Mon Jun 08 2026

Logo

મધ્ય રેલવેમાં ડોંબિવલી-થાણેમાં પ્લેટફોર્મ વિસ્તરણનું કામ પૂર્ણઃ 15 ડબ્બાની વધુ ટ્રેન દોડાવવાનો માર્ગ મોકળો

2026-03-27 17:27:28
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મધ્ય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ૧૫ કોચની લોકલ ટ્રેનો ચલાવવાના હેતુથી ડોંબિવલી અને થાણે સ્ટેશન પર મોટા પાયે મેગા બ્લોક લેવામાં આવ્યો હતો, જે લાંબા ગાળે લોકલ ટ્રેનની સર્વિસ વધારવામાં ફાયદો થઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. 

૫૦૦ કામદાર અને ૧૪ વરિષ્ઠ રેલવે અધિકારીઓ મળી અત્યંત ટૂંકા સમયમાં ડોંબિવલી અને થાણે ખાતે પ્લેટફોર્મ વિસ્તરણ અને રેલવે ટ્રેક બદલવાનું કામ હાથ ધર્યું હતું. ડોંબિવલી અને થાણે ખાતે શનિવાર-રવિવાર દરમિયાન લેવામાં આવેલા મેગાબ્લોક ગાળામાં પ્લેટફોર્મના વિસ્તરણના કામ માટે ૫૦૦ કામદારો અને ૧૪ વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ મધ્યરાતથી બીજા દિવસે સવાર સુધી રેલવે ટ્રેક પર કામ કર્યું હતું. અત્યંત ટૂંકા સમયમાં આ કામ કરવાનું હોવાથી, અહીં અત્યાધુનિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ડોંબિવલી સ્ટેશન પર અપ અને ડાઉન રેલ્વે માર્ગ પર પ્લેટફોર્મ નંબર ૧ અને ૧-એ તથા ૨ પર અને થાણે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૧, ૨ અને ૩ પર આ મેગાબ્લોક લેવામાં આવ્યો હતો. ૫૦૦ કામદારો દ્વારા પ્લેટફોર્મ વિસ્તરણ અને રેલ્વે ટ્રેક બદલવાનું કામ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાનું હતું. 

રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ આ બંને કાર્યોનું યોગ્ય આયોજન કરીને નિર્ધારિત સમયમાં આ કામો પૂર્ણ કર્યા. ડોંબિવલી રેલ્વે સ્ટેશન નજીક કોપર સ્ટેશન તરફ આવતા ડોંબિવલી રેલ્વે સ્ટેશનના પ્રવેશદ્વાર પાસેનો વળાંક દૂર કરવો રેલવે પ્રશાસન સામે મોટો પડકાર હતો. 

આ જગ્યાએ એક તરફ ૧૫ ફૂટ ઊંચો માટી અને પથ્થરોનો ઢગલો હતો, જેના પર રેલ્વેનું પાર્કિંગ આવેલું હતું. આ જગ્યાએ જમીન સમાંતર હોય તેવી એક ઇંચ પણ જગ્યા નહોતી. તેથી, ૧૫ ફૂટ ઊંચા ઢગલા પર કપચી, જેસીબી  અને પોકલેન ઊભા રાખીને, જરૂરી સામગ્રી ત્યાં લાવીને તે સામાન રેલ્વે ટ્રેક પર ઉતારી આ કામો કરવામાં આવ્યા. 

મેગા બ્લોક દરમિયાન, ડોંબિવલી રેલ્વે સ્ટેશન પર મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત ડાઉન લોકલ લાઇન સાથે મહત્વપૂર્ણ કેબલ નાખવાનું કામ પૂર્ણ પણ થયું. 

આમ ૧૫ કોચવાળી લોકલ ટ્રેનોના ઓપરેશન માટે રેલવેએ પ્લેટફોર્મ વિસ્તરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ક્ષમતા વધારવા અને ઉપનગરીય સેવાઓ વધારવા માટે આ કામો જરૂરી હતા, જે પાર પાડવામાં આવ્યા પછી લાંબા સમયગાળે ટ્રેન સર્વિસ વધારી શકાશે.