ટીના દોશી
ઈન્સ્પેક્ટર કરણ બક્ષીની અઠવાડિક રજા હતી. સામાન્યપણે કરણને રજા હોય તોય રજા ન મળતી. ચોરી, લૂંટફાટ કે ખૂન જેવી ઘટનાઓને પગલે એણે સતત દોડધામ કરવી પડતી. રજાઓમાં પણ. પરંતુ આજે ચોર, લૂંટારાઓ ને ખૂનીઓએ રજા પાડેલી, એટલે કરણ બક્ષીને પણ રજા હતી. અવકાશ મળે કે નવરાશ મળે ત્યારે કરણ મા અંધતીબહેન સાથે સમય ગાળવાનું પસંદ કરતો. પણ આજે મા સત્સંગમાં ગયેલાં. ઘરમાં બીજું કોઈ નહોતું. એટલે કરણે રજાની મજા માણવાનું નક્કી કર્યું. કરણ માટે રજાની મજા એટલે વાંચન.
સામાન્ય સાહિત્યિક વાંચન નહીં, રહસ્યકથાઓનું વાંચન. કરણના અંગત પુસ્તકાલયમાં ગુનાખોરીની કથાઓ અને રહસ્યકથાઓનો ખજાનો હતો. સાચી અપરાધકથાઓ પણ હતી અને કાલ્પનિક રહસ્યકથાઓ પણ. કેટલાંક પુસ્તકો તો એણે બેથી વધુ વાર વાંચી નાખેલાં. કરણને અનુભવ હતો કે કોઈ કેસમાં ગૂંચવણ ઊભી થાય ત્યારે આવાં પુસ્તકોનું વાંચન ઉપયોગી થતું. ક્યારેક રહસ્યકથાના વાંચનથી અટપટો કેસ ઉકેલાઈ જતો. આ પ્રકારના વાંચનથી કરણ બક્ષી તાજગી અનુભવતો. એનું દિમાગ સ્ફૂર્તિ અનુભવતું.
આજે કરણ બક્ષીના હાથમાં કોઈ કેસ નહોતો. માત્ર મોજને ખાતર એણે અંગત પુસ્તકાલયમાં ખાંખાખોળાં કર્યાં. પણ પ્રત્યેક પુસ્તક જાણે હમણાં જ વાંચ્યું હોય તેવું લાગ્યું. પુસ્તકાલયનું એક પણ પુસ્તક ફરી વાંચવાનું એને મન ન થયું. એટલે કરણે સાર્વજનિક ગ્રંથાલયમાંથી પુસ્તક મંગાવવાનું નક્કી કર્યું. કરણ સાર્વજનિક ગ્રંથાલયનો કાયમી સભ્ય હતો. જયારે ઈચ્છા થાય ત્યારે એ ઘેર રહસ્યકથા મંગાવી લેતો. કરણે ગ્રંથાલયમાં ફોન જોડ્યો. ત્રીજી ઘંટડી વાગે એ પહેલાં સામે છેડેથી સૂરીલો સ્વર સંભળાયો : `હેલ્લો, સાર્વજનિક ગ્રંથાલય...હું રાશિ આપની શું સેવા કરી શકું છું ?'
`રાશિ...' ઈન્સ્પેક્ટર બક્ષીએ કહ્યું : `હું કરણ..'
`અરે, કરણ સર...' રહસ્યકથાઓ વાંચવાની શોખીન એવી રાશિના અવાજમાં ઉમળકો વર્તાયો: `કહો સર. કયું પુસ્તક મોકલું ?'
`જે નવી રહસ્યકથા આવી હોય તે મોકલ.' કરણ કહી રહ્યો.
`હા સર...' રમતિયાળ રાશિનો સુમધુર સ્વર ટેલિફોનના દોરડાને આરપાર વીંધી રહ્યો : `હજુ ગઈ કાલે જ `પરફેક્ટ પ્લાન' નામની ભેદભરમથી ભરપૂર રહસ્યકથા આવી છે. હું હમણાં જ લઈને આવું છું. પંદરેક મિનિટમાં તમને મળી જશે.'
`થેન્ક યુ રાશિ...' કરણે આભાર માનીને ફોનનું જોડાણ કાપ્યું. પછી રસોડામાં જઈને ચા બનાવી. પાછો દીવાનખંડમાં આવ્યો. ચાની ચુસ્કી લેવા માંડ્યો. હજુ તો ચાનો છેલ્લો ઘૂંટ ભર્યો ત્યાં તો ડોરબેલ રણકી ઊઠી. કરણે દરવાજો ખોલ્યો. એ સાથે એક યુવક હાથમાં હથિયાર સાથે અંદર ઘૂસી ગયો. કરણ કંઈ સમજી શકે એ પહેલાં તો કમાડ ભીતરથી બંધ કરીને આગળો વાસી દીધો. કરણ આભો બનીને સામે ઊભેલા જુવાનને જોઈ રહ્યો.
ઊંચો, પહોળો, તગડો ને કદાવર હતો એ. બાંધો મજબૂત. ત્રીસેક વર્ષની આસપાસનો જણાતો હતો. શ્યામ વર્ણ. કાળું પેન્ટ ને એવું જ કાળું શર્ટ પહેરેલું. ગળામાં સોનાની ચેન, હાથમાં સોનાની વીંટી. ચહેરા પર ખૂંખાર જાનવર જેવા હિંસક હાવભાવ. કાળી આંખોમાંથી અંગારા વરસી રહેલા. આને કદાચ ક્યાંક જોયો છે. પણ ક્યાં? યાદ નથી આવતું. કરણ મગજ પર ભાર આપી રહ્યો. એણે જોયું કે ઘૂસણખોરના હાથમાં ધારદાર ખંજર હતું. એક જ ઘાએ રામ રમી જાય... ખંજર અંદર ને પ્રાણ બહાર ! કરણ મનોમન વિચારી રહ્યો : આ નમૂનો છે કોણ... ધોળે દહાડે એક ઈન્સ્પેક્ટરના ઘરમાં હથિયાર લઈને ઘૂસી જવાની હિંમત એણે કરી કેવી રીતે ?
`મને ઓળખ્યો ?' ઘૂસણખોરનો કર્કશ અવાજ દીવાનખંડમાં ગુંજ્યો.
`મને લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે...' કરણ હજુ પણ યાદ કરવાની મથામણ કરી રહેલો : `પણ યાદ નથી આવતું.'
`હાસ્તો...તમે વળી અમારા જેવાને શું કામ યાદ રાખો?' ઘૂસણખોરના અવાજમાં વ્યંગ ભળ્યો : `તમે તો અમારી ધરપકડ કરો, અમને જેલમાં નાખો ને પછી ભૂલી જાઓ.'
`ઓહ..તો મેં આની ધરપકડ કરેલી...' કરણ મગજ કસી રહ્યો, પણ કાંઈ યાદ ન આવ્યું. એ મૌન રહ્યો.
ઘૂસણખોર આપમેળે જ મોઢું ખોલે એ જરૂરી હતું.
`મારૂં નામ જયેશ સોલંકી....' ઘૂસણખોર બોલ્યો : `હવે યાદ આવ્યું ?'
`જયેશ સોલંકી....' કરણ માથું ખંજવાળી રહ્યો : `નામ તો સાંભળ્યું હોય એવું લાગે છે. પણ...'
`મનસુખલાલ મારફતિયા મર્ડર કેસ યાદ છે ?' જયેશ સોલંકી યાદ અપાવી રહ્યો.
`અરે, હા..મનસુખલાલ મારફતિયા ?' કરણ બક્ષીના દિમાગનો દીવો ઝબૂક્યો.
ઈન્સ્પેક્ટર કરણ બક્ષીને મનસુખલાલ મારફતિયા મર્ડર કેસ યાદ આવી ગયો. મનસુખલાલનું ચિત્ર નજર સામે ખડું થઈ ગયું. શરાફી પેઢી ચલાવતા મનસુખલાલ મારફતિયા કરોડપતિ હતા, પણ સ્વભાવના એકદમ કડકાબાલુસ. કાણી કોડીયે ન ખર્ચે એવા. ચમડી તૂટે પણ દમડી ન છૂટે એ કહેણીને સાંગોપાંગ જીવનમાં ઉતારેલી. રૂપિયાનો રણકાર સાંભળવા એમના કાન તરસ્યા રહેતા. રૂપિયો રૂપિયાને ખેંચી લાવે અને એમ રૂપિયાના સરવાળા અને ગુણાકાર થયે જાય એ જ એમનું એકમાત્ર લક્ષ હતું. પરિણામે એમની તિજોરીમાં પડ્યો પડ્યો રૂપિયો વધ્યા જ કરતો. કોઈ કોડીલી ક્નયાની જેમ. દિવસે ન વધે એટલો રાત્રે વધે ને રાત્રે ન વધે એટલો દિવસે વધે !
રૂપિયો કંઇ એમનેમ નહોતો વધતો. એ તો મનસુખલાલની ચતુરાઈ, દાંડાઈ અને આડોડાઈથી વધતો હતો. મનસુખલાલ શાહુકાર હતા, એટલે બજારમાં જે નિયત વ્યાજના દર ચાલતા હોય એના કરતાં બમણા, ત્રણ ગણા કે ક્યારેક ચાર ગણા વ્યાજે એ રૂપિયા ધીરતા. એમનો એક રૂપિયો દસ રૂપિયાથી માંડીને સો રૂપિયા ખેંચી લાવવાની ક્ષમતા ધરાવતો હતો. જેવી જેની ગરજ અને જેવી રૂપિયા કઢાવવાની મનસુખલાલની આવડત.
મનસુખલાલની પેઢીએ એક વાર જે પગ મૂકે એ કસાઈવાડે પુરાયેલી ગાયની જેમ ખીલે બંધાઈ જતો. મનસુખલાલ રૂપિયા વ્યાજે લેવા આવનારની ગરજ પારખી જાય પછી જાતજાતની આડીઅવળી ગણતરીઓ સમજાવીને ચક્રવર્તી વ્યાજ વસૂલતા. મુદ્દલ કરતાં બારથી પંદરગણું વ્યાજ વસૂલ કર્યાં પછી પણ ખાતેદારનો ચોપડો બંધ થતો જ નહીં. બાબરા ભૂત જેવી મનસુખલાલની ખાતાવહીમાં રૂપિયા ઓર્યા જ કરવા પડતા. રૂપિયો ગંધાય, રૂપિયો ખાઉં...!
એક દિવસ આ મનસુખલાલ મારફતિયાનું ખૂન થઈ ગયેલું. મર્ડર કેસનું ઈન્વેસ્ટીગેશન કરણ બક્ષીએ કરેલું. એણે ખૂનીની ધરપકડ કરેલી. અત્યારે મનસુખલાલનો ખૂની એના જ ઘરમાં એની સામે ખડો હતો. જયેશ સોલંકી !
`ઈન્સ્પેક્ટર, મારો શું વાંક હતો ?' જયેશનો બરછટ અવાજ દીવાનખંડમાં પડઘાઈ રહ્યો : `મને જુગાર રમવાનું વળગણ થઈ ગયેલું. શરૂઆતમાં હું ઘણી બાજીઓ રમ્યો અને લાખો રૂપિયા જીત્યો. મને જુગારનો ચસ્કો લાગ્યો. પણ પછી હું હારવા લાગ્યો. મારે એક સાથે ઘણી મોટી રકમ ચૂકવવાની આવી. ઘરમાં તો હું કોઈને કંઇ કહી શકું એમ નહોતો. એટલે મારે મનસુખલાલ પાસે વ્યાજે રૂપિયા લેવા જવું પડ્યું. બજાર કરતાં દસ ગણું વધુ વ્યાજ એ વસૂલી રહ્યો હતો. એના વ્યાજચક્રમાંથી છુટકારો મેળવવા મેં એને મોતને ઘાટ ઉતારી નાખ્યો. એમાં મેં શું ખોટું કર્યું કે તમે મારી ધરપકડ કરી ?'
કરણે ન બોલવામાં નવગુણ માનીને જયેશની આંખમાં આંખ પરોવી. એટલામાં જયેશ ખુન્નસ સાથે બોલ્યો : `જેલમાં જતી વખતે જ મેં નક્કી કરેલું કે લાગ મળ્યે હું તમારી સાથે બદલો લઈશ. મને પેરોલ મળતાં જ હું મારા વેરની વસૂલાત કરવા આવ્યો છું. આ ખંજર જોયું ? ખંજર તમારી આરપાર ને તમારા સોએ દહાડા પૂરા... હા, હા, હા... કેવો લાગ્યો મારો પ્લાન ?'
કરણનું મગજ સક્રિય થઈ ગયું. એ ઝડપથી વિચારવા લાગ્યો. એક દાવ ખોટો ને ખેલ ખતમ...જોકે એક બાબતનું આશ્વાસન હતું. જયેશ રીઢો ગુનેગાર નહોતો. બદલો લેવાનું ઝનૂન એના માથે સવાર હતું એ ખં, પણ ખેલાડી તો એ કાચો જ હતો. આ એક બાબત કરણ માટે આશાનું કિરણ હતું. યોગ્ય તકની એ પ્રતીક્ષા કરી રહ્યો.
પોલીસ તાલીમ દરમિયાન મગજ પર બરફ મૂકીને તંગ પરિસ્થિતિ સાથે પનારો પાડવાનું સમજાવવામાં આવેલું. અત્યાર સુધી તો પોતે ગુનેગારને સપડાવતો, પણ આજે ગુનેગારે પોતાને સપડાવેલો. કરણને યાદ હતું કે કપરી પરિસ્થિતિમાં તો હાજર એ જ હથિયાર... જયેશે પોતાનો સેલફોન છીનવી લીધેલો. રિવોલ્વર બીજા કમરાના ડ્રોઅરમાં હતી. લેન્ડલાઇનનું દોરડું જયેશે કાપી નાખેલું. એથી લેન્ડલાઇનનો ઉપયોગ કરી શકાય એમ નહોતું. ધીરજ રાખવી જરૂરી હતી. ધીરજનાં ફળ મીઠાં...
મીઠાં ફળ મળ્યાં પણ ખરાં. જયેશ હજુ તો ખંજર સાથે કરણ સામે ધસ્યો જ હતો કે ડોરબેલ રણકી ઊઠી. જયેશ ચમકીને ઊભો રહી ગયો. આંખના ઈશારે એણે કરણને દરવાજો ખોલવાનો સંકેત કર્યો. સાથે જ ચીમકી પણ આપી : `હં, તમે બારણું ખોલો. જે કોઈ આવ્યું છે એને દરવાજેથી જ વળાવી દેજો. પણ જો કોઈ ચાલાકી કરવાની કોશિશ કરશો તો યાદ રાખજો, આ ખંજરની અણી તમારી પીઠે જ અડાડેલી છે. કોઈ હોંશિયારી કરવાનો પ્રયત્ન કરશો તો આ ખંજર તમાં સગું નહીં થાય.'
કરણે દરવાજો ખોલ્યો. સામે સાર્વજનિક ગ્રંથાલયની રાશિ ઊભેલી. હાથમાંનું પુસ્તક કરણના હાથમાં પકડાવતાં એ બોલી : `સર, આજે સ્ટાફ ઓછો હતો, એટલે હું પોતે જ પુસ્તક લઈને આવી છું. તમે મંગાવેલું એ આ પુસ્તક પરફેક્ટ પ્લાન.'
રહસ્યકથા જોઈને કરણના મનમાં વીજળીનો ચમકારો થયો. એના મનમાં ઝબૂકયું, હાજર સો હથિયાર... પરફેક્ટ પ્લાન નામની રહસ્યકથા હવે પુસ્તક નહોતું, કરણનું હથિયાર હતું. જયેશ દરવાજાની આડશે ત્રાંસો ઊભેલો. ખંજરની અણી ધીમે ધીમે કરણની પીઠમાં ખૂંપી રહેલી. એની આંખો કરણના ચહેરા પર મંડાયેલી. કરણ માટે આંખના સંકેતથી કાંઈ પણ કહેવું મુશ્કેલ બની ગયેલું. રાશિની વિવેકબુદ્ધિ પર જ મદાર હતો. જોખમ તો લેવું જ રહ્યું.
`તારૂં ધ્યાન ક્યાં છે રાશિ ?' પુસ્તક હાથમાં પકડ્યા વિના જ કરણે ઘાંટો પાડ્યો : `મેં પરફેક્ટ પ્લાન નહોતું મંગાવ્યું, મેં તો માઈન્ડગેમ મંગાવેલું.'
`માઈન્ડગેમ...' રાશિ મૂંઝાઈ : `પણ સર, તમે તો...'
`એકદમ ચૂપ...' કરણ બરાડ્યો : `મેં કહ્યું ને કે મેં માઈન્ડગેમ મંગાવેલું. હવે જા પાછી ને માઈન્ડગેમ લઈને આવ...'
`પણ સર, હજુ થોડા દિવસ પહેલાં જ તો તમે માઈન્ડગેમ વાંચીને પાછું આપેલું. હવે ફરી...' રાશિ બોલવાનું પૂં કરે એ પહેલાં કરણ તાડૂક્યો : `મારે જેટલી વાર વાંચવું હોય એટલી વાર વાંચું. શું એવો કોઈ નિયમ છે કે એક વાર વાંચ્યા પછી એ જ પુસ્તક પાછું ન વંચાય.'
`ના, સર...' મુરઝાયેલા ફૂલની જેમ રાશિના મોં પર ઉદાસી ફરી વળી.
`સાંભળ, મને માઈન્ડગેમની કથા બહુ ગમે છે....' કરણ રાશિની નજરમાં નજર મિલાવી રહ્યો : `તું પણ રહસ્યકથા વાંચવાની શોખીન છે ને ? માઈન્ડગેમની કથા તને પણ યાદ જ હશે. તેં કહેલું ને કે આવું તો કોઈની પણ સાથે બની શકે.. તો જો, સાચે જ બન્યું છે. સમજી ?'
આ સંવાદમાં જયેશ તો કાંઈ સમજ્યો નહીં, પણ ચતુર રાશિ સમજી ગઈ. વાદળો વિખેરાતાં આકાશ સ્વચ્છ થાય એમ એના મનમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. માઈન્ડગેમની કથા એની સ્મૃતિમાં અકબંધ સચવાયેલી. બદલો લેવાના ખુન્નસ સાથે એક અપરાધી કોઈના ઘરમાં ધારદાર હથિયાર સાથે ઘૂસી જાય છે. એ જ સમયે ગ્રંથાલયનો કર્મચારી દરવાજે આવીને ઊભો રહે છે.
ઘરમાં કેદ થયેલો પેલો માણસ કર્મચારીને અગાઉ વાંચેલું પુસ્તક જ ફરી લાવવા કહે છે. એ પુસ્તકમાં પણ ઘરમાં ઘૂસી ગયેલા અપરાધીની કથા હોય છે. એ પુસ્તક વાંચ્યું હોવાથી ગ્રંથાલયના કર્મચારીને કોઈ ગરબડની આશંકા જાગે છે. એ પોલીસને લઈને પેલા માણસના ઘેર પહોંચી જાય છે. ને અપરાધી પકડાઈ જાય છે.
`સોરી સર...મારાથી ભૂલ થઈ ગઈ. ઉતાવળમાં હું માઈન્ડગેમને બદલે પરફેક્ટ પ્લાન લઈ આવી. હું હમણાં જ જાઉં છું ને માઈન્ડગેમ લઈને પાછી આવું છું.' રાશિએ સ્વસ્થતાથી જે રીતે કહ્યું એ જોઈને કરણને ખ્યાલ આવી ગયો કે એ સમજી ગઈ છે. રાશિ ઝડપથી ચાલી નીકળી. જયેશે ધડામ દેતો દરવાજો વાસી દીધો. પણ કરણને ધરપત વળેલી કે ગણતરીની મિનિટોમાં પોલીસ આવી પહોંચશે. ત્યાં સુધી જયેશ સાથે માઈન્ડગેમ રમવી પડશે.
`જયેશ, તેં મનસુખલાલનું ખૂન કરેલું, એ વાત તો સાચી ને ?' કરણ શાંતિથી કહી રહ્યો.
`ખૂન મેં કરેલું...' જયેશ આક્રોશથી બોલ્યો : `પણ મેં એનું કારણ આપેલું ને... મેં મનસુખલાલ જેવા શેતાનનું કાસળ કાઢીને કેટલાયે નિર્દોષોને બચાવી લીધા. એનું કાંઈ નહીં ?'
`પણ કાયદો હાથમાં લેવાની કોઈને છૂટ નથી.' કરણ કહી રહ્યો.
`અરે.. તારા કાયદાની ઐસી કી તૈસી...' જયેશનો પારો ઊંચે ચડ્યો : `કાયદો કાયદો કરે છે.. જો તારો કાયદો તારો જીવ બચાવી શકે છે ? હમણાં આ ખંજર તારી છાતીમાં હુલાવી દઈશ. પછી કાયદો કાયદો રમ્યા કરજે.'
`અરે ભાઈ, સાંભળ તો ખરો...' કરણ મનમાં ગણતરી કરી રહ્યો. રાશિને પોલીસને લઈને આવવામાં વધુમાં વધુ પાંચ મિનિટ થશે. ત્યાં સુધી જયેશને સાચવી લેવો પડશે. કરણના મસ્તિષ્કમાં કહેવતો ઘૂમી વળી. અણી ચૂક્યો સો વરસ જીવે.. સર સલામત તો પઘડિયાં બહુત...જાન હૈ તો જહાન હૈ... આગેકૂચ કરવા માટે ક્યારેક પીછેહઠ પણ કરવી પડે છે. આવું વિચારીને પાંચેક મિનિટનો સમય પસાર કરવા એણે જયેશને પૂછ્યું : `ચા કે કોફી પીશે ?'
`હું તને રસોડામાં જવા દઉં એટલો બેવકૂફ નથી...' જયેશ બોલ્યો : `તું મારી સામે જ બેસી રહે. આ ખંજર તારી સામે જ તકાયેલું છે. તારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો જણાવી દે. શક્ય હશે તો હું પૂરી કરીશ.'
`કોઈ દરવાજો ખખડાવે છે. તું જ ખોલ, જયેશ. લાગે છે રાશિ પેલું પુસ્તક લઈને આવી છે...' કરણ કહી રહ્યો. જયેશે હાથમાં ખંજર સાથે દરવાજો ખોલ્યો. એ સાથે જ કરણના જુનિયરો જયરાજ જાડેજા અને દેવકી દીક્ષિત ભીતર ધસી આવ્યાં. સાથે રાશિ તો ખરી જ. જયેશની ધરપકડ થતાં જ એ ચિલ્લાઈ ઊઠ્યો : `અરે, પોલીસ ક્યાંથી આવી ગઈ ?'
`એ તું જેલમાં પડ્યો પડ્યો વિચાર્યા કરજે...' કરણે હળવાશથી કહ્યું. રાશિને શાબાશી આપી. પછી જુનિયરો ભણી જોઈને સસ્મિત કહ્યું : `તાલીમ દરમિયાન વારંવાર શીખવવામાં આવતું કે હાજર સો હથિયાર, પણ આજે સમજાઈ ગયું કે હાજર સો હથિયાર કોને કહેવાય !'
આવતા અઠવાડિયે નવી કથા