બાડમેરઃ બાડમેરના બાયતુ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ અને કરા પડ્યા હતા, જેનાથી ગરમીથી રાહત મળી છે. 47 ડિગ્રી તાપમાન વચ્ચે હવામાન ખુશનુમા બન્યું હતું, ખેડૂતો પણ આનાથી લાભ મળે એવી આશા રાખી રહ્યા છે. રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાયતુ વિસ્તારમાં બુધવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો, જેના કારણે ગરમીથી પીડાતા લોકોને નોંધપાત્ર રાહત મળી.
દિવસભર ચોમાસું વાતાવરણ રહ્યું
બાડમેર શહેર અને જિલ્લામાં દિવસભરના તીવ્ર તડકા અને ભેજ પછી, બપોરે અચાનક ભારે પવન ફૂંકાયો હતો. એ પછી વરસાદ અને જોરદાર વાવાઝોડું શરૂ થયું. થોડા જ સમયમાં, સમગ્ર વિસ્તારમાં હવામાન બદલાયું હતું અને ચોમાસું માહોલનો અહેસાસ થયો હતો.સમગ્ર પ્રાંતમાં ઠંડા પવનો ફૂંકાયા, જેના પરિણામે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. વરસાદની સાથે ખાટુ,બાયટુ પાંજી અને બાયટુ સબડિવિઝનના આસપાસના કેટલાક ગામોમાં કરા પડ્યા હતા.સ્થાનિકોના જણાવ્યા મુજબ,આશરે 15 થી 20 મીમી કદના કરા પડ્યા હતા.જેનાથી ખેતરો બરફની ચાદરથી ઢંકાઈ ગયા.

ઘરની અગાશીએ કરા પડ્યા
કરા પડતાં ઘરની છત પર મોટા અવાજો થયા હતા, જેના કારણે રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. થોડા સમય પછી પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.વરસાદ થવાના કારણે કોઈ નુકસાન થયું હોય એવો કોઈ વાવડ નથી પણ લોકોને ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી બાડમેરમાં 46થી 47 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આનાથી જનજીવનને માઠી અસર થઈ હતી. એવામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા હવામાન ઠંડુ બની ગયું હતું અને ઠંડી હવાથી ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો. પણ બફારો પણ થોડા સમય માટે અનુભવાયો હતો.
દિલ્હીમાં પણ વાતાવરણ પલટાશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આવનારા દિવસોમાં હજું થોડો વરસાદ પડે એવી આગાહી રાજ્યના હવામાન વિભાગે કરી હતી. મોનસુન સીઝન પહેલા આ પ્રકારના વરસાદથી ખેડૂતોને આંશિક ફાયદો થયો હતો. બીજી તરફ પશુપાલકો માટે પણ રાહતના વાવડ મળ્યા હતા. બીજી તરફ દિલ્હીમાં પણ બુધવારથી બે દિવસ સુધી વાતાવરણમાં અષાઢી માહોલ જોવા મળે એવા અણસાર છે.