Mon Sep 07 2026

Logo

સુરતમાં કાળજું કંપાવનારી ઘટના: 4થા માળેથી પટકાતા 1 વર્ષના માસૂમનું મોત, પરિવારમાં માતમ

2026-08-16 22:18:30
Author: Devayat Khatana
સુરતમાં કાળજું કંપાવનારી ઘટના: 4થા માળેથી પટકાતા 1 વર્ષના માસૂમનું મોત, પરિવારમાં માતમ

સુરત: ગુજરાત માટે આજનો દિવસ ગોઝારો રહ્યો હતો, કારણ કે આજના દિવસે રાજ્યમાં બનેલી અનેક કરુણાંતિકાઓએ લોકોને હચમચાવી નાખ્યા છે. વડોદરા, રાજકોટ અને સુરતની ઘટનાઓ વિશે જાણીને કોઈપણ માણસના રૂવાડા ઊભા થઈ જાય. સુરતના અલથાણ વિસ્તારમાં ટેનામેન્ટના  ચોથા માળની બાલ્કનીમાંથી પડી જવાથી એક વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ અંશ જયદીપભાઈ વાજા તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી વિગતો અનુસાર, મૃતક બાળકનો પરિવાર મૂળ અમરેલી જિલ્લાના બગસરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું, હાલ તેઓ સુરતમાં રહે છે. ઘટના સમયે અંશ ઘરની ગેલેરીમાં રમી રહ્યો હતો. જો કે આ દરમિયાન તેણે અચાનક કાબુ ગુમાવ્યો હતો અને ચોથા માળેથી સીધો નીચે પટકાયો હતો. બાળકના ટક્કરનો એવો જોરદાર અવાજ થયો હતો કે નજરે જોનારા તેમજ પરિવાર અને નજીકના લોકો હેબતાઈ ગયા હતા. 

બાળક નીચે પટકાયાનો અવાજ  સાંભળીને પરિવારના લોકો અને સમુદાયના સભ્યો નીચે દોડી આવ્યા હતા. જો કે બાળક અંશ ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ દુઃખદ બનાવને કારણે પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો.