Tue Aug 25 2026

Logo

`આપ કો આજકલ યુનિફૉર્મ મેં હી દેખા હૈ'...હર્ષા ભોગલેએ સિરાજને આવું કેમ કહ્યું?

Gaul   2026-08-16 16:52:41
Author: Ajay Motiwala
`આપ કો આજકલ યુનિફૉર્મ મેં હી દેખા હૈ'...હર્ષા ભોગલેએ સિરાજને આવું કેમ કહ્યું?

ગૉલઃ અહીં શ્રીલંકા સામે ચાલતી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં શનિવારે પ્રથમ દિવસની રમત બાદ હૉટેલની લૉબીમાં ભારતીય ખેલાડીઓ આવી રહ્યા હતા ત્યારે વિખ્યાત કૉમેન્ટેટર હર્ષા ભોગલે (Harsha Bhogle)એ પેસ બોલર મોહમ્મદ સિરાજ સાથે હાથ મિલાવીને તેને નૉન-ક્રિકેટિંગ સવાલ પૂછીને આસપાસમાં પસાર થઈ રહેલા સૌને ચોંકાવી દીધા હતા અને એ ટૂંકી મુલાકાતનો વીડિયો પણ વાઇરલ થયો છે.

હર્ષા ભોગલે હૉટેલની લૉબીમાં એક જગ્યાએ ઊભા હતા અને ભારતીય ખેલાડીઓ અંદર આવી રહ્યા હતા ત્યારે એમાંથી મોહમ્મદ સિરાજ (Siraj) નજીક આવ્યો ત્યારે હર્ષા ભોગલેએ તેને `હેલો' કરવાની સાથે પહેલાં તો કહ્યું કે `આપ કો આજકલ યુનિફૉર્મ મેં હી દેખા મૈં...'

સિરાજે જવાબમાં કહ્યું, `એક હી બાર દેખા (એક જ ફોટો વાઇરલ થયો છે)' આ જવાબ સાંભળીને હર્ષા ભોગલે હસ્યા હતા અને તેને `ગુડ લક' કહ્યા પછી બીજા ખેલાડીઓ સાથે પણ `હાય...હેલો' કરીને હળવી વાતચીત કરી હતી.

વાત એવી છે કે મોહમ્મદ સિરાજની થોડા મહિના પહેલાં તેલંગણા રાજ્યની પોલીસમાં ડેપ્યૂટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (DSP) તરીકે નિયુક્તિ થઈ હતી. સ્પોર્ટ્સ ક્વોટા હેઠળની આ નિયુક્તિ બાદ સિરાજ તાજેતરમાં હૈદરાબાદમાં રાજ્યના ડિરેકટર જનરલ ઑફ પોલીસ (ડીજીપી) સી. વી. આનંદને મળ્યો હતો.

આનંદે ડીજીપીનો (રાજ્યના પોલીસ વડાનો) હોદ્દો સંભાળ્યો ત્યાર બાદ સિરાજ તેમને ડીએસપીના યુનિફૉર્મમાં પહેલી વખત મળ્યો એ સમયની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ અને એને ધ્યાનમાં રાખીને હર્ષા ભોગલેએ શનિવારે સિરાજને મુલાકાત દરમ્યાન તેના નૉન-ક્રિકેટિંગ સ્પેશ્યલ યુનિફૉર્મનો ઉલ્લેખ કર્યો હતો. સિરાજે આનંદને મુલાકાત દરમ્યાન સફળતા વિશે શુભેચ્છા આપી હતી.

2024માં ભારતે ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો ત્યાર બાદ તેલંગણાના મુખ્ય પ્રધાન એ. રેવંથ રેડ્ડીએ સિરાજ માટે સરકારી હોદ્દોની તેમ જ મકાન માટે પ્લૉટની જાહેરાત કરી હતી. ત્યારે સિરાજને મહિલા બૉક્સર નીખત ઝરીનની સાથે પોલીસ વિભાગમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ડીએસપીનો હોદ્દો આપ્યો હતો.