Sun Jul 19 2026

Logo

આવતી કાલે ખેલ ખરાખરીનોઃ બે દિગ્ગજ ટીમ વચ્ચે પહેલી વખત ફાઇનલમાં મુકાબલો

New York City   2026-07-18 21:53:48
Author: Ajay Motiwala
Article Image

આર્જેન્ટિનાનું ફરી સામ્રાજ્ય કે સ્પેનનો સપાટો?

મેસીને નમાવવા રૉડ્રી, યમાલ અને બન્ને દેશ વચ્ચે 14 મૅચ રમાઈ જેમાંથી છ આર્જેન્ટિનાએ અને છ સ્પેને જીતી, બે મૅચ ડ્રૉ રહીઃ 

ન્યૂ યૉર્કઃ અહીંના ન્યૂ જર્સીના સ્ટેડિયમમાં રવિવાર, 19મી જુલાઈએ (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12.30 વાગ્યાથી) ફિફા વર્લ્ડ કપની રોમાંચક ફાઇનલમાં આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે જોરદાર મુકાબલો થશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિનાને (2022 બાદ) સતત બીજો વર્લ્ડ કપ જીતીને ઇટલી તથા બ્રાઝિલની બરાબરી કરવાનો મોકો છે. ઇટલીએ 1934 અને 1938માં તથા બ્રાઝિલે 1958 અને 1962માં ફિફાનું બૅક-ટુ-બૅક ટાઇટલ જીતી લીધું હતું. આર્જેન્ટિનાને એવી અપ્રતિમ સિદ્ધિ મેળવનાર 64 વર્ષમાં પ્રથમ દેશ બનવાની તક છે.

આર્જેન્ટિનાએ સેમિ ફાઇનલમાં ઇંગ્લૅન્ડને 2-1થી અને સ્પેને ફ્રાન્સને 2-0થી હરાવ્યું હતું. આર્જેન્ટિના અને સ્પેન (Spain) વચ્ચે અત્યાર સુધીમાં 14 મૅચ રમાઈ છે, પરંતુ ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં એમની વચ્ચે પહેલી જ વખત ટક્કર થશે. 14માંથી છ મૅચ આર્જેન્ટિના (Argentina)એ અને છ મૅચ સ્પેને જીતી છે. બે મૅચ ડ્રૉમાં પરિણમી છે. હવે બન્ને વચ્ચે નવો હિસાબ શરૂ થશે. છેલ્લે 2018માં એક ફ્રેન્ડલી મૅચમાં સ્પેને આર્જેન્ટિનાને 6-1થી હરાવ્યું હતું. ત્યાર બાદ હવે આઠ વર્ષે બન્ને દેશ સામસામે આવી રહ્યા છે. વિશ્વ કપમાં આ બે કટ્ટર દેશ વચ્ચે છેક 1966માં (60 વર્ષ પૂર્વે) મુકાબલો થયો હતો. એ લીગ રાઉન્ડની ટક્કર હતી જેમાં આર્જેન્ટિનાએ 2-1થી જીત મેળવી હતી.

લિયોનેલ મેસી, (Messi) 39 વર્ષનો છે અને આ તેનો કદાચ છેલ્લો વર્લ્ડ કપ છે. 2022માં તેણે આર્જેન્ટિનાને વર્લ્ડ ચૅમ્પિયન બનાવેલું ત્યાર બાદ તેની નિવૃત્તિ વિશે જોરદાર અટકળ થતી હતી. જોકે તેણે ચાર વર્ષ સુધી (2026ના વર્લ્ડ કપ સુધી) નિવૃત્ત ન થવાનો સંકલ્પ કર્યો હતો અને હવે સમય એ આવ્યો છે કે આર્જેન્ટિનાને સતત બીજું ટાઇટલ અપાવવાની લગોલગ આવી ગયો છે. તેની તુલનામાં પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોર્ટુગલને એક પણ વર્લ્ડ કપ ટ્રોફી નથી અપાવી શક્યો.

મેસીને ઝાંખો પાડવા તેમ જ બૉલ પર કબજો મેળવવાની ટક્કરમાં નીચે પાડવામાં સ્પેનનો ટીનેજર લેમિન યમાલ કોઈ કસર નહીં છોડે એવું ફ્રાન્સ સામેની તેની આક્રમક રમત પરથી કહી શકાય. તેણે તેમ જ સ્પેનના ખેલાડીઓએ તે મૅચમાં ફ્રાન્સના સુકાની કીલિયાન ઍમ્બપ્પેને નિષ્ફળ બનાવવા કોઈ કસર નહોતી છોડી. સ્પેનના કૅપ્ટન રૉડ્રીએ પણ રવિવારે મેસીને કાબૂમાં રાખવો પડશે, નહીં તો ચમત્કારિક પર્ફોર્મન્સ માટે જાણીતા મેસીને વિજયના દ્વાર સુધી જતા કોઈ રોકી નહીં શકે. આર્જેન્ટિના આ વખતે ઇજિપ્ત તેમ જ ઇંગ્લૅન્ડ સામેના મુકાબલા સહિત ઘણી મૅચોમાં ગોલ કરવામાં શરૂઆતમાં પાછળ રહ્યા બાદ કમબૅક કરવામાં સફળ રહ્યું છે. સ્પેનની ટીમ રવિવારે મેસી ઍન્ડ કંપનીની એ ક્ષમતાથી ખૂબ સાવચેત રહેશે.

સ્પેને 16મી સદીમાં આર્જેન્ટિના પર રાજ કરેલું

યુરોપના દેશ સ્પેને 16મી સદીમાં દક્ષિણ અમેરિકાના રાષ્ટ્ર આર્જેન્ટિના પર રાજ કર્યું એના પાંચસો વર્ષ બાદ હવે સમય એવો આવ્યો છે કે સ્પેને ફૂટબૉલના મેદાન પર 90 મિનિટ સુધી રાજ કરીને આર્જેન્ટિનાના કબજામાંથી ફિફા વર્લ્ડ કપનું ચૅમ્પિયનપદ આંચકી લેવાનું છે, પરંતુ લિયોનેલ મેસીની હાજરીમાં સ્પૅનિશ ટીમ માટે એ આસાન કામ જરાય નથી.

વાત એવી છે કે રવિવારે ન્યૂ યૉર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં વિશ્વ કપની ફાઇનલ શરૂ થશે એ સાથે બન્ને દેશના ખેલાડીઓ એકમેક પર પ્રભુત્વ જમાવવાની કોશિશ કરશે. બન્ને ફાઇનલિસ્ટ ટીમના ખેલાડીઓની રણનીતિ, લય, આક્રમકતા અને સંરક્ષણ ક્ષમતાની કસોટી થશે.

હવે જોવાનું એ છે કે આ વખતનું અપરાજિત અને યુરો ચૅમ્પિયન સ્પેન 2010ની સાલ પછી ફરી એક વખત વિશ્વ કપનો તાજ જીતશે કે આર્જેન્ટિનાને બૅક-ટુ-બૅક ટાઇટલ જીતવા મળી જશે. લિયોનેલ મેસીનો આ અંતિમ વર્લ્ડ કપ છે અને એમાં તે વિજયી મૂડમાં વિદાય લેવાનું પસંદ કરશે. જોકે રૉડ્રીની કૅપ્ટન્સીમાં સ્પેનને ટીનેજર લેમિન યમાલ સહિતના ખેલાડીઓ ટ્રોફી અપાવશે તો નવાઈ નહીં લાગે, કારણકે ફ્રાન્સે સેમિ ફાઇનલમાં વિદાય લીધી ત્યાર બાદ ચૅમ્પિયનપદ માટે આર્જેન્ટિના જેટલું જ ફેવરિટ સ્પેન છે.

મેસી `ગોલ્ડન બૂટ' અવૉર્ડ માટે પ્રબળ દાવેદાર

વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ અને સૌથી વધુ આસિસ્ટ (સાથી ખેલાડીને ગોલ કરવામાં સૌથી નજીકથી કરેલી મદદ) કરનાર ખેલાડીને `ગોલ્ડન બૂટ' અવૉર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ પુરસ્કાર માટે લિયોનેલ મેસી નંબર-વન દાવેદાર છેઃ (1) આર્જેન્ટિનાનો લિયોનેલ મેસીઃ આઠ ગોલ અને ચાર આસિસ્ટ (2) કીલિયાન ઍમ્બપ્પેઃ આઠ ગોલ અને ત્રણ આસિસ્ટ (3) નોર્વેનો અર્લિંગ હાલૅન્ડઃ સાત ગોલ અને શૂન્ય આસિસ્ટ (4) ઇંગ્લૅન્ડનો જ્યૂડ બેલિંગમઃ છ ગોલ અને એક આસિસ્ટ (5) ઇંગ્લૅન્ડનો હૅરી કેનઃ છ ગોલ અને એક આસિસ્ટ.