Tue Oct 06 2026

Logo

બંગાળની ખાડી પર સક્રિય બનેલી સિસ્ટમ ગુજરાતનાં ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ લાવશે ? જાણો વિગત

2026-09-23 11:05:00
Author: Mayur Patel
બંગાળની ખાડી પર સક્રિય બનેલી સિસ્ટમ ગુજરાતનાં ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ લાવશે ? જાણો વિગત

અમદાવાદઃ બંગાળની ખાડી પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ આવશે કે કેમ તેવી ચર્ચા શરી થઈ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય પ્રક્રિયા ચાલુ છે, અને આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસું વધુ આગળ વિદાય લેવા માટે સ્થિતિ અનુકૂળ છે. દરમિયાન, પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું ડિપ્રેશન આગામી 12 કલાક દરમિયાન ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને 23 સપ્ટેમ્બરની રાત્રે અને 24 સપ્ટેમ્બરની વહેલી સવારે વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશાનો દરિયાકાંઠો ઓળંગે તેવી ધારણા છે. હવામાન વિભાગે તેના સાત દિવસના પૂવાનુમાનમાં 23 સપ્ટેમ્બર પછી ગુજરાત માટે ભારે વરસાદની કોઈ ચેતવણી જાહેર કરી નથી.

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનના કારણે દેશના પૂર્વીય, મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં હવામાનનો મિજાજ પલટાયો છે. હવામાન વિભાગ મુજબ, આ સિસ્ટમ વધુ સક્રિય બનીને જમીન તરફ આગળ વધી રહી છે. તેના પગલે આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

જેની સૌથી ગંભીર અસર ઓડિશામાં જોવા મળી રહી છે. દરિયાકાંઠાના અને દક્ષિણ ઓડિશાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે પગલાં ભર્યાં છે.  રાજ્યમાં ઓડ્રાફની 33 ટીમો ઉતારવામાં આવી છે, જેમાંથી 24 ટીમો અત્યંત સંવેદનશીલ જિલ્લાઓમાં મોકલી દેવાઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ 7 જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ 24 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાના આદેશ જારી કરાયા છે.  દરિયામાં 75 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા હોવાથી ૨૪ સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. સાથોસાથ પુરીના દરિયાકાંઠે પ્રવાસીઓ માટે નાહવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઉત્તર ભારતના રાજ્યોમાં પણ આ સિસ્ટમની અસરરૂપે હવામાન પલટાશે. પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ગુરુવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે અને 25-26 સપ્ટેમ્બર દરમિયાન મુશળધાર વરસાદ વરસી શકે છે. ઉત્તરાખંડમાં શુક્રવારથી વરસાદનું જોર વધશે અને શનિવારે પર્વતીય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. બિહારમાં ગુરુવાર અને શુક્રવારે બિહારના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે.

મધ્ય અને દક્ષિણ ભારતના રાજ્યો છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, તટીય કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.