(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગાંધીનગરના દહેગામ તાલુકામાં ઉત્તમ ડેરી અને મધુર ડેરી વચ્ચેનો વહીવટી ગજગ્રાહ હવે ઉગ્ર રાજકીય જંગમાં પરિવર્તિત થયો છે. વર્ષોથી દહેગામના પશુપાલકો તેમનું દૂધ અમદાવાદની ‘ઉત્તમ ડેરી’ને બદલે ભૌગોલિક અનુકૂળતા ધરાવતી ગાંધીનગરની ‘મધુર ડેરી’માં સ્વીકારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
આ કાનૂની અને વહીવટી ખેંચતાણમાં સામાન્ય પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો. જેનો પડઘો હવે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં જોવા મળી રહ્યો છે. પશુપાલકોએ આક્રોશ સાથે 'મધુર ડેરીમાં દૂધ નહીં તો વોટ નહીં'ના નારા બુલંદ કરી વ્યાપક લડત શરૂ કરી દીધી હતી.
આ વિવાદની વચ્ચે જ્યારે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ બારિયા ગામે ભાજપનો ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા, તે સમયે ડેરી પ્રશ્ને ઉકેલ ન આવતા નારાજ ગ્રામજનો અને પશુપાલકોએ ધારાસભ્યના કાફલાને ગામના પાદરમાં જ અટકાવી દીધો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ મુદ્દે નેતાઓ માટે જનતા વચ્ચે જવું હવે કપરા ચઢાણ સમાન થઈ પડ્યું હોવાનું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.