Mon Aug 17 2026

Logo

બાંગ્લાદેશ ઐતિહાસિક જીતની નજીક, ઑસ્ટ્રેલિયા પરાજયથી બચવાના મૂડમાં

Darwin   2026-08-15 22:28:54
Author: Ajay Motiwala
Article Image

ડાર્વિનઃ બાંગ્લાદેશ શનિવારે એના ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત મેળવવાની દિશામાં આગળ વધ્યું હતું. ઑસ્ટ્રેલિયામાં બાંગ્લાદેશની ફરી 23 વર્ષે ટેસ્ટ રમાઈ રહી છે જેમાં શનિવારે ત્રીજા દિવસે કાંગારુઓનો બીજા દાવનો સ્કોર ચાર વિકેટે 161 રન હતો અને તેમને બાંગ્લાદેશની સરસાઈ ઉતારવા માટે બીજા 67 રનની જરૂર હતી.

બાંગ્લાદેશ રવિવારે કદાચ એક દાવથી જ જીતી શકશે અથવા ઑસ્ટ્રેલિયાને બીજા દાવમાં નીચા ટોટલમાં આઉટ કરીને સાધારણ લક્ષ્યાંક મેળવીને વિજયડંકો વગાડી શકશે. કૅમેરન ગ્રીન (43 રન) અને વિકેટકીપર ઍલેક્સ કૅરી (19 રન) નૉટઆઉટ હતા. માર્નસ લાબુશેન (31 રન) અને સ્ટીવ સ્મિથે (44 રન) થોડી લડત આપ્યા પછી વિકેટ ગુમાવી દેતાં ઑસ્ટ્રેલિયાના માથે પરાજય તોળાઈ રહ્યો છે.

પ્રથમ દાવમાં ઑસ્ટ્રેલિયાની છ વિકેટ લેનાર પેસ બોલર હસન મહમૂદે શનિવારે બીજા દાવમાં બે વિકેટ મેળવી હતી. તેણે ટ્રૅવિસ હેડ (17 રન) અને જેક વેધરાલ્ડ (0)ને ક્લીન બોલ્ડ કર્યા હતા. એક-એક વિકેટ તૈજુલ ઇસ્લામ અને મેહદી મિરાઝે લીધી હતી.

ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 198 રન બનાવ્યા બાદ બાંગ્લાદેશે તેન્ઝિદ હસનના 101 રન, કૅપ્ટન નજમુલ શૅન્ટોના 84 રન અને મેહદી મિરાઝના 65 રનની મદદથી 426 રન બનાવીને 228 રનની સરસાઈ લીધી હતી.