Tue Aug 18 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ લુચ્ચા ચીન પર તસુભાર પણ વિશ્વાસ ન કરાય

2026-08-12 08:52:00
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

પાકિસ્તાન, સઉદી અરેબિયા અને તૂર્કીના ત્રેખડે કરેલા લશ્કરી કરારના કારણે ભારતની સુરક્ષા પર શું અસર થશે તેની ચર્ચા વચ્ચે હવે ચીન પણ વરતાયું છે. ભારતે ચાર દિવસ પહેલાં અરુણાચલ પ્રદેશનો તાજો એટલે કે અપડેટ કરેલો નકશો બહાર પાડ્યો તેમાં અરુણાચલ પ્રદેશનાં 27 સ્થળોને નવાં નામ સાથે સમાવ્યાં છે. 

ભારતમાં સરકારી નકશો બહાર પાડવાનું કામ ‘સર્વે ઓફ ઈન્ડિયા’ કરે છે. ‘સર્વે ઓફ ઈન્ડિયા’એ બહાર પાડેલા નકશામાં ભારતે 27 સ્થળોનાં નામ તેમની ભૌગોલિક વિશેષતાઓ સાથે દર્શાવ્યાં તેના કારણે ચીનને મરચાં લાગી ગયાં છે. ભારતે ચાર પાસ, પહાડી વિસ્તારમાં આવેલા એક સરોવર, કેટલાક જમીન વિસ્તારો અને એક વોર મેમોરિયલનો સમાવેશ નવા નકશામાં કર્યો છે. 

ચીને ભારતના નકશાને પોતે માન્ય નથી રાખતું એવું સત્તાવાર રીતે જાહેર કર્યું છે અને સાથે સાથે જૂની રેકર્ડ પણ વગાડી છે કે, આખું અરુણાચલ અમારું છે તેથી ભારત તેના વિસ્તારોને પોતાની રીતે નામ આપે તેના કારણે અરુણાચલ પ્રદેશ પરનો અમારો દાવો જતો રહેવાનો નથી. ચીન અરુણાચલ પ્રદેશને ઝાંગનાન કહે છે અને આ વિસ્તાર દક્ષિણ તિબેટનો ભાગ હોવાથી તેના પર ચીનનો અધિકાર હોવાનો દાવો પણ કરે છે. 

ચીન આખું તિબેટ લુચ્ચાઈથી બથાવીને બેસી ગયું છે તેથી અરુણાચલ પ્રદેશ પણ પોતાને મળવું જોઈએ એવો રાગ આલાપ્યા કરે છે. અત્યારે પણ ચીને એ રાગ આલાપ્યો જ છે અને ભારતે નકશો જાહેર કર્યો તેની અસર સરહદી વિવાદ ઉકેલવા માટે ચાલી રહેલી મંત્રણા પર પડશે એવી ધમકી પણ આપી છે. 

ભારતે ચીનની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખી છે. આ વલણ એકદમ યોગ્ય છે કેમ કે અરુણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો છે ને ત્યાં શું કરવું તેના માટે ભારતે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી. . ભારતનું કહેવું છે કે, અરુણાચલ પ્રદેશ અમારું રાજ્ય છે તેથી વહીવટી એકરૂપતા લાવવા માટે આ નિર્ણય લીધો છે. 

ગૃહ મંત્રાલયે સત્તાવાર રીતે બહાર પાડેલા નિવેદનમાં પણ એવું કહેવાયું છે કે, અરુણાચલ પ્રદેશ સરકારે વહીવટી સરળતા માટે નકશામાં આ નામો સમાવેશ કરવા વિનંતી કરેલી કે જેથી આખા દેશને આ સ્થળોની સાચી ઓળખ જાણવા મળે અને સામાન્ય લોકોમાં જાગૃતિ આવે. સત્તાવાર રીતે ભારત સરકારે આ જ વલણ લેવું પડે પણ વાસ્તવિક રીતે ચીનની ગંદી હરકતોનો જવાબ આપવા ભારત સરકારે આ પગલું ભરવું પડ્યું છે. 

ચીન વરસોથી ભારતના અરુણાચલ પ્રદેશને પોતાના બાપનો માલ માનીને અરુણાચલ પ્રદેશના વિસ્તારોને ભારતના સત્તાવાર રેકોર્ડમાં નોંધાયેલાં નામોથી અલગ નામો આપ્યા કરે છે. ચીને  2017થી આ તૂત શરૂ કરીને અરુણાચલ પ્રદેશનાં છ સ્થળોનાં નવાં નામ આપી દીધેલાં. એ પછી દર એક-બે વરસો ચીન આ ધંધો માંડીને બેસી જાય છે. 2021માં ચીને ફરી અરુણાચલ પ્રદેશનાં 15 સ્થળોની બીજી યાદી બહાર પાડીને તેમનાં નવાં નામ જાહેર કરેલાં. 

2023માં ચીને વધુ 11 સ્થળોનાં નામ સાથેની યાદી બહાર પાડીને ચીને અરુણાચલ પ્રદેશમાં કુલ 32 સ્થળોનાં નામ બદલ્યાં હોવાનું એલાન કરેલું. એ પછી 2024માં 30 અને 2025માં 27 મળીને ચીને અત્યાર લગીમાં 89 સ્થળોનાં નામ બદલી નાખ્યાં છે. ચીન શહેરો-નગરો, નદી, પર્વત, પાસ એમ બધા વિસ્તારોનાં ચાઈનીઝ નામ આપ્યા કરે છે. 

