અમદાવાદ: શહેરના ગોતા વિસ્તારમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા રાકેશકુમાર કાંતીલાલ પટેલ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. ગઠિયાઓએ અદાણી ગેસ કંપનીના કર્મચારીની ખોટી ઓળખ આપીને તેમના મોબાઈલમાં એક નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપ્લિકેશન મારફતે મોબાઈલનો કંટ્રોલ મેળવીને વકીલના બેંક ખાતામાંથી કુલ રૂ. 7,90,012 સેરવી લીધા હોવાની પોલીસ ફરિયાદ અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, 15 સપ્ટેમ્બર 2026ના રોજ ફરિયાદી રાકેશકુમાર પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ રોહિત શર્મા તરીકે આપી હતી અને પોતે અદાણી ગેસ કંપનીમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું. તેણે ફરિયાદીને કહ્યું કે તેમનું ગેસનું બિલ બાકી છે અને વ્હોટ્સએપ પર એક ફાઇલ મોકલી હતી. ફરિયાદીએ આ ફાઇલ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. થોડીવાર પછી ફરીથી ફોન આવ્યો અને એપ્લિકેશન ચાલુ કરવા માટે OTP માંગ્યો હતો. રાકેશકુમારે OTP આપવાનો ઇનકાર કરીને ફોન કાપી નાખ્યો હતો.
થોડીવાર પછી બીજા નંબર પરથી ફરી ફોન આવ્યો હતો, પરંતુ રાકેશકુમારે પોતે રૂબરૂ જઈને બિલ ભરી દેશે તેમ કહીને વાત પૂરી કરી હતી. શંકા જતા તેમણે બીજા દિવસે બેંકમાં જઈને પોતાનું ખાતું ફ્રીઝ કરાવી દીધું હતું. થોડા દિવસો પછી એરટેલના બિલ અંગે પણ આવો જ ફોન આવતા તેઓ ફરી બેંક ગયા હતા. ત્યાં તેમને જાણવા મળ્યું કે તેમના બેંકના એકાઉન્ટમાંથી 18 સપ્ટેમ્બરે રૂ. 5,00,001 અને રૂ. 2,90,011 એમ બે ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 7,90,012 ઉપડી ગયા છે.
આ બનાવ અંગે ફરિયાદીએ સાયબર હેલ્પલાઈન અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે B.N.S.S. અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને બે મોબાઈલ નંબર ધારકો અને જે ખાતામાં પૈસા જમા થયા છે તેના ખાતાધારકો વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.