મુંબઈઃ વંદે ભારત ટ્રેનોની જેમ રેલવેએ તમામ લાંબા અંતરની ટ્રેનોમાં જાહેર સલામતીની જાહેરાતો શરુ કરવી જોઈએ, જેમાં તે કયા સ્ટેશનો પર રોકાશે તે સ્પષ્ટ કરવું જોઈએ, એમ બોમ્બે હાઈ કોર્ટે રેલવેને ભલામણ કરી છે
ન્યાયાધીશ જિતેન્દ્ર જૈનની સિંગલ બેન્ચે ચુકાદો આપતી વખતે મુસાફરોને ચેતવણી આપી હતી કે ચાલતી ટ્રેનોમાંથી ઉતરવાનો કે ચઢવાનો પ્રયાસ કરતી વખતે પોતાનો જીવ જોખમમાં ન મૂકે. આગામી સ્ટેશન પર ટ્રેન ઉભી રહે ત્યાં સુધી રાહ જોવાની અને જરૂરી દંડ ભરવો સલાહભર્યું છે
લગભગ એક દાયકા પહેલા જળગાંવ રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતી વખતે ઘાયલ થયેલા એક વ્યક્તિને કોર્ટે 80,000 રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે નોંધ્યું હતું કે લોકલ ટ્રેનોમાં એક ડિસ્પ્લે બોર્ડ અથવા જાહેરાતમાં કહેવામાં આવે છે કે ટ્રેન કયા રેલવે સ્ટેશનો પર રોકાશે નહીં. જોકે, લાંબા અંતરની ટ્રેનોમાં પ્લેટફોર્મ પર આવા ડિસ્પ્લે બોર્ડ અથવા જાહેરાત જોવા મળતી નથી. મુસાફરો લાંબા અંતરની ટ્રેનોનો ઉપયોગ ટૂંકા અંતરની મુસાફરી કરવા માટે પણ કરતા હોય છે.
હાઈ કોર્ટે જણાવ્યું હતું. જ્યારે ટ્રેન કયા સ્ટેશનો પર નહીં ઉભી રહે તે જણાવતી કોઈ જાહેરાત કરવામાં ન આવે, ત્યારે મુસાફર એવા સ્ટેશન પર ઉતરવા માટે ટ્રેનમાં ચઢે છે જ્યાં ટ્રેન ઉભી નથી રહેતી, તો મુસાફરને કોઈ દોષ આપી શકાય નહીં, એમ ઉમેર્યું હતું.
કોર્ટ રોહિદાસ કુમાવત દ્વારા દાખલ કરાયેલી અપીલની સુનાવણી કરી રહી હતી, જેમાં રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલના જાન્યુઆરી 2018ના આદેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં વળતર માટેના તેમના દાવાને એ આધાર પર નકારી કાઢવામાં આવ્યો હતો કે તેમની ઈજા કોઈ અનિચ્છનીય ઘટનાને કારણે નહીં પરંતુ પોતે દાખવેલી બેદરકારીનું પરિણામ છે.