ચીનની આ હરકતની દુનિયામાં હાંસી પણ ઉડ્યા કરે છે. અમેરિકા સહિતના દુનિયાના મોટા ભાગના દેશો સત્તાવાર રીતે એ વાત સ્વીકારે છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ છે અને હંમેશાં રહેશે. કોઈ એકતરફી પગલું ભરીને સ્થળોનાં નામ બદલી શકે નહીં પણ ચીન આ વાત સાંભળતું જ નથી. ચીન સતત એક જ રેકર્ડ વગાડે છે કે, આખોં અરુણાચલ પ્રદેશ તિબેટનો હિસ્સો હતું તેથી અરુણાચલ પ્રદેશને પણ પોતાનો પ્રદેશ જ છે. ભારતને આ વિસ્તારમાં રહેવાનો અધિકાર છે ને  પોતાને અરુણાચલ પ્રદેશના નામ બદલવાનો પણ અધિકાર છે.

ચીન ભલે આ ગાંડાં કાઢ્યા કરે, ભારતને તેનાથી કોઈ ફરક પડતો નથી પણ ચીનનું વલણ એ વાતનો પુરાવો છે કે, આપણે ગમે તે કરીએ પણ ચીન કદી આપણું દોસ્ત બની શકે તેમ નથી. ચીન ભારતના એક રાજ્યને પોતાનું ગણાવતું હોય ને તેને હડપવાની ફિરાકમાં હોય એ જોતાં ભારત માટે ચીન મોટો ખતરો છે અને હંમેશાં રહેશે. ચીનનું આ વલણ વરસો જુનું છે કેમ કે ચીન આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમા હંમેશાં ભારત વિરોધી વલણ અપનાવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિખવાજમાં પણ ચીન પાકિસ્તાનનો સાથ આપે છે. કાશ્મીરનો મુદ્દો હોય કે આતંકવાદનો, ચીનનું વલણ ભારત વિરોધી જ રહ્યું છે.

ચીન  ભારતના પાડોશીઓને પોતાના પડખામાં લઈને ભારતને દબાવવા પણ મથી રહ્યું છે. ભારતના પ્રદેશ પચાવી પાડવા ચીન સમયાંતરે છમકલાં કર્યા કરે છે. અરુણાચલ પ્રદેશનો મોટો પ્રદેશ અને અક્સાઈ ચીનનો પ્રદેશ પચાવી પાડનારા ચીનની નજર હવે લદાખના વિસ્તારો પર પણ છે. ભારતને ફટકો મારવા હિંદ મહાસાગરમાં પણ ઘૂસણખોરી  કરી રહ્યું છે. 

હિંદ મહાસાગર ભારત માટે  સુરક્ષાની રીતે તો મહત્ત્વનું છે જ પણ આર્થિક રીતે પણ મહત્ત્વનું છે કેમ કે ભારતનો મોટા ભાગનો વ્યાપાર હિંદ મહાસાગર મારફતે ચાલે છે. ભારતે પોતાનાં હિતો જાળવવા માટે વરસોથી હિન્દ મહાસાગરમાં પોતાનો દબદબો જાળવ્યો છે પણ છેલ્લાં થોડાં વરસોથી ચીન હિન્દ મહાસાગરમાં ભારતને ઘેરવાના અને હિંદ મહાસાગર પર કબજો કરવાના પ્રયાસો કરી રહ્યું છે. 

ભારતના પાડોશી દેશોમાં  બંદરોના વિકાસના નામે ચીન સૈન્ય મથકો સ્થાપી રહ્યું છે. શ્રીલંકામાં હંબનટોટા બંદર, માલદીવમાં મકાઓ પોર્ટ, બાંગ્લાદેશમાં ચટગાંવ પોર્ટ અને પાકિસ્તાનમાં ગ્વાદર બંદર પર કબજો કરીને ચીન ભારતને ઘેરવાની વ્યૂહરચનામાં ઘણું આગળ વધી ગયું છે. અરબ સાગરમાં ભારતના સામે છેડે આવેલા આફ્રિકાના જિબૂતી નામના દેશમાં પણ તેણે પોતાનું લશ્કરી મથક સ્થાપ્યું છે.

ટ્રમ્પે ટૅરિફની તલવાર વિંઝવા માંડી પછી ભારતે ચીન સાથેના સંબંધો સારા કરવા સાચા દિલથી પ્રયત્ન કર્યા પણ અરુણાચલ મુદ્દે ચીનનું વલણ એ વાતનો પુરાવો છે કે, ચીન આ ભારત વિરોધી વલણ છોડે એવી કોઈ શક્યતા નથી. ચીને ફરી એક વાર સાબિત કર્યું કે, અમેરિકાની જેમ ચીન પણ લુચ્ચુ અને સ્વાર્થી છે. 

ચીન પણ અમેરિકાની જેમ પોતાનાં હિતો સિવાય બીજા કશા વિશે વિચારતું નથી. હજુ થોડા સમય પહેલાં જ ચીન ભારતને પોતાની તરફ આકર્ષવા માટે ડ્રેગન અને એલિફન્ટ સાથે મળીને ડાન્સ કરે એવી વાતો કરતું હતું પણ અરુણાચલ પ્રદેશનો નકશો બહાર પાડ્યો તેમાં ચીને પોતાની જાત દેખાડી દીધી.