Fri Oct 02 2026

Logo

ઉધમપુરમાં ઠાર મરાયેલ આતંકી PoKનો રહેવાસી નીકળ્યો, પાડોશીએ પોલ ખોલી નાખી

2026-09-23 10:36:00
Author: Mumbai Samachar Team
ઉધમપુરમાં ઠાર મરાયેલ આતંકી PoKનો રહેવાસી નીકળ્યો, પાડોશીએ પોલ ખોલી નાખી

ઉધમપુર/શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આતંકવાદીઓ અને ભારતીય સૈન્ય વચ્ચે થયેલા સામસામા ફાયરિંગમાં આતંકવાદી આદિલ ઉર્ફે મુસ્તફાનો ચહેરો ઉઘાડો પડી ગયો છે. 17 સપ્ટેમ્બરના રોજ ભારતીય સૈન્યએ આતંકવાદીઓ સામે કરેલા દમદાર ફાયરિંગમાં 2 પાકિસ્તાની નાગરિકોને ફૂંકી માર્યા હતા. આ કેસમાં બન્ને આતંકવાદીઓની ઓળખ મળી ચૂકી છે. આતંકી આદિલ ઉર્ફે મુસ્તફા અંગેની વધારાની વિગત બોર્ડરના સામા છેડેથી મળી છે. આદિલ ઉર્ફે મુસ્તફાનું પુરૂ નામ આદિલ ખાન સુદોજઈ છે અને તે POKમાં આવેલા રાવલાકોટ તાલુકાના પોથી મકવાલા ગામનો રહેવાસી છે. 

પાડોશીએ પોલ ખોલી નાખી

આ આતંકવાદીને ઠાર માર્યા બાદ એના ગામ તથા પાડોશીઓએ, સ્કૂલના સાથીઓએ તથા ફેસબુકના મિત્રોએ આદિલ અંગેની પોસ્ટ શૅર કરી હતી. ઉધમપુરમાં થયેલા એન્કાઉટરમાં તે માર્યો ગયો હતો. પાકિસ્તાન ઓક્યુપાઈ કાશ્મીરમાં તે અવામી એક્શન કમિટીના બેનર અંતર્ગત ચાલી રહેલા એક સંગઠનનો નેતાનો પાડોશી હતો. પાકિસ્તાન દર વખતે જ્યારે સામસામે ફાયરિંગ થાય છે અને આતંકીઓને ઠાર મારવામાં આવે છે ત્યારે ખોટો દાવાઓ કરીને મામલાને રફેદફે કરવા પ્રયાસ કરે છે. પાકિસ્તાન એવું કહે છે કે, આ આતંકવાદી કોઈ પાકિસ્તાનના નથી પણ જમ્મુ કાશ્મીરના છે. દર વખતે ઠાર મારવામાં આવેલા આતંકવાદીઓના પાડોશી, પરિવારજનો, સંબંધીઓ પાકિસ્તાનના ખોટા દાવાનો સોશિયલ મીડિયા પર પર્દાફાશ કરી દે છે. એના વિશેની જાણકારી પોસ્ટ કરીને પાકિસ્તાનને શરમમાં મૂકે છે. 

આ રીતે જાડાયો આતંકી સંગઠનમાં

અનેકવાર એવું સાબિત થઈ ગયું છે કે, જે આતંકવાદીઓને પાકિસ્તાન જમ્મુ કાશ્મીરના ગણાવી દે છે અસલમાં તે POK અથવા પાકિસ્તાનના કોઈ અન્ય પ્રાંતના હોય છે. ત્યાના નાગરિક હોય છે. ઑપરેશન મહાદેવમાં ઠાર મારયેલો આતંકી હબીબ તાહિર ઉર્ફે હબીબ નઝીર પણ રાવલકોટનો રહેવાસી હતી. એ પણ આતંકી આદિલની જેમ સુદોજઈના ગ્રૂપમાંથી હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉધમપુરમાં થયેલા ફાયરિંગમાં ઠાર મરાયેલો આતંકી આદિલ ખાન સુદોજઈમાં ધો.10 સુધીનો અભ્યાસ કરી ચૂક્યો હતો. રાવલાકોટ માં આવેલી એક બોય્ઝ હોસ્ટેલમાં પણ રહી ચૂક્યો હતો. એ પછી તે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના કમાન્ડર અબુ મોહમ્મદ ઉર્ફે મસુલ ઈલિયાસ કશ્મીરીના સંપર્કમાં આવ્યો હતો. આ સાથે તે અબ્દુલ્લાહ સજ્જાદના સંપર્કમાં હતો. રાવલાકોટમાં ટ્રેનિંગ લઈ વર્ષ 2024માં કાશ્મીર આવી ગયો હતો. 2 વર્ષ સુધી જમ્મુમાં છુપાતો ફરતો હતો. અંતે 17 સપ્ટેમ્બરના રોજ ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે આતંકી આદિલ ખાનને તેના સાથી સદ્દામ સાથે ઠાર મારી દીધો હતો.