Thu Apr 23 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 23 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-23 08:32:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-23 18:08:16

પ. બંગાળમાં મતદાનમાં નવો રેકોર્ડ

પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાના મતદાનમાં રેકોર્ડ બ્રેક મતદાન થયું હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું હતું. ઈલેક્શન કમિશનના જણાવ્યા મુજબ સાંજના પાંચ વાગ્યા સુધીમાં 152 બેઠક પર 89.93 ટકા મતદાન થયું, જ્યારે તમિલનાડુમાં 234 બેઠકમાં 84 ટકા વોટિંગ થયું.

2026-04-23 17:25:46

ઉત્તરાખંડમાં રોડ અકસ્માતમાં આઠનાં મોત

ઉત્તરાખંડના ચંબા-કોટીકોલોની રસ્તા નજીકના એક નાળા નજીક વાહન ખાઈમાં ખાબકવાને કારણે આઠ લોકોનાં મોત થયા છે. અકસ્માત પછી ઘટનાસ્થળે આઠ લોકોનાં મોત થયા હતા, જ્યારે અન્ય બે ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

2026-04-23 17:11:47

બંગાળ ચૂંટણીઃ વોટિંગ વચ્ચે એકનું મોત

પશ્ચિમ બંગાળના 16 જિલ્લાની 152 બેઠક પર વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન જારી છે, ત્યારે મતદારોએ મતદાન માટે ઉત્સાહ બતાવ્યો છે. અમુક વિસ્તારોમાં પથ્થરમારા અને હિંસાના માહોલ વચ્ચે એક જણનું મોત થયાનો અહેવાલ.

2026-04-23 17:10:14

દિલ્હી માટે ગુડ ન્યૂઝ...મિચલ સ્ટાર્ક આ તારીખથી રમશે

ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે 36 વર્ષીય ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કને આઇપીએલમાં રમવા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપી દીધું છે અને આ ખેલાડી પહેલી મેથી દિલ્હી કૅપિટલ્સ વતી રમશે એવી સંભાવના છે. આ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર કોણી અને ખભાની ઈજાને કારણે છેક જાન્યુઆરી મહિનાથી નથી રમ્યો. દિલ્હીના ફ્રૅન્ચાઇઝીએ તેને 11.75 કરોડ રૂપિયામાં સાઇન કર્યો છે. જોકે તે જેટલી મૅચ રમવા માટે ઉપલબ્ધ રહેશે એટલી જ મૅચના પૈસા તેને આપવામાં આવશે.

2026-04-23 17:08:31

ચેન્નઈની ટીમમાં ઈજાગ્રસ્ત મ્હાત્રેના સ્થાને આકાશ મઢવાલ

ચેન્નઈ સુપર કિંગ્સે પગના સ્નાયુઓ ખેંચાઈ જવાને કારણે આ વખતની આઇપીએલમાં હવે પછી ન રમી શકનાર 18 વર્ષના બૅટ્સમૅન આયુષ મ્હાત્રેના સ્થાને પેસ બોલર આકાશ મઢવાલને સ્ક્વૉડમાં સમાવ્યો છે. અન્ડર-19 વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટન આયુષે ચેન્નઈ વતી બહુ સારી શરૂઆત કરી હતી અને અત્યાર સુધીમાં ટીમમાં તેના 201 રન હાઇએસ્ટ હતા. મ્હાત્રેને ચેન્નઈએ 75 લાખ રૂપિયામાં સાઇન કર્યો હતો, જ્યારે મઢવાલને આ ટીમ 30 લાખ રૂપિયા આપશે. મઢવાલ અગાઉ મુંબઈ વતી 2023 અને 2024માં તેમ જ રાજસ્થાન વતી 2025માં રમ્યો હતો. ઉત્તરાખંડના મઢવાલે આઇપીએલની કુલ 17 મૅચમાં 23 વિકેટ લીધી છે.

2026-04-23 16:02:15

ઉમરેઠમાં 3 વાગ્યા સુધીમાં 46.66 ટકા મતદાન

તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભા બેઠકોની સાથે આણંદ જિલ્લાની ગુજરાતમાં આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે 3 વાગ્યાં સુધીમાં 46.66 ટકા મતદાન થયું છે.

2026-04-23 15:53:55

3 વાગ્યા સુધીમાં પ. બંગાળમાં 78 ટકા મતદાન

ભયાનક ગરમી વચ્ચે પશ્ચિમ બંગાળમાં આજના પહેલા તબક્કાનું ત્રણ વાગ્યા સુધીનું મતદાન 78 ટકા પહોંચી ગયું છે, જ્યારે તમિલનાડુમાં પણ મતદારો વોટિંગ માટે જોશ જોવા મળ્યો હતો. તમિલનાડુમાં 70 ટકા અને પ. બંગાળમાં 78.77 ટકા મતદાન થયું.

