છે.

બેઠક ફાળવણીની જાહેરાત થતાં જ એનસીપી અજિત પવાર જૂથમાં કન્યા ઓછી ને મુરતિયા ઝાઝા જેવો ઘાટ ઘડાયો છે, કારણ કે ઘણા નેતાઓ ઉમેદવારીના ઇચ્છુક છે. જાણવા મળ્યા મુજબ, રાયગઢ વિધાન પરિષદ બેઠક માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાંસદ સુનિલ તટકરેના પુત્ર અને વર્તમાન ધારાસભ્ય અનિકેત તટકરેના નામ પર સર્વસંમતિ પર પહોંચી ગયા છે.

બીજી તરફ, રાષ્ટ્રવાદીનો ગઢ અને પ્રતિષ્ઠિત એવી પુણે બેઠક પર એનસીપીમાં મોટો જંગ ચાલી રહ્યો છે. આ બેઠક માટે પાર્ટીના ઘણા મોટા નેતાઓએ દાવો કર્યો છે અને હાલમાં ચાર નામો ચર્ચામાં છે. તેમાં દીપક માનકર (પુણે શહેર પ્રમુખ), સુનીલ ટીંગ્રે, વિલાસ લાંડે (ભૂતપૂર્વ ધારાસભ્ય), નાના કાટે (પિંપરી-ચિંચવડના નેતા) વગેરેના નામ ચર્ચામાં છે. 

પુણે બેઠક અન્ય પાર્ટીના આયાતી ઉમેદવારને બદલે, ફક્ત પાર્ટીના મૂળ અને વફાદાર કાર્યકરને જ મળવી જોઈએ એવું મક્કમ વલણ પાર્ટીના સ્થાનિક નેતાઓએ અપનાવ્યું છે.  તેથી આ બેઠક પર ઉમેદવાર બાબત સુનેત્રા પવાર માટે મોટી મૂંઝવણ ઊભી થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું છે કે આગામી થોડા કલાકોમાં અજિત પવાર અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આ પુણે બેઠક પર અંતિમ મહોર લગાવશે.  પુણે બેઠક એનસીપી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, આ બેઠક પરથી કોને ઉમેદવારી મળશે તેના પર બધાનું ધ્યાન છે.