(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા અને પૂર્વ તથા પશ્ર્ચિમ ઉપનગરોને જોડતા ગોરેગાંવ-મુલુંડ લિંક રોડના બાંધકામમાં અવરોધ ઊભો કરનારા ૧૫૦ બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાલિકાના ‘ટી’ વોર્ડ મુંલુડના અતિક્રમણ વિભાગે રવિવાર, ૩૧ મે, ૨૦૩૬ના રોજ અમર નગર-ખીંડીપાડામાં આ કાર્યવાહી કરી હતી, જેમાં અમર નગર, ખીંડીપાડામાં ૧૫૦ અનધિકૃત રહેણાંક અને વાણિજ્યિક બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. બાકીના ૨૩૪ અનધિકૃત બાંધકામો આવતા અઠવાડિયે દૂર કરવામાં આવશે એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
ગોરેગાંવ-મુલુંડ લિંક રોડની લંબાઈ ૧૨.૨૦ કિમી છે. આ લિંક રોડનું કામ ચાર તબક્કામાં પૂર્ણ કરવામાં આવવાનું છે. આ લિંક રોડમાં રોડ, અંડરગ્રાઉન્ડ ટનલ, ફ્લાયઓવર વગેરેનો સમાવેશ થાય છે. ‘ટી’ વોર્ડ હેઠળના આવતા અમર નગર, ખીંડીપાડામાં લગભગ ૩૮૪ બાંધકામો લિંક રોડના બાંધકામમાં અવરોધ ઊભો કરી રહ્યા હતા. આ બાંધકામોમાંથી રવિવારે લગભગ ૧૫૦ કમર્શિયલ અને રહેણાંક બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહી ‘ટી’ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. પાલિકાના ૧૦ એન્જિનિયર, ૧૦૦ કર્મચારીઓ, બે પોકલેન પ્લાન્ટ, ચાર જેસીબી પ્લાન્ટ, ૧૦ ડમ્પર વગેરેની મદદથી આ તમામ બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મુલુંડ પોલીસ સ્ટેશનના ૫૦ પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા હતા.