Tue Apr 21 2026

Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ જમીનથી 350 મીટર ઊંચાઈ પર સ્ટેડિયમ

2026-03-28 10:26:00
Author: Hemant Wala
Article Image

 

હેમંત વાળા

એક સમાચાર છે. વર્ષ 2034ના ફિફા ફૂટબોલ વર્લ્ડકપ માટે સાઉદી અરેબિયાના સૂચિત શહેર નીઓમમાં જમીનથી આશરે 350 મીટર જેટલી ઊંચાઇ પર 46000થી વધુની ક્ષમતાવાળું આશરે એક બિલિયન ડૉલર એટલે કે આશરે 8300 કરોડ રૂપિયાની લાગતનું એક બહુહેતુક સ્ટેડિયમ બનાવાશે. અહીં રમતનું મેદાન આશરે 105 મીટર X 68 મીટર અને પિચ એરિયા 125 મીટર X 85 મીટરની હાઇબ્રિડ ઘાસથી આચ્છાદિત હશે. 

આયોજન પ્રમાણે તેનું બાંધકામ વર્ષ 2027માં શરૂ થશે અને આશરે પાંચ વર્ષના ગાળામાં તેનું સંપૂર્ણ બાંધકામ સંપન્ન થયું હશે. આ સ્ટેડિયમને સૂચિત શહેરની છત સાથે જોડવાની યોજના છે. આમ તો આ વર્લ્ડકપ માટે કુલ 15 સ્ટેડિયમ તૈયાર હશે પરંતુ તેમાંથી આ 350 મીટરની ઊંચાઈવાળા નીઓમ સ્ટેડિયમની ચર્ચા વધુ છે, તે સ્વાભાવિક પણ છે.

દુનિયાએ ક્યારેય જોયું ન હોય તે પ્રકારની રચના કરવાનો ઉમંગ સ્વાભાવિક છે. જ્યારે અઢળક સંપત્તિ હોય, તજજ્ઞો સેવા આપવા તૈયાર હોય, મીડિયા આ પ્રકારના પ્રયત્નની `આરતી' ઉતારવા તત્પર હોય, લોકો ચોક્કસ પ્રકારની ઉત્કંઠા દર્શાવતા હોય, સમયરેખા મુજબ તેની સંભાવના હોય અને જ્યારે વાસ્તવિકતા કરતાં ઉત્સાહનું પ્રાધાન્ય હોય ત્યારે આ પ્રકારની રચના માટે વિચાર આવી શકે. 

સ્વાભાવિક છે કે અહીં ટેકનોલોજી ઉચ્ચકક્ષાની હોય, જરૂરી સગવડતા તેમજ અનુકૂળતા માટે પૂરતી કોશિશ હોય, આવનજાવનના માર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું હોય, અકસ્માત કે કટોકટીના સમયે સુરક્ષા અને સલામતી માટે વિશેષ તેમજ અસરકારક વ્યવસ્થા હોય, મનોરંજન માટે વૈકલ્પિક સંભાવના હોય અને બંધન સ્વરૂપે કોઈપણ પ્રકારની રાજકીય કે સામાજિક પરિસ્થિતિ ન હોય તો આ પ્રકારનાં સપનાં સાકાર કરવા માટે પ્રયત્ન શરૂ પણ કરી શકાય.

આજકાલ સ્થાપત્યની પ્રત્યેક આધુનિક રચના માટે જે પ્રકારનાં દાવા થતા હોય છે તે અહીં પણ કરાયા છે. પર્યાવરણ માટેની સંવેદનશીલતા, સ્વ-નિર્મિત ઊર્જાનો ઉપયોગ, ઊર્જાના ઉપયોગમાં કરકસરની સંભાવના, સાંસ્કૃતિક તેમજ પરંપરાગત બાબતોનું પ્રતિબિંબ, માનવ-કેન્દ્રિત અભિગમ, એઆઈનો રચનાત્મક અસરકારક અને સંવેદનશીલ ઉપયોગ, ભૂતકાળના પ્રતિબિંબ સાથે ભવિષ્યની વૈશ્વિક શૈલી માટે પ્રેરણા માટેની સંભાવના, હાઈટેક સુવિધાઓ, ટકાઉ તેમજ વિશ્વાસનીય સંરચના, આજુબાજુની પરિસ્થિતિ સાથે સ્થાપિત થનારી સમરસતા, માનવીય સંવેદનાઓને અનુરૂપ અભિગમ, ભવ્યતા સાથે બાંધછોડ કર્યા વગર સ્થાપિત થનારી નેટ-ઝીરો કાર્બન પરિસ્થિતિ અને દેશના ગૌરવ માટેનું અભિયાન - આ વાતો લગભગ દરેક મકાન માટે થતી હોય છે. અહીં પણ અપવાદ નથી. જોકે આ બધાંનું પહેલેથી સુ-નિર્ધારિત માળખા પ્રમાણે ઓડિટ થાય તે જરૂરી છે.

