Sat Apr 25 2026

Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ હોંગ કોંગનું સમુદાય કેન્દ્ર

2026-04-25 08:55:00
Author: Hemant Wala
Article Image

 

હેમંત વાળા

આ એક કોમ્યુનિટી માટેનું સ્થાન-સમુદાય કેન્દ્ર છે. જ્યારે કોઈપણ સમુદાય કેન્દ્રની રચના નિર્ધારિત કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે એવી અપેક્ષા હોય કે તેમાં હળવાશ હોય, હૂંફની અનુભૂતિ હોય, પરંપરાગત રીતે સ્વીકૃત પરિસ્થિતિ હોય, સામાજિક માળખાને અનુરૂપ સ્થાન-નિર્ધારણ હોય, ક્યાંક ગોપનીયતા તો ક્યાંક ખુલ્લાપણું હોય અને તે બધાં સાથે એક પ્રકારની સરળતા અને સુસંગતતા હોય. પણ અહીં આમાનું કશું જ નથી. 

માત્ર 100 ચોરસ મીટર જેટલા વિસ્તારની, સ્થપતિ `સુ ચાંગ ડિઝાઇન રિસર્ચ ઓફિસ' દ્વારા તૈયાર કરવામાં આવેલી આ રચના સ્થાપિત માન્યતા સાથે ઘણો વિરોધાભાસ ઊભો કરે છે. આ સમુદાય કેન્દ્રને તાજેતરમાં જ ખુલ્લું મુકાયું છે. નવીનતાને કારણે હાલમાં તો સ્થાનિક સમાજમાં તેની સ્વીકૃતિ છે, પરંતુ લાંબે ગાળે તેનાં પ્રત્યે કેવો પ્રતિભાવ અપાશે તે વિશે પ્રશ્ન રહે તેમ છે. આ રચનાની સ્વીકૃતિની માત્રા ભવિષ્યમાં જ જાણી શકાય છે. 

સમજવાની વાત એ છે કે શહેરી વિસ્તારમાં, અને તેમાં પણ શહેરના અન્ય વિસ્તારની સરખામણીમાં જ્યાં લગભગ છ ગણી ગીચતા છે ત્યાં, જે પ્રકારની હળવાશની આવશ્યકતા હોય તે અહીં જોવાં નથી મળતી.

આજુબાજુની પરિસ્થિતિ વચ્ચે અચંબો પમાડે તેવી સાવજ આગંતુક જણાતી આ રચના છે. એક દાવા પ્રમાણે આ રચના લોકોને `ક્ષણિક મનોરંજન' આપી શકે, પરંતુ આ મનોરંજન ક્યાંક મગજ પર ભાર લાદી દે તેવું છે. એમ કહેવામાં આવે છે કે આ રચનાથી શહેરી જીવનને એક નવો અનુભવ મળશે, પરંતુ આ અનુભવની યથાર્થતા ચકાસવી જરૂરી છે.  

શહેરનો આ વિસ્તાર વિવિધ પ્રકારની માલિકી હેઠળ આવતો હતો, તેથી કદાચ અહીં દરેકની ભાવનાને ન્યાય આપવાનું મહત્ત્વ રહેલું હશે. પણ આ રચના દ્વારા મળતો ન્યાય યોગ્ય છે કે નહીં તે પ્રશ્ન જાણે પુછાયો નથી. અહીં જે મુખ્યