ઢાકા: પડોશી દેશ બાંગ્લાદેશે ઊર્જા ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રશિયાના સહયોગથી તૈયાર થઈ રહેલા 'રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ' (Rooppur Nuclear Power Plant)ના કારણે બાંગ્લાદેશ હવે વિશ્વના તે દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે, જે પરમાણુ ઊર્જાથી વીજળી ઉત્પન્ન કરે છે, પરંતુ આ પ્લાન્ટ બાંગ્લાદેશ માટે અનેક મુશ્કેલીઓ પણ સર્જી શકે છે.
શું છે આ પ્રોજેક્ટ?
બાંગ્લાદેશના પબના જિલ્લાના ઈશ્વરદીમાં સ્થિત આ પ્લાન્ટ બાંગ્લાદેશનો પ્રથમ પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ રશિયાની સરકારી પરમાણુ કંપની 'રોસાટૉમ' (Rosatom) દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટમાં 'જનરેશન 3+' ટેક્નોલોજીના 1200-1200 મેગાવોટના બે અત્યાધુનિક રિએક્ટર લગાવવામાં આવ્યા છે. જ્યારે આ પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરવાનું શરૂ કરશે ત્યારે તે બાંગ્લાદેશને 2,400 મેગાવોટ સ્વચ્છ અને સ્થિર વીજળી પૂરી પાડશે, પરંતુ તેમાં બાંગ્લાદેશને ભારે કિંમત આપવી પડશે તેવું નિષ્ણાતો માની રહ્યાં છે.
રશિયા સાથેની ભાગીદારી અને મહત્વ
વિશ્વ અત્યારે યુદ્ધના ઓથાર હેઠળ છે, અનેક દેશો વચ્ચે અત્યારે લડાઈ ચાલી રહી છે. ખાસ કરીને અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઈંધણની અછત સર્જાઈ છે અને ભાવમાં પણ વધારો થયો છે ત્યારે બાંગ્લાદેશ માટે આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે, કારણ કે તે દેશની વધતી જતી વીજળીની માંગને પહોંચી વળવામાં મદદ કરશે. આશરે 12.65 અબજ ડોલરના આ પ્રોજેક્ટમાં 90 ટકા રકમ રશિયાએ લોન તરીકે આપી છે. ઓક્ટોબર 2023માં રશિયાએ આ પ્લાન્ટ માટે યુરેનિયમની પ્રથમ ખેપ સોંપી હતી, જે બાંગ્લાદેશના પરમાણુ યુગમાં પ્રવેશવાનું પ્રતીક સાબિત થવાનું છે.
કયા પડકારોનો સામનો કરવો પડશે?
આ પ્રોજેક્ટ જેટલો મહત્વાકાંક્ષી છે, એટલા જ તેના પડકારો પણ ગંભીર છે. બાંગ્લાદેશ વર્ષો સુધી દેવા હેઠળ રહેવું પડશે. આ પ્રોજેક્ટ માટે 90% લોન રશિયા પાસેથી લેવામાં આવી છે, આ લોનના કારણે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પર મોટું દેવું છે. એટલું જ નહીં પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ બાદ રશિયા પર લાદવામાં આવેલા પશ્ચિમી પ્રતિબંધોને કારણે, બાંગ્લાદેશ માટે ડોલરમાં પેમેન્ટ કરવું એક મોટો પડકાર બની ગયો છે.
પ્લાન્ટ સંપૂર્ણ રીતે રશિયા પર નિર્ભર
બાંગ્લાદેશની આંતરિક રાજકીય અસ્થિરતા અને પશ્ચિમી દેશો સાથેના સંબંધોની વચ્ચે રશિયા પરની સંપૂર્ણ નિર્ભરતા આ પ્રોજેક્ટને મુશ્કેલીમાં મુકી શકે છે. એટલે કે, રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બાંગ્લાદેશ માટે ઊર્જા સુરક્ષાની ચાવી છે, પરંતુ તે સાથે જ તે આર્થિક અને આંતરરાષ્ટ્રીય રાજકારણ માટે પણ પરીક્ષા પણ છે. પ્લાન્ટ આગામી કેટલા સમય સુધી રશિયાના તાબા હેઠળ રહેશે તે ચોક્કસ કહી શકાય નહીં, પરંતુ જ્યાં સુધી લોન પૂરી નહીં થાય ત્યાં સુધી બાંગ્લાદેશે આ પ્રોજેક્ટના ઉપયોગ માટે રશિયા પર નિર્ભર રહેવું પડશે. એટલે કે પ્લાન્ટ ફાયદાકારક છે, પરંતુ તેના માટે એક ચોક્કસ કિંમત બાંગ્લાદેશે ચૂકવવાની રહેશે.
પ્લાન્ટ ચલાવવા માટે જરૂરી યુરેનિયમ રશિયા આપશે
આ પ્રોજેક્ટની શરતો પ્રમાણે આ પ્લાન્ટ સંપૂર્ણપણે રશિયાના નિયંત્રણ હેઠળ છે. એટલે કે, પ્લાન્ટ ચલાવવા માટે જરૂરી યુરેનિયમ રશિયા દ્વારા પૂરું પાડવામાં આવશે. એટલું જ નહીં, પણ યુરેનિયમના ઉપયોગ પછી બાકી રહેલો ખતરનાક પરમાણુ કચરો રશિયા પાછો પોતાના દેશમાં લઈ જશે. આનો અર્થ એ થાય છે કે બાંગ્લાદેશ આવનારા દાયકાઓ સુધી તેની ઊર્જા સુરક્ષા માટે રશિયા પર નિર્ભર રહેશે.