2026-04-23 15:18:32

ઉમરેઠમાં 1 વાગ્યા સુધીમાં 37.14 ટકા મતદાન થયું

ઉમરેઠઃ આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં આજે 1 વાગ્યાં સુધીમાં 37.14 ટકા મતદાન થયું છે. ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે. ઉમરેઠ શહેર સહિત પંથકના 46 ગામના લોકો ઉમેદવારનું ભાવિ નક્કી કરવાના છે. ઉમેદવારમાં ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર છે. આ સાથે ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો પણ મેદાને છે.

2026-04-23 14:17:28

હિંસા વચ્ચે પ. બંગાળમાં બમ્પર વોટિંગ

વિધાનસભાની ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળમાં હિંસાના માહોલ વચ્ચે બમ્પર મતદાન થયું હોવાના અહેવાલ. એક વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં 62 ટકાથી થયું વધુ મતદાન, જ્યારે તમિલનાડુમાં 56 ટકા થયું વોટિંગ. બંગાળમાં અભૂતપૂર્વ મતદાનથી ભાજપના નેતા સુવેંદુ અધિકારીએ કહ્યું પરિવર્તન છે, આ વર્ષે હિંદુઓ મોટી સંખ્યા કરી રહ્યા છે મતદાન.

2026-04-23 13:04:21

પશ્ચિમ બંગાળમાં મતદારનું હૃદયરોગના હુમલાથી મોત

પશ્ચિમ બંગાળમાં પૂર્વ મેદિનીપુરમાં પટશપુર વિધાનસભા મતવિસ્તાર હેઠળના બામનબારના બૂથ 234 ના મતદારનું મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીં 58 વર્ષીય મતદાર નિપેન્દ્રનાથ દાસનું ભારે ગરમી વચ્ચે મતદાન કરવા માટે લાઇનમાં ઉભા હતા ત્યારે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. નિપેન્દ્રનાથને બેભાન અવસ્થામાં સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ રસ્તામાં તેમનું અવસાન થઈ ગયું હતું.

2026-04-23 12:46:14

તમિલનાડુમાં 11 વાગ્યા સુધીમાં 37.56 ટકા મતદાન

આજે તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) ના જણાવ્યા મુજબ સવારે 11 વાગ્યા સુધીમાં તમિલનાડુમાં 37.56 ટકા મતદાન નોંધાયું છે. 
નમક્કલના કુમારપલયમ મતવિસ્તારમાં સૌથી વધુ 45.87% મતદાન થયું હતું, જ્યારે તિરુનેલવેલીના પલયમકોટ્ટાઈ મતવિસ્તારમાં સૌથી ઓછું 30.73% મતદાન થયું હતું.

રાજધાની ચેન્નઈમાં 35.47% મતદાન નોંધાયું હતું.

2026-04-23 12:41:15

ઉમરેઠ પેટાચૂંટણીમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા જેટલું મતદાન થયું

ઉમરેઠની આ પેટાચૂંટણી 46 ગામોમાં આવેલા કુલ 306 મતદાન મથકો પર યોજાઈ રહી છે. મતદાન મથકની રિયલ ટાઈમ દેખરેખ શક્ય બને તે માટે તમામ 306 બૂથ પર વેબ કાસ્ટિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. મતદાનની વાત કરવામાં આવે તો, ઉમરેઠ વિધાનસભા બેઠક માટે 11 વાગ્યા સુધીમાં આશરે 25 ટકા જેટલું મતદાન નોંધાયું છે. 1 વાગ્યા સુધીમાં 40% જેટલું મતદાન થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

2026-04-23 12:01:40

પશ્ચિમ બંગાળ મતદારોને ધમકાવવામાં આવ્યાં, EC એ માંગ્યો રિપોર્ટ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા દરમિયાન મુર્શિદાબાદ જિલ્લાના ડોમકલમાંથી ગેરરીતિ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે ચૂંટણી પંચે સંબંધિત અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે. એવો આરોપ છે કે ડોમકલમાં ઘણા લોકોને મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ મતદારોને ડરાવવા અને ધમકાવવામાં આવ્યાં છે. આ આરોપ ટીએમસીના કાર્યકર્તાઓ પર લાગ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

2026-04-23 11:48:02

11 વાગ્યા સુધીમાં બંગાળમાં 41.11% તો તમિલનાડુમાં 37.56% મતદાન થયું

લોકશાહીના ભવ્ય ઉત્સવમાં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં મતદાન જોરશોરથી ચાલી રહ્યું છે.પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં 11 વાગ્યા સુધીમાં 41.11% મતદાન નોંધાયું છે. આ સાથે તમિલનાડુની વાત કરવામાં આવે તો, 11 વાગ્યા સુધીમાં 37.56% મતદાન નોંધાયું છે.

