કેગના રિપોર્ટમાં સીએસએમટી, નવી દિલ્હી અને મુંબઈ સેન્ટ્રલ સહિતના સ્ટેશનનો સમાવેશ
નવી દિલ્હીઃ રેલવેના પ્રવાસીઓને આપવામાં આવતા પીવાના પાણીની ગુણવત્તા સામે ફરી સવાલ થઈ રહ્યા છે. આ પાણીની ગુણવત્તા કેવી હોય છે એ અંગે ખુલાસો થયો છે. કેગ (Comptroller and Auditor General of India)ના રિપોર્ટમાંથી એ વાત જાણવા મળ્યું છે કે, ભારતના કેટલાય સ્ટેશન એવા છે જ્યાં પીવાના પાણીની ગુણવત્તા ખરાબ છે. સ્ટેશન પર લગાવવામાં આવેલા કુલરમાં જે પાણી છે એ પીવા લાયક નથી. યોગ્ય નથી. આ પાણીમાં ઈ ક્લાઈ બેક્ટેરિયા હોવાનું જાણવા મળ્યું છે. આ એ જ બેક્ટેરિયા છે જે પેટમાં જતા જ ગંભીર ઈન્ફેક્શન લાગી જાય છે.
કેગના રિપોર્ટમાં શું હતું?
કેગના રિપોર્ટમાંથી એ વાત સામે આવી છે કે, અમુક સ્ટેશન એવા છે જ્યાં પીવાનું પાણી પણ યોગ્ય રીતે મળતું નથી. ઘણાય સ્ટેશન એવા છે જ્યાં શૌચાલય, બેસવાની જગ્યા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. આ સમગ્ર વિષયને લઈ 12 ઓગસ્ટના રોજ સંસદમાં એક વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. દેશભરના અનેક મુખ્ય NSG-1 કેટેગરી સ્ટેશનો પર અપૂરતી રેલ્વે સુવિધાઓ હોવાનું મળી આવ્યું છે. આમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, હાવડા, સિયાલદાહ, નવી દિલ્હી અને મુંબઈ સેન્ટ્રલનો સમાવેશ થાય છે. આ સ્ટેશનો પર પૂરતી બેઠક વ્યવસ્થા, શૌચાલય, ડસ્ટબિન અને ઇલેક્ટ્રોનિક ટ્રેન સૂચક બોર્ડનો અભાવ છે.
રેલવે પ્રધાને આપી ખાતરી
CAG રિપોર્ટમાં જણાવાયું છે કે 12 સ્ટેશનો પર પીવાના પાણીના નળ, આઠ સ્ટેશનો પર પંખા અને આઠ સ્ટેશનો પર વોટર કુલરની અછત હતી. વધુમાં, પાંચ સ્ટેશનો પર યોગ્ય સાઇન બોર્ડનો અભાવ હતો. 2,035 સ્ટેશનો પર પીવાના પાણીના નળની અછત છે. 200થી વધારે સ્ટેશન એવા છે જ્યાં શૌચાલય નથી. 2000થી વધારે સ્ટેશન એવા છે, જ્યાં પીવાનું પાણી નથી. 59 કેન્દ્ર એવા મળી આવ્યા, જ્યાં પીવાના પાણીમાં હાનિકારક બેક્ટેરિયા હતા. 512 સ્ટેશનમાંથી 458 સ્ટેશન એવા હતા, જ્યાં કોઈને કોઈ પ્રાથમિક સુવિધાનો અભાવ હતો.

આ સમગ્ર મામલે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પીવાના પાણી અને બીજી કેટલીક પ્રાથમિક સુવિધા માટે જે તે ઝોનના અધિકારીને રેલવે સ્ટેશન માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. તાત્કાલિક ધોરણે આ સુવિધા શરૂ થાય એ માટે કામ કરવામાં આવી રહ્યું છે. 20,000 જેટલા સ્થાન પર નવી ટાંકી તૈયાર કરવામાં આવી રહી છે. જ્યાં વોટર ફિલ્ટરેશન સિસ્ટમ તથા સમગ્ર રેલવે નેટવર્કમાં મેગા ફિલ્ટરેશન પ્લાન્ટ લગાવી દેવામાં આવશે.
સમયાંતરે થશે મોનિટરિંગ
અનેક સ્ટેશન પર પાણીની ટાંકીને બદલવામાં આવી રહી છે. આ ઉપરાંત ઘણા આઉટલેટ પર અને સોર્સ પર પાણીની ગુણવત્તાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ માટે એક સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ અને જવાબદારી નક્કી કરવામાં આવી છે. સ્ટોરેજની ટાંકીઓ પર સફાઈ અને દેખરેખ માટે ટીમને સૂચના આપવામાં આવી છે. આ માટે બોર્ડની ડાયરેક્ટ નજર આ તમામ પાસાઓ પર રહેશે. આ સમગ્ર સિસ્ટમને લઈને સમયાંતરે તેનું મોનિટરિંગ કરવામાં આવશે અને પછી એ અંગી રિપોર્ટ કેન્દ્ર સુધી મોકલવામાં આવશે.