Sat Aug 29 2026

Logo

થાણેના સિનિયર સિટિઝને ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં 65.95 લાખ રૂપિયા ગુમાવ્યા

2026-07-24 19:06:22
Author: Yogesh D. Patel
થાણેના સિનિયર સિટિઝને ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં 65.95 લાખ રૂપિયા ગુમાવ્યા

થાણે: થાણેના 65 વર્ષના સિનિયર સિટિઝનને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણને બહાને સાયબર ઠગોએ 65.95 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો. થાણેના કલવા પોલીસ સ્ટેશનમાં ગુરુવારે આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે બે મોબાઇલ ફોન એપ્લિકેશનના ઓપરેટર્સ અને અન્યો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમ જ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર 9 જાન્યુઆરીથી 17 જુલાઇ દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી. આકર્ષક વળતરની લાલચ આપીને ફરિયાદીને મોબાઇલ ફોન એપ્લિકેશન દ્વારા 95 હજાર રૂપિયાનું રોકાણ કરવાની ફરજ પાડવામાં આવી હતી. જ્યારે ફરિયાદીએ મૂળ રકમ ઉપરાંત મળેલું વળતર ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે એપ્લિકેશન ઇન્ટરફેસે તેના ટ્રાન્ઝેક્શન બ્લોક કરી દીધા હતા.

ત્યાર બાદ પોતાની ઓળખ સુશાંત આરોરા અને સંજીવ કુમાર તરીકે આપનારા બે આરોપીએ વ્હૉટ્સઍપ અને ઑડિયો કૉલથી ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો અને ઊંચા વળતરનું વચન આપી ક્રિપ્ટોકરન્સી તથા બિટકોઇન ટ્રેડિંગમાં રોકાણ કરવાનું કહ્યું હતું.તેમના પર વિશ્ર્વાસ રાખીને ફરિયાદીએ અનેક હપ્તામાં કુલ 69.95 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. દરમિયાન પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ કલવા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. (પીટીઆઇ)