દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
સોનામાં ભાવમાં રેકોર્ડ ઘટાડો, 10 ગ્રામનો ભાવ 1,61, 675 એ પહોંચ્યો
દેશમાં સોનાના ભાવમાં છેલ્લા કેટલાક મહિનામાં નવા રેકોર્ડ બનાવ્યા છે. જોકે, હાલમાં સોનાનો ભાવમાં પ્રતિ 10 ગ્રામ 19,000 રૂપિયાનો રેકોર્ડ ઘટાડો નોંધાયો છે. જેના લીધે સોનાના રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. હાલ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,61, 675 એ પહોંચ્યો છે.
વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, હાથ ઉઠાવી ટીમનો જુસ્સો વધાર્યો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ રહી છે. ત્યારે ટીમ ઈન્ડિયાનું મનોબળ વધારવા માટે ગૃહમંત્રી અમિત શાહ પણ સ્ટેડિયમ પહોંચ્યા છે. તેમણે હાથ ઉઠાવીને ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધાર્યો હતો.
16મી ઓવર મોંઘી પડીઃ ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવી
16મી ઓવરમાં ટીમ ઈન્ડિયાને એકસાથે બે ફટકા પડ્યા. સંજુ સેમસનની બીજી, ઈશાન કિશનની ત્રીજી અને કેમ્પટન સૂર્યકુમાર યાદવની ત્રીજી વિકેટ પડી. જેમ્સ નીશમની ઓવરમાં એકસાથે ત્રણ સફળતા મળી, જેમાં ફુલટોસ બોલમાં સંજુ સેમસન (46 બોલમાં 89 રન)એ વિકેટ આપી દીધી, ત્યાર પછી લો ફુલટોસ બોલમાં ઈશાન કિશને 25 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો. ઉપરાંત, સૂર્યકુમાર યાદવ ઝીરોમાં આઉટ થયો.
ભારતની ધમાકેદાર શરૂઆત, સૅમસન-અભિષેકની જોડીએ 15.30ના રેટથી રન બનાવ્યા
અમદાવાદમાં ભારત ટૉસ હાર્યું, પરંતુ બૅટિંગ મળતાં ધમાકેદાર શરૂઆત કરવામાં સફળ રહ્યું છે, કારણકે અભિષેક શર્મા (51 નૉટઆઉટ, 19 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) અને સંજુ સૅમસન (33 નૉટઆઉટ, 17 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)ની જોડીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગજવી નાખ્યું છે. ચારેય દિશામાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થયો છે. પાવરપ્લેની છ ઓવરને અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 92 રન હતો. અસલ ફૉર્મમાં આવી ગયેલા અભિષેક અને ઇન્ફૉર્મ ઓપનર સૅમસનની જોડીએ 15.33ના રેટથી રન બનાવ્યા છે. માનસિક દબાણમાં આવેલા કિવી બોલર્સ વારંવાર વાઇડ બૉલ ફેંકી રહ્યા છે. લૉકી ફર્ગ્યુસનની ચોથી ઓવરમાં 24 રન, મૅટ હેન્રીની પાંચમી ઓવરમાં 21 રન અને જૅકબ ડફીની છઠ્ઠી ઓવરમાં 20 રન બન્યા હતા.

ન્યૂ ઝીલૅન્ડે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી, ભારતની ટીમ યથાવત
અમદાવાદમાં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 ફૉર્મેટની સૌથી મોટી મૅચ રમાવાની છે જે માટેનો ટૉસ ન્યૂ ઝીલૅન્ડના કૅપ્ટન મિચલ સૅન્ટનરે જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ભારતને પ્રથમ બૅટિંગમાં ઢગલો રન કરીને કિવીઓને પડકારરૂપ લક્ષ્યાંક આપવાનો મોકો મળ્યો છે. સૂર્યકુમારે સિક્કો ઉછાળ્યો હતો અને સૅન્ટનરે ટેઇલ્સનો કૉલ આપ્યો હતો. ટેઇલ્સ પડતાં તેણે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ભારતે સેમિ ફાઇનલની જ ટીમ જાળવી રાખી છે. એ જોતાં, અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તીને રમવાનો વધુ એક મોકો મળ્યો છે. ન્યૂ ઝીલૅન્ડની ટીમમાં કોલ મૅકોન્કિના સ્થાને જેકબ ડફીને રમવાની તક અપાઈ છે.
ઈરાન બાદ લેબનોન પર મોટા હુમલાની તૈયારીમાં ઇઝરાયલ
મિડલ ઈસ્ટમાં સતત તણાવ વધી રહ્યો છે. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા સતત ચાલુ છે. ત્યારે ઇઝરાયલ હવે હિઝબુલ્લાને નાબૂદ કરવા માટે લેબનોનમાં મોટા પાયે લશ્કરી કાયર્વાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. તેની એક તસવીર મીડિયામાં પ્રકાશમાં આવી છે.
અમદાવાદના સ્ટેડિયમમાં ફાલ્ગુની પાઠકે હજારો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા
અમદાવાદમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ભારતની વર્લ્ડ કપ ફાઇનલ માટેના ટૉસને અને પ્રથમ બૉલ ફેંકાવાને હજી થોડી વાર છે ત્યારે ફાઇનલ પહેલાંની ક્લોઝિંગ સેરેમનીમાં પ્રખ્યાત સિંગર, ગુજરાતી સિંગિગ આઇકન અને ક્રાઉડ-ફેવરિટ ફાલ્ગુની પાઠકે લગભગ ખીચોખીચ ભરાયેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગોઠવાઈ ગયેલા હજારો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે. એ ઉપરાંત પૉપ સિંગર રિકી માર્ટિનના પર્ફોર્મન્સની કમાલ પણ લોકોને જોવા મળી છે અને પ્રેક્ષકોને ભાંગડા કરવાનું મન થઈ જાય એવી સ્ટેજ પરથી ધમાલ સુખબીર સિંહ પંજાબી-હિન્દી ગીતો સાથે મચાવી રહ્યો છે. ફાલ્ગુની પાઠક `મૈંને પાયલ હૈ છન્કાઈ...' અને `ઓ પિયા' જેવા ગીતો માટે તેના કરોડો ચાહકોના દિલોદિમાગમાં વસેલી છે અને ટી-20ની સર્વોત્તમ ફાઇનલ પહેલાં અમદાવાદના સ્ટેડિયમના એક લાખ જેટલા પ્રેક્ષકોને તેનો આ શૉ લાઇવ માણવા મળ્યો.

