ગાંધીનગરઃ અત્યાર સુધી પોલીસ અને એમ્બ્યુલન્સ માટે 112 નંબર પર કોલ કરતા ઈમરજન્સી સેવા મળતી હતી. હવે ફાયર સર્વિસને આ નંબર સાથે જોડી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કે કોઈ પણ જગ્યાએ આગ લાગે ત્યારે 101 લગાવવાના બદલે 112 નંબર પર કોલ કરવા ફાયરની ઈમરજન્સી સર્વિસ પણ મળી રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, જામનગર તથા ભાવનગર એમ રાજ્યની છ મહાનગર પાલિકાને આ સર્વિસમાં જોડી દેવામાં આવી છે.
યુદ્ધના ધોરણે નવી સર્વિસ શરૂ
23 સપ્ટેમ્બરથી આ સર્વિસ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાશે. હવે કોઈ પણ ઈમરજન્સી સેવા માટે નાગરિકોએ માત્ર એક જ સામાન્ય નંબર 112 પર કોલ કરવાનો રહેશે, જેના પરથી પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયરની એમ ત્રણેય ઈમરજન્સી સર્વિસ મળશે. 101 નંબર પર નાગરિકો કોઈ કોલ કરશે તો પણ એ કોલને પ્રાયોરિટી આપીને ટ્રાંસફર કરી 112 ના કંટ્રોલરૂમમાં અપાશે અને ત્યાંથી જે તે ફરિયાદ કે માગના આધાર સર્વિસ ટ્રાંસફર કરાશે. આ સમગ્ર નવી સિસ્ટમને કારણે રિસપોન્સ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, ફાયરના વાહનોનો કેટેગરી આધારિત ઉપયોગ, ઘટના સ્થળની ઈમરજન્સી, ઈમરજન્સી વખતેની જરૂરિયાત સહિત અનેક ડેટા એક જ નંબર પરથી પ્રાપ્ય બનશે. રાજ્યમાં ઈમરજન્સી સેવાના નંબરમાં પાયાથી ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને ફાયર વિભાગને જોડી દેતા હવે ફાયર માટે કોઈ અલગથી કોલ કરવાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત ફાયર વિભાગ પણ જરૂરી રેસક્યૂ સર્વિસને લઈ આગળનું કામ કરી શકશે.
કેન્દ્રીય મંત્રીએ શરૂ કરાવ્યો હતો પ્રોજેક્ટ
આ સમગ્ર વ્યવસ્થા દ્વારા ઈમરજન્સીની માહિતી 112 નંબર પરથી ઝડપથી સંચાર થશે, સમગ્ર રાજ્યમાં વધારે અસરકારક અને વ્યવસ્થિત ફાયર ઈમરજન્સી સર્વિસને સારો એવો પ્રતિસાદ મળી રહેશે. પહેલા તબક્કામાં રાજ્યની છ મહાનગર પાલિકાને આવરી લેવામાં આવી છે. પછી બીજા તબક્કામાં જે તે બેઠક બાદ યોગ્ય નિર્ણય લેવાઈ શકે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે 'જનરક્ષક 112' પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. એ પછી આ સર્વિસ રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી. અનેક ઇમરજન્સી સેવાઓ માટે જુદા જુદા નંબર યાદ રાખવાની જરૂર નહીં પડે.જ્યારે આ સમગ્ર પ્રોજેક્ટ શરૂ થયો એ સમયે અમિત શાહે જણાવ્યું કે આ પ્રોજેક્ટ અત્યાધુનિક ટેકનોલોજી અને GPSથી સજ્જ વાહનો દ્વારા સંચાલિત થશે, જે કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપશે.