ચંદીગઢઃ ચંદીગઢના સેક્ટર 37માં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પાસે આવેલા પાર્કિંગમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી ગઈ હતી. ભાજપના આ કાર્યાલયની બાજુમાં જ બ્લડ બેંક આવેલી છે, પાર્ક કરેલી સ્કૂટીમાં બ્લાસ્ટ થયો હોવાની વિગત સામે આવી છે. એક્ટિવાની હેડલાઈટના નીચેના ભાગમાં આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, એક્ટિવાના કેટલાક પાર્ટ ઉડીને દિવાલ સાથે અથડાયા હતા.
બ્લાસ્ટ પાછળનું કારણ મળ્યું નહીં
પંજાબના ચંદીગઢમાં ભાજપનું કાર્યાલય સેક્ટર 37માં આવેલું છે. પોલીસ હવે આ કેસમાં દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ચૂકી છે. આ અંગેના વાવડ મળતા જ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો. પોલીસ તરફથી હજું કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બ્લાસ્ટ કેમિકલને કારણે થયો છે કે બીજી કોઈ રીતે એ અંગે હજુ સુધી કોઈ વિગત સામે આવી નથી. પ્રાથમિક તપાસ હજુ ચાલું છે એવું પોલીસે જણાવ્યું હતું. આ કેસમાં પોલીસ હવે સીસીટીવીના ફૂટેજની તપાસ કરી રહી છે. ફોરેન્સિકની ટીમ પણ તપાસમાં જોડાઈ ચૂકી છે.
દૂર-દૂર સુધી સંભળાયો અવાજ
સૂચના મળતા જ પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બ્લાસ્ટનો અવાજ દૂર દૂર સુધી પડઘાયો હતો. આ બ્લાસ્ટ થતા સમગ્ર એરિયામાં ભયનો માહોલ જોવા મળ્યો છે. પોલીસે આ કાર્યાલય બાજુ આવતા કેટલાક રસ્તા બંધ કરી દીધા હતા અને તપાસ ચાલું કરાવી હતી. આ બ્લાસ્ટ આશરે 5 વાગ્યા આસપાસ થયો હતો. આ એક્ટિવા કોનું છે અને તે ક્યારે પાર્ક કરવામાં આવ્યું હતું એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમે કેટલાક નમૂના લેવાના શરૂ કરી દીધા છે. સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર આ ક્રૂડ બોંબ હોઈ શકે છે. ગન પાઉડરના ઉપયોગથી તે બનાવ્યો હોઈ શકે છે. પ્રાથમિક તપાસમાં પોલીસને મળેલા સીસીટીવીના ફૂટેજમાં એ જોઈ શકાય છે કે, બે યુવક ભાજપ કાર્યાલય બાજુ આવે છે. આ યુવાનોની પૂછપરછ થઈ શકે છે.
તપાસનો ધમધમાટ શરૂ
ભાજપના નેતા વિનિત જોશીએ કહ્યું હતું કે,ભાજપ કાર્યાલય પાસે આ પ્રકારનો વિસ્ફોટ થવો એ ચિંતાનો વિષય છે. વિસ્ફોટના કારણે એક્ટિવાને ભારે નુકસાન થયું છે.પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. ચંદીગઢમાં સામાન્ય રીતે આવી કોઈ હરકત થતી નથી. બ્લાસ્ટને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. પોલીસે સીસીટીવીની સાથે આસપાસના વિસ્તારના અને બ્લડ બેંકના અધિકારીઓની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે.