(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરીવલીના વેપારી પાસેથી ખરીદવામાં આવેલા કેમિકલના ઑનલાઈન પેમેન્ટનો બનાવટી સ્ક્રીનશૉટ મોકલી 17.65 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવાના કેસમાં બે આરોપીને રાજસ્થાનમાં પકડી પાડવામાં આવ્યા હતા.
એમએચબી કોલોની પોલીસે ધરપકડ કરેલા મુખ્ય આરોપીની ઓળખ લલિતકુમાર ભગવાનરામ બિશ્ર્નોઈ (36) અને તેના સાથી વિકાસ બિશ્ર્નોઈ (19) તરીકે થઈ હતી. બોરીવલી પશ્ર્ચિમમાં ચીકુવાડી ખાતે રહેતા નિર્મિત અજમેરા (32)એ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
ફરિયાદ અનુસાર આરોપી લલિતકુમારે વૉટ્સઍપના માધ્યમથી ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો. કેમિકલનો ઑર્ડર આપી આરોપીએ રામદેવ ઈન્ડસ્ટ્રીઝ નામનું વિઝિટિંગ કાર્ડ અને લેટરહેડ વૉટ્સઍપથી ફરિયાદીને મોકલાવ્યા હતા. દસ્તાવેજો જોઈ ફરિયાદીને વિશ્ર્વાસ બેસી ગયો હતો.
આરોપીએ ટ્રાન્સપોર્ટ કંપની મારફત માલ મોકલાવી દેવાની સૂચના આપી હતી. આ માટે 17.65 લાખ રૂપિયાના ઑનલાઈન પેમેન્ટનો ફોન પેનો સ્ક્રીનશૉટ પણ મોકલાવ્યો હતો. જોકે ફરિયાદીની કંપનીના બૅન્ક ખાતામાં કોઈ નાણાં ટ્રાન્સફર થયાં નહોતાં. તપાસ કરતાં સ્ક્રીનશૉટ બનાવટી હોવાનું જણાયું હતું. એ સિવાય આવી કોઈ કંપની લલિતકુમાર સાથે કનેક્શન ધરાવતી ન હોવાનું જાણવા મળ્યું હતું.
એમએચબી પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી આરોપી રાજસ્થાનના જોધપુરમાં હોવાનું શોધી કાઢ્યું હતું. રાજસ્થાન પોલીસની સાયબર ટીમની મદદથી પોલીસે મંડોર ખાતે છટકું ગોઠવી લલિતકુમારને તાબામાં લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે આપેલી માહિતી પરથી વિકાસને પણ પકડી પાડવામાં આવ્યો હતો. મંડોર પોલીસ સ્ટેશનમાં આરોપીઓની નોંધ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર બન્નેને મુંબઈ લાવવામાં આવ્યા હતા. આરોપીઓએ અન્ય એક બોગસ કંપનીને નામે માલ ખરીદવા માટે 39 કેમિકલ કંપનીનો સંપર્ક સાધ્યો હોવાનું તપાસમાં જણાયું હતું.