નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલની કિંમત 120 ડોલર પ્રતિ બેરલને સ્પર્શી ગઈ છે. જે 4 વર્ષમાં સૌથી વધુ છે. તાજા આંકડા મુજબ બ્રન્ટ ક્રૂડની કિંમત લગભગ 119.76 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. જે જૂન 2022 પછીનું સૌથી ઊંચું સ્તર છે. જેના કારણે ભારતમાં પેટ્રોલના ભાવમાં ભડકો થવાની શક્યતા છે. કેટલાક રિપોર્ટ પ્રમાણે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹ 10 થી 15નો વધારો થઈ શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાની શક્યતા વચ્ચે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટીકરણ કર્યું છે. જે મુજબ દેશમાં ઈંધણનો પૂરતો ભંડાર છે અને કિંમતમાં કોઈ વધારો નહીં થાય. મંત્રાલયે આ સ્પષ્ટીકરણ મિડલ-ઈસ્ટ સંકટ, ક્રૂડ ઓઈલની વધતી આંતરરાષ્ટ્રીય કિંમતો અને ભારતના પાંચ રાજ્યોમાં ચૂંટણી વચ્ચે કરી છે.
મંત્રાલયે શું કરી સ્પષ્ટતા
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે તેવી સોશિયલ મીડિયા પર વહેતી થયેલી અટકળો વચ્ચે મંત્રાલય દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ અફવાના કારણે કેટલીક જગ્યાએ પેટ્રોલ પંપ પર લોકોએ લાઈન લગાવતાં સ્ટોક ખૂટી પડ્યો હતો.
મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે, મિડલ ઈસ્ટ સંકટના કારણે ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતમાં વધારો થયો છે પરંતુ ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એકસાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર ₹10નો ઘટાડો કર્યો છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં ઈંધણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 11 એપ્રિલ 2026ના ગેઝેટ નોટિફિકેશન હેઠળ, ડીઝલ પર નિકાસ શુલ્ક વધારીને ₹55.50 પ્રતિ લિટર અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર નિકાસ શુલ્ક વધારીને ₹42 પ્રતિ લિટર કરી છે.
ભારત તેની કુલ જરૂરિયાતના 85 ટકાથી વધુ ક્રૂડ ઓઈલની કરે છે આયાત
મિડલ - ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થી ઓઈલ કાર્ગો જહાજોની અવરજવર ખોરવાઈ રહી છે. આ દરિયાઈ માર્ગ દ્વારા વિશ્વના લગભગ 20 ટકા ક્રૂડ ઓઈલનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જહાજોની અવરજવર પર અસર પડવાથી આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારમાં ક્રૂડ ઓઈલના સપ્લાયને અસર થઈ છે, જેના કારણે કિંમતો ઊંચા સ્તરે પહોંચી ગઈ છે. ભારત તેની કુલ જરૂરિયાતના 85 ટકાથી વધુ ક્રૂડ ઓઈલની આયાત કરે છે. આવી સ્થિતિમાં, ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત વધારાને કારણે દેશનો તેલ આયાત ખર્ચ પણ ઝડપથી વધી રહ્યો છે.