દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
બાજી ફરી ગઈઃ ગિલ રિટાયર્ડ હર્ટ, શ્રેયસ રનઆઉટ અને રાહુલ પણ આઉટ
ઇંગ્લૅન્ડ સામે બર્મિંગમની પ્રથમ વન-ડેમાં 259 રનનો સાધારણ લક્ષ્યાંક ચેઝ કરી રહેલી ભારતીય ટીમની 149મા રન સુધી ફક્ત એક વિકેટ હતી, પણ એ સ્કોર પર (101 રનની ભાગીદારી બાદ) કૅપ્ટન ગિલ (80 અણનમ, 75 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર) ઈજાને કારણે રિટાયર હર્ટ થયો હતો. તેના ગયા બાદ આઠ રન બાદ શ્રેયસ ઐયર (35 રન, 53 બૉલ, બે ફોર) રનઆઉટ થઈ ગયો હતો. શ્રેયસ હજી પૅવિલિયનમાં જઈને ઠરીઠામ થયો ત્યાં તો કે. એલ. રાહુલ (એક રન) જૉશ ટન્ગના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. 28 ઓવરમાં ભારતનો સ્કોર 4/160 હતો.
મહિલા હૉકી ખેલાડીના જાતીય સતામણીના આક્ષેપની તપાસ થશે
ભારતની મહિલા હૉકી ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન અસુન્તા લાકરાએ તેમ જ દેશમાં હૉકીની રમતનું સંચાલન કરનાર હૉકી ઇન્ડિયાના એક્ઝિક્યૂટિવ બોર્ડના એક મેમ્બરે ડરાવવાનો તેમ જ જાતીય સતામણી કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે અને આ સતામણીની બાબતોના મુદ્દે વહેલાસર ઉકેલ આવે એવી જે અપીલ કરી છે એ સંબંધમાં ખેલકૂદ મંત્રાલયે હૉકી ઇન્ડિયાને તરત તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

રોહિત-વિરાટની વહેલી વિકેટ બાદ કૅપ્ટન-વાઇસ કૅપ્ટન પર બોજ
ઇંગ્લૅન્ડે ત્રણ મૅચવાળી વન-ડે સિરીઝની પહેલી મૅચમાં જીતવા 259 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ભારતે શાંત શરૂઆત કરી હતી, પણ બન્ને પીઢ ખેલાડીઓ રોહિત શર્મા (11 રન) અને વિરાટ કોહલી (પાંચ રન) વહેલા આઉટ થઈ ગયા હતા. રોહિત લેફ્ટ-આર્મ પેસ બોલર સૅમ કરૅનના બૉલમાં કૅચઆઉટ થયો હતો, જ્યારે બીજા પેસ બોલર જોફ્રા આર્ચરના બૉલમાં એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો. 13મી ઓવરમાં ભારતનો સ્કોર 2/70 હતો. કૅપ્ટન શુભમન ગિલ 34 રને અને વાઇસ-કૅપ્ટન 12 રને રમી રહ્યા હતા.

રૂટ-ડૉસને 121 રનની ભાગીદારીથી ભારતીયોને હંફાવ્યા, અક્ષરે જોડી તોડી
બર્મિંગમમાં શ્રેણીની પ્રથમ વન-ડેમાં પહેલો દોઢ કલાક ભારતીય બોલર્સનો રહ્યો જેમાં તેમણે બાવીસ ઓવરમાં 107 રનમાં ઇંગ્લૅન્ડની છ વિકેટ લઈ લીધી હતી, પણ ત્યાર બાદ ટીમના સૌથી અનુભવી બૅટ્સમૅન જૉ રૂટ (59 નૉટઆઉટ) અને 36 વર્ષના સ્પિન ઑલરાઉન્ડર લિઆમ ડૉસન (68 નૉટઆઉટ) વચ્ચેની 121 રનની ભાગીદારીએ ભારતીય ટીમને ખૂબ હંફાવી. ચાર પેસ બોલર અને બે સ્પિનર આ જોડીને 44મી ઓવરના પાંચમા બૉલ સુધી તોડી નહોતા શક્યા. જોકે એ ઓવરનાં અંતિમ બૉલ પર અક્ષર પટેલે ડૉસનને રોહિત શર્માના હાથમાં કૅચઆઉટ કરાવીને જોડી તોડી હતી. 45મી ઓવરમાં બ્રિટિશ ટીમનો સ્કોર 7/229 હતો.
સુપ્રીમ કોર્ટની કોમેડિયન સમય રૈનાને ફટકાર, 3 લાખનો દંડ
સુપ્રીમ કોર્ટે કોમેડિયન સમય રૈનાને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું છે કે સમય રૈનાએ કોર્ટમાં ખોટા નિવેદનો આપ્યા હતા. જેના લીધે પહેલા રૂપિયા 10 લાખનો દંડ ફટકાર્યો હતો.પરંતુ બાદમાં તે રકમ ઘટાડીને રૂપિયા 3 લાખ કરી અને રકમ સમયસર જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
બ્રાર પછી ક્રિષ્નાએ પણ ઓવરમાં બે વિકેટ લીધી!
ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ વન-ડેમાં ભારતીય પેસ બોલર્સ તરખાટ મચાવી રહ્યા છે. ગુરનૂર બ્રાર પછી બીજા પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ પણ ઓવરમાં બે વિકેટ લઈને બ્રિટિશ ટીમને ઝટકા આપ્યા છે. 64 રન પર ત્રીજી વિકેટ પડી ત્યાર પછી જૉ રૂટ અને જૉસ બટલર વચ્ચેની ભાગીદારી હજી તો મજબૂત થઈ રહી હતી ત્યાં ક્રિષ્ના ત્રાટક્યો હતો અને તેણે 80 રનના કુલ સ્કોર પર એક ઓવરના પ્રથમ બૉલમાં બટલરને બ્રારના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ખરેખર તો આ કૅચ ઝીલવામાં બ્રાર-ગિલ વચ્ચે અનાયાસે અથડામણ થઈ હતી, પણ છેવટે બ્રારે બટલરને પાછો મોકલવા માટેની પ્રક્રિયા પૂરી કરી હતી. એ જ ઓવરમાં 80 રન પર જ ક્રિષ્નાએ સૅમ કરૅન (0)ને વિકેટકીપર કે. એલ. રાહુલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