એમ જણાય છે કે આ સ્ટેડિયમ કોઈ યોજનાનો ભાગ હોવા અંગે કોઈ સત્તાવાર ઉલ્લેખ નથી કરાયો. એમ પણ જાણવા મળ્યું છે કે અંગ્રેજી ભાષાના કોરિયન દૈનિક દ્વારા પ્રાપ્ત કરાયેલ માહિતી મુજબ આ એક કાલ્પનિક વાત છે જેમાં એઆઈ સર્જિત છબીઓ વહેતી કરવામાં આવી છે. છતાં પણ એમ કહી શકાય કે આ પ્રકારનું સ્ટેડિયમ શક્ય તો છે; તે ઇચ્છનીય છે કે નહીં, તે ભવિષ્ય માટે સારો વિકલ્પ બની શકશે કે નહીં, તેનાથી સમગ્રતામાં સકારાત્મક પરિસ્થિતિ સ્થાપિત થશે કે નહીં અને માનવીના ભાવનાત્મક અસ્તિત્વ માટે આ એક સ્વીકૃત સંભાવના રહેશે કે નહીં તે વિચારવું પડે. વિજ્ઞાન અને ટેકનિક એટલું આગળ વધી ગયું છે કે જ્યાં કરોડો કિલોમીટર દૂર અવકાશ-યાન પર નિયંત્રણ રાખી શકાતું હોય તો 350 મીટરની ઊંચાઈ પરનું સ્ટેડિયમ તો સામાન્ય વાત કહેવાય.

દુનિયામાં અને ભારતના કેટલાક શહેરોમાં પણ વચમાં રેસ્ટોરન્ટ માટે એક નવા પ્રકારનો ટે્રન્ડ શરૂ થયો હતો. અહીં એક ઉંચી ક્રેન પર એક મંચને લટકાવી તેના પર જમવાની વ્યવસ્થા કરાતી હતી. રોમેન્ટિક બનવા માટે આ પ્રયત્ન સારો ગણાયો પરંતુ તેનું આયુષ્ય બહુ અલ્પ રહ્યું. કારણ સ્વાભાવિક છે. કેટલાક લોકોને ઊંચાઈ પર એક પ્રકારનો માનસિક ડર સતાવે, ગમે તેટલી સુનિયોજિત વ્યવસ્થા હોય તો પણ ભાગદોડમાં જાનહાનિ થવાની સંભાવના વધુ રહે, ગમે તેટલા દાવા કરવામાં આવે તો પણ આ પ્રકારની રચના ઊર્જાની ખપતની દ્રષ્ટિએ ક્યારેય કરકસરયુક્ત ન બની શકે, 

અસલામતી ઉપરાંત તકનીકી નિષ્ફળતાના પ્રશ્નો તો રહેવાના જ અને તે બધાં સાથે તેનાં બાંધકામ તથા રખરખાવમાં સામગ્રી અને ઊર્જા બંને વધુ વપરાય. જ્યાં જમીન વિપુલ માત્રામાં મળતી હોય ત્યાં જમીન પરનું વિસ્તૃત બાંધકામ પર્યાવરણની દ્રષ્ટિએ પણ વધુ ઇચ્છનીય રહે. સામાન્ય ગણિત માંડીએ તો પણ એમ કહી શકાય કે આ પ્રકારનું સ્ટેડિયમ જો જમીન પર વિસ્તરેલું હોય તો એટલા ભાગની જમીન ઓછી તપે; રણ વિસ્તાર માટે તે સારી વાત કહેવાય. ક્યારેક તો એમ લાગે છે કે અલગ પડવાની પ્રક્રિયામાં જ્યારે વધુ ઉત્તમ કહી શકાય તેવી `ગુણવત્તા' વિશેની વાત થઈ શકે તેમ ન હોય ત્યારે આ પ્રકારની `નવીનતા'નો સહારો લેવો પડે.