Sun Jul 19 2026

Logo

પરિવાર ઊંઘતો રહ્યો ને તસ્કરો હાથફેરો કરી ગયા! ઉનાવામાં બારીની ગ્રીલ કાઢી 4.96 લાખની ઘરફોડ ચોરી

2026-07-18 21:43:51
Author: Devayat Khatana
Article Image

ઉનાવા: ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઉનાવા ગામમાં રાત્રિના સમયે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ઉનાવા ગામના આંટાનો ઠાકોર વાસમાં રહેતા પરિવારના સભ્યો રાત્રે ઊંઘી રહ્યા હતા, તે દરમિયાન અજાણ્યા શખ્સોએ મકાનની પાછળની બારીની લોખંડની ગ્રીલ કાઢીને અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરની તિજોરીઓમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા 4.96 લાખની મત્તાની ઘરફોડ ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર યુવાને પેથાપુર પોલીસ મથકમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.  

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઉનાવામાં રહેતા 27 વર્ષીય સાહિલ રાકેશજી ઠાકોર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 16 જુલાઈ 2026ના રોજ રાત્રે તેમના પિતા આદરજ ખાતે તેમના ફોઈના અવસાન નિમિત્તે ગયા હતા. ઘરમાં સાહિલભાઈ, તેમના પત્ની નીલમબેન, તથા ભાઈ વિજયભાઈ અને ભાભી લક્ષ્મીબેન હાજર હતા. ભાઈ-ભાભી મકાનના ઉપરના માળે સૂતા હતા, જ્યારે સાહિલભાઈ અને તેમના પત્ની રાત્રે બારેક વાગ્યે જમી પરવારીને મકાન આગળ બનાવેલા શેડ નીચે સૂવા ગયા હતા.  

બીજા દિવસે ૧૭ જુલાઈની સવારે છ વાગ્યાની આસપાસ સાહિલભાઈના પત્ની જાગ્યા અને ઘરમાં ગયા ત્યારે અંદરના રૂમમાં આવેલી તિજોરીઓ ખુલ્લી હાલતમાં જોવા મળી હતી. તિજોરીનો સામાન અને કપડાં વેરવિખેર પડેલા હતા. પત્નીએ સાહિલભાઈને જગાડીને ચોરીની જાણ કરતાં તેમણે રૂમમાં જઈને તપાસ કરી હતી, જેમાં પાછળની દીવાલે આવેલી નાની બારીના લોખંડના સળિયાની ગ્રીલ કાઢી નાખેલી જોવા મળી હતી. તસ્કરોએ આ બારી વાટે પ્રવેશીને ચાવીથી તિજોરી ખોલી ચોરીને અંજામ આપ્યો હતો.  

ઘરમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, તસ્કરો તિજોરીમાંથી 1.74  લાખનું 12 ગ્રામનું સોનાનું લોકીટ, 72 હજારની કિંમતની સોનાની બુટ્ટી, 40  હજારનો ચાંદીનો જુડો, 40 હજારની ચાંદીની શેરો અને 20 હજારની કિંમતની બાળકની ચાંદીની 6 લકીઓ ચોરી ગયા હતા. આ ઉપરાંત, તસ્કરો 1,50,000  રૂપિયાની રોકડ રકમ પણ ઉઠાવી ગયા હતા. કુલ 4,96,500  રૂપિયાની ઘરફોડ ચોરીની આ ઘટના અંગે પેથાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.