Sun Jul 19 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:18 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-18 07:30:49
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-18 17:42:46

પી. વી. સિંધુ બે વર્ષે પ્રથમ વખત પહોંચી ફાઇનલમાં

ટોક્યોની જાપાન ઓપન બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ ફાઇનલમાં પહોંચી ગઈ છે. ચીનની ટોક્યો ઑલિમ્પિક્સની ચૅમ્પિયન ચેન યુફી સેમિ ફાઇનલમાં સિંધુ સામે 19-21, 10-15થી પાછળ હતી ત્યારે યુફીને પગમાં દુખાવો શરૂ થતાં તેણે એ મૅચ છોડી દીધી હતી અને સિંધુને ફાઇનલમાં પ્રવેશ મળી ગયો હતો જેમાં તે જાપાનની યામાગુચી સામે રમશે. 2024 બાદ પહેલી વખત સિંધુ ફાઇનલમાં પહોંચી છે. આ અગાઉ 2024માં તે લખનઊમાં સૈયદ મોદી ઇન્ટરનૅશનલ ટૂર્નામેન્ટ જીતી હતી. છેલ્લે તે મોટું ટાઇટલ 2022માં સિંગાપોર ઓપનમાં જીતી હતી. સિંધુએ ડિસેમ્બર, 2024માં હૈદરાબાદના બિઝનેસમૅન વેન્કટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યાં હતાં.

2026-07-18 17:32:36

અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 ભડથું

અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં બપોરના સમયે રામોલ-ગતરાડ રોડ પરની મહેમુદપુરા ટેલેન્‍ટ ફટાકડાની ફેક્‍ટરીમાં ભીષણ બ્લાસ્ટની ઘટના બની છે. દુર્ઘટનામાં 8 લોકો જીવતા ભુંજાયા છે અને 18 લોકો ઈજાગ્રસ્‍ત થયા છે. મૃત્‍યુઆંક વધવાની આશંકા છે કારણ કે, ફટાકડાની ફેક્ટરીમાં 8થી 10 લોકો કામ કરતા હોવાની માહિતી મળી છે. આગના સમાચાર મળતા જ ફાયરબ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ અને એમ્બ્યુલન્સ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરી દીધા છે.

2026-07-18 16:44:28

અમદાવાદના વસ્ત્રાલમાં ભીષણ આગ લાગી

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં એક મોટી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. રામોલ-ગતરાડ રોડ પર આવેલી ફેક્ટરીમાં આગ લાગી હોવાના અહેવાલો મળ્યા બાદ ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમનો કાફલો તાત્કાલિક ઘટનસ્થળે દોડી ગયો છે અને રાહત બચાવની કામગીરી શરૂ કરી દીધી છે. આ દુર્ઘટનામાં 5 થી 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

2026-07-18 12:39:43

ગુજરાતમાં બે કલાકમાં 18 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં સવારે 10 થી બપોરે 12ના બે કલાકમાં 18 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના નાનાપોંઢામાં સૌથી વધુ 0.87 ઇંચ વરસાદ પડ્યો હતો. ધરમપુરમાં 0.35 ઇંચ, ડાંગમાં 0.31 ઇંચ, વલસાડમાં 0.24 ઇંચ વરસાદ પડ્યો હતો.

2026-07-18 12:29:32

ભારતનું પ્રથમ પ્રાઇવેટ રોકેટ 'વિક્રમ-1' લોન્ચ, શ્રીહરિકોટાથી અંતરિક્ષમાં ભરી ઉડાન

ભારતનું પ્રથમ પ્રાઈવેટ (ખાનગી) રોકેટ 'વિક્રમ-1' લોન્ચ થઈ ગયું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી રોકેટે ઉડાન ભરી છે. આ રોકેટ પૃથ્વીની નીચલી કક્ષામાં (લોઅર અર્થ ઓર્બિટ) 450 કિલોમીટર સુધી જશે. આ લોન્ચિંગ શ્રીહરિકોટાથી થયું છે, લોન્ચિંગ સમયે અહીં ઈસરો (ISRO) ના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. લોન્ચિંગ પહેલાં પીએમ મોદીએ પણ અભિનંદન પાઠવ્યા હતા. આ લોન્ચિંગને 'મિશન આગમન' નામ આપવામાં આવ્યું છે, જેના માટે પહેલાંથી જ તૈયારીઓ ચાલી રહી હતી.

2026-07-18 11:15:12

જામનગરમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી

જામનગરમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે. વોર્ડ નંબર 6નાં રવિપાર્ક અને ગણપતનગર વિસ્તારમાં શંકાસ્પદ બે કેસ નોંધાયા છે. જેના કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

2026-07-18 10:09:04

હળવદમાં સ્કૂલ બસ ટ્રક પાછળ અથડાઈ

મોરબીના હળવદનાં ચરાડવા પાસે દેવીપુર નજીક સ્કૂલ બસ ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં 8 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

2026-07-18 07:31:04

રાજ્યમાં 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ

રાજ્યમાં ચોમાસાના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે. કપરાડામાં સૌથી વધુ 3.70 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખેરગામમાં 2.17 ઇંચ, કામરેજમાં 2.13 ઇંચ, પેટલાદમાં 2.05 ઇંચ વરસાદ નોંધાયો હતો.