Tue Oct 06 2026

Logo

જાપાનીઓએ પણ જોઈ લીધી વૈભવની આતશબાજી, જોકે ભારતે 63 રનમાં ત્રણ વિકેટ ગુમાવી

Nishin   2026-10-01 11:08:00
Author: Ajay Motiwala
જાપાનીઓએ પણ જોઈ લીધી વૈભવની આતશબાજી, જોકે ભારતે 63 રનમાં ત્રણ વિકેટ ગુમાવી

એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાનની ફાઇનલનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે


નિશીન: જાપાનની એશિયન ગેમ્સમાં શ્રીલંકા સામે શરૂ થયેલી મેન્સ ટી-20 ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં ભારતે પ્રથમ બૅટિંગ મળ્યા પછી પહેલી સાત ઓવરમાં 62 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. વૈભવ સૂર્યવંશીએ ફટકાબાજીથી જાપાનીઓના દિલ જીતી લીધા હતા. જોકે તે 38 રનના પોતાના સાધારણ સ્કોર પર આઉટ થઈ ગયો હતો.

ભારતના 62 રનમાંથી 38 રન 15 વર્ષીય ટીનેજર સ્ટાર વૈભવના હતા. તેણે 20 બૉલમાં બે છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. શ્રીલંકા (Sri Lanka)એ ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું.

અભિષેક, સૅમસન સસ્તામાં આઉટ

વૈભવે અભિષેક શર્મા સાથે દાવની શરૂઆત કરી હતી, પરંતુ અભિષેક સાત રન અને પછી સંજુ સૅમસન પણ સાત રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ વૈભવ (Vaibhav) સાથે કેપ્ટન શ્રેયસ ઐયર જોડાયો હતો. વૈભવ આઉટ થયા પછી શ્રેયસ સાથે ઈશાન કિશન રમી રહ્યો હતો.

પાકિસ્તાને સવારે વરસાદ બાદ 13-13 ઓવરની પ્રથમ સેમિ ફાઇનલમાં બાંગ્લાદેશને છ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાનના બે સ્પિનર સુફિયાન મોકિમની ત્રણ વિકેટ અને અરાફત મિન્હાસની બે વિકેટને લીધે 20 ઓવરમાં સાત વિકેટે ફક્ત 111 રન બનાવી શક્યું હતું.

પાકિસ્તાને અબ્દુલ સામદના અણનમ 30 રન અને હસન નવાઝના અણનમ 27 રનની મદદથી 11.3 ઓવરમાં (નવ બોલ બાકી રાખીને) ચાર વિકેટના ભોગે 112 રન બનાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

ભારત (India) જો આજે શ્રીલંકા (Sri Lanka)ને હરાવશે તો શનિવારે (સવારે 10.00 વાગ્યાથી) ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે.

આજે શ્રેયસ ઐયરની ટીમમાં સંજુ સૅમસન, વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, તિલક વર્મા, ઈશાન કિશન, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ છે.

સહાન આરાચ્ચીગે શ્રીલંકાનો કેપ્ટન છે અને તેની ટીમમાં બિનુરા ફર્નાન્ડો, નિરોશન ડિકવેલા તથા આશેન બંડારા જેવા જાણીતા ખેલાડીઓ છે.

નિશીનમાં વરસાદને કારણે ઘણી મૅચો ખોરવાઈ ગઈ છે. જો શનિવારની ફાઇનલ વરસાદની લીધે નહીં રમાય તો ભારત અને પાકિસ્તાનની ટીમે ગોલ્ડ મેડલ શૅર કરી લેવો પડશે.