બ્રારની એક ઓવરમાં બે વિકેટ, બુમરાહનો અદ્ભૂત કૅચ: સ્કોર 3/64
બર્મિંગમમાં શરૂ થયેલી વન-ડે સિરીઝની પ્રથમ મૅચમાં ઇંગ્લૅન્ડે બૅટિંગ લીધી અને તેમણે સારી શરૂઆત કર્યા પછી ઉપરાઉપરી બે વિકેટ ગુમાવી દીધી છે. 26 વર્ષીય ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારે ઓવરના બીજા બૉલમાં ઓપનર જેકબ બેથેલ (14 રન)ને ડીપ સ્ક્વેર લેગ પરથી દોડી આવેલા વૉશિંગ્ટન સુંદરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. એ જ ઓવરના ચોથા બૉલમાં તો ગજબ થઈ ગયું. બ્રારે બીજા ઓપનર બેન ડકેટ (43 રન)ને ડીપ થર્ડમૅન પર બાઉન્ડરી લાઇનની નજીક જસપ્રીત બુમરાહના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. બુમરાહે પ્રથમ પ્રયાસમાં કૅચ ઝીલ્યો, પણ બાઉન્ડરી લાઇન લગોલગ હોવાથી તે બૉલ હવામાં છોડીને બાઉન્ડરીને પાર ગયો હતો અને બીજી જ ક્ષણે પાછા અંદર આવીને તેણે વિકેટ કમ્પ્લીટ કરી હતી. પછીની ઓવર બુમરાહે કરી હતી જેના પહેલા જ બૉલમાં તેણે કૅપ્ટન હૅરી બ્રૂક (એક રન)ને પ્રથમ સ્લિપમાં રોહિત શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. 14મી ઓવરમાં ઇંગ્લૅન્ડનો સ્કોર ત્રણ વિકેટે 64 રન હતો.

ધોરાજીના મોટી મારડ ગામે ડબલ મર્ડરથી ખળભળાટ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં ડબલ મર્ડરની સનસનાટીભરી ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા પતિ-પત્નીની નિર્મમ હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. ગ્રામ્ય વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ વ્યાપી ગયો છે.
તેલંગાણામાં 6 લોકોનો હત્યારો મૃત હાલતમાં મળ્યો
તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં છ લોકોની હત્યાના કેસનો મુખ્ય આરોપી પી રાજકુમાર મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને તેનો મૃતદેહ કોઠૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળ્યો હતો. મૃતદેહ પાસેથી જંતુનાશકની એક બોટલ પણ મળી આવી છે. જોકે, મૃત્યુના સાચા કારણની પુષ્ટિ તપાસ બાદ જ થશે.
હોર્મુઝમાં UAEના ટેન્કરો પર ઇરાનનો હુમલો, એક ભારતીયનું મોત; 8 લોકો ઘાયલ
સંયુક્ત આરબ અમીરાત (UAE) ના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે હોર્મુઝમાં યુએઈનો ધ્વજ ધરાવતા બે ટેન્કરો પર ઈરાની ક્રૂઝ મિસાઈલો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ક્રૂના એક ભારતીય સભ્યનું મોત નીપજ્યું છે. આ હુમલામાં અન્ય આઠ સભ્યો ઘાયલ પણ થયા છે, જેમાંથી ચારની હાલત ગંભીર છે.