2026-04-23 10:52:40

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં મતદાન દરમિયાન દેશી બોમ્બ ફેંકાયા

મુર્શિદાબાદ જિલ્લાના નૌદા માં મતદાન પહેલા ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કાચા બોમ્બ ફેંકવામાં આવ્યા, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. મુર્શિદાબાદ જિલ્લાના નૌદા વિસ્તારમાં હિંસાની ઘટના સામે આવી છે, જ્યાં ચાલી રહેલા મતદાન દરમિયાન કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ કથિત રીતે દેશી બોમ્બ ફેંક્યા હતા. આ હુમલાથી વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

2026-04-23 10:48:45

મુર્શિદાબાદમાં TMC-AUJPના કાર્યકરો વચ્ચે અથડામણ

મુર્શિદાબાદઃ મુર્શિદાબાદના નવાદા વિધાનસભા મતવિસ્તારમાં તણાવ વધ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો અને હુમાયુ કબીર વચ્ચે અથડામણ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.  આ વિવાદ મારામારી સુધી આવી ગયો હતો. હુમાયુ કબીર અને તૃણમૂલ કોંગ્રેસ કાર્યકરો સામસામે આવી ગયા છે. હુમાયુ કબીર ત્યાંથી જવાનો પ્રયાસ કરી રહ્યા છે; જોકે, એવો આરોપ છે કે તેમને આમ કરવાથી અટકાવવામાં આવી રહ્યા છે.

2026-04-23 10:30:52

બંગાળ ચૂંટણી: સવારે 9 વાગ્યા સુધીમાં 18.76% મતદાન, મિદનાપુરના મતદારોમાં જોરદાર ઉત્સાહ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન શરુ થઇ ગયું છે. પ્રથમ તબક્કામાં 152 વિધાનસભા મતવિસ્તારોમાં કડક સુરક્ષા વચ્ચે મતદાન થઇ રહ્યું છે. ચૂંટણી પંચે આપેલા આંકડા મુજબ સવારે 9 વાગ્યા સુધી 18.76% મતદાન નોંધાયું હતું. 9 વાગ્યા સુધીમાં પશ્ચિમ મિદનાપુરમાં સૌથી વધુ 20.51% મતદાન થયું હતું, અને માલદામાં સૌથી ઓછું  16.96% મતદાન નોંધાયું.

2026-04-23 09:31:01

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન શરૂ

ઉમરેઠઃ આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. ઉમરેઠ શહેર સહિત પંથકના 46 ગામના લોકો ઉમેદવારનું ભાવિ નક્કી કરવાના છે. આ બેઠક પર કુલ 2,45,623 મતદારો નોંધાયા છે, જેમાં 1,25,702 પુરુષ અને 1,17,128 મહિલા મતદારો સામેલ છે. કુલ 306 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પેટાચૂંટણીમાં કુલ 06 ઉમેદવારો મેદાને ઉતર્યાં છે. 

2026-04-23 09:23:10

મોટી સંખ્યામાં મતદાન કરવા પીએમ મોદીએ કરી અપીલ

કોલકાતાઃ આજે પશ્ચિમ બંગાળમાં મતદાનનો પ્રથમ તબક્કો થઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લોકોને અપીલ કરી છે, જેમાં દરેકને ભાગ લેવા વિનંતી કરી છે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, "પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો પ્રથમ તબક્કો આજે છે. હું તમામ નાગરિકોને લોકશાહીના આ ઉત્સવમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લેવા હાકલ કરું છું."

2026-04-23 09:06:47

પશ્ચિમ બંગાળમાં ત્રણ બૂથ પર EVMમાં ખામી સર્જાઈઃ સૂત્ર

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના તમામ મતવિસ્તારોમાં મતદાન શરૂ થઈ ગયું છે; જોકે, ઘણા મતદાન મથકો પર EVM માં ખામીના અહેવાલો મળી રહ્યા છે. ખાસ કરીને, બહેરામપુર-મુર્શિદાબાદ મતવિસ્તારના કંડી બ્લોકમાં સ્થિત કુમારસંડામાં બૂથ નંબર 19 પર EVM મશીન કામ કરતું નથી. આ સાથે માલદા જિલ્લાના ચંચલ મતવિસ્તારના મોતીહારપુરમાં બૂથ નંબર 211 પર EVM કામ કરતું નથી. વધુમાં, અલીપુરદુઆર જિલ્લાના કાલચીની મતવિસ્તારમાં આવેલા મેંદાબારીમાં બૂથ નંબર 205 પર પણ મશીન ખરાબ છે.

2026-04-23 09:02:07

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આજે મતદાન શરૂ

પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. આજે પ્રથમ તબક્કામાં કુલ 152 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. સાથે તમિલનાડુમાં બધી 234 બેઠકો પર મતદાન શરૂ ગયું છે. બંને રાજ્યોમાં મતદાન શરૂ થઈ ગયું છે. બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાઈ રહી છે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે. આ પ્રથમ તબક્કામાં, 152 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. તમિલનાડુની વાત કરીએ તો, બધી બેઠકો માટે મતદાન એક જ તબક્કામાં થઈ રહ્યું છે.