બ્રિટનનો જ્યોર્જ રસેલ જીત્યો ફૉર્મ્યુલા-વન ઑસ્ટ્રેલિયન ગ્રાં પ્રિ
મેલબર્નમાં આયોજિત રેસિંગ સીઝનની સૌપ્રથમ સ્પર્ધા ફૉર્મ્યુલા-વન ઑસ્ટ્રેલિયન ગ્રાં પ્રિમાં બ્રિટનના જ્યોર્જ રસેલે વિજય હાંસલ કર્યો હતો. મર્સિડિઝના રસેલે આ રેસ 1ઃ23ઃ06.801ના ટાઇમિંગમાં પૂરી કરી હતી અને પ્રથમ સ્થાને રહેવાની સાથે તેણે ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. તેની જ ટીમનો એ. કે. ઍન્ટૉનેલી બીજા નંબરે રહ્યો હતો. તેણે આ રેસ પૂરી કરવામાં રસેલ કરતાં 2.974 સેકન્ડનો વધુ સમય લીધો હતો. ભૂતપૂર્વ ચૅમ્પિયન ચાર્લ્સ લેકલર્ક ત્રીજા સ્થાને હતો. તેને રેસ પૂરી કરવામાં રસેલ કરતાં 15.519 સેકન્ડનો વધુ સમય લાગ્યો હતો.

ઈરાને અમારા પર 16 બેલાસ્ટિક મિસાઈલથી કર્યો એટેકઃ યુએઈ
ઈરાન-ઈઝરાયલ/અમેરિકાના યુદ્ધમાં યુનાઈટેડ આરબ આમિરાત (યુએઈ)ને ઈરાનને સપાટામાં લીધું છે. હવે યુએઈએ કહ્યું છે કે ઈરાને 16 બેલાસ્ટિક મિસાઈલ સાથે 117 ડ્રોનનો એટેક કરવામાં આવ્યો. જોકે મોટા ભાગના ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે ચાર અમારા ક્ષેત્રમાં પડ્યા હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું.
ચીનના ભારત પ્રત્યેના સૂર બદલાયા, કહ્યું બંને દેશો એકબીજાના હરીફ નહિ પરંતુ ભાગીદાર
મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ચીનના ભારત પ્રત્યેના સૂર બદલાયા છે. જેમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ રવિવારે કહ્યું કે ભારત અને ચીને એકબીજાને હરીફ નહીં પરંતુ ભાગીદાર તરીકે જોવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે બંને દેશોએ એકબીજા પ્રત્યે ભયના બદલે અવસર તરીકે સમજવાની જરૂર છે.
ઉત્તરાખંડના રાજ્યપાલના હેલીકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું, મોટી હોનારત ટળી
ઉત્તરાખંડના રાજ્યપાલ લેફટન્ટ જનરલ ગુરમીત સિંહ( સેનિ) ના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ ટિહરીથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. હેલિકોપ્ટરમાં ટેકનિકલ સમસ્યા સર્જાતા પાયલોટે તાત્કાલિક શ્રીનગરના જીવિકે હેલીપેડ પર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. જેના લીધે મોટી હોનારત ટળી હતી.
ઉત્તરાખંડના રાજ્યપાલના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ
ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહના હેલિકોપ્ટરનું ટેક્નિકર ખામીને કારણે અચાનક શ્રીનગરના જીવીકે હેલિપેડ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું, ત્યાર પછી ગુરમીત સિંહને શ્રીનગરસ્થિત પોલીસના ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા.
JDUમાં સામેલ નિશાંત કુમાર
જનતા દળ (યુનાઈટેડ)ના નીતીશ કુમારના દીકરા નિશાંત કુમારે પાર્ટીમાં સામેલ થયો. પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સંજય ઝાએ નિશાંત કુમારને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું. JDUમાં સામેલ થયા પછી નિશાંત કુમારે નીતીશ કુમારના કામકાજને લઈ ગૌરવ વ્યક્ત કર્યું તેમ જ પિતાના માર્ગદર્શનમાં પાર્ટીને મજબૂત કરવાનો નિર્ધાર કર્યો.
T20 વર્લ્ડ કપને લઈ અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે રમાશે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે. 1 લાખથી વધુ પ્રેક્ષકો અને અનેક VIP મહેમાનોની સુરક્ષિત અવરજવર માટે અમદાવાદ પોલીસ અને વહીવટી તંત્ર ચુસ્ત ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો છે. મેચને ધ્યાને રાખીને 8-DCP, 14-ACP સહિત 27 PI, 91 PSI, 1800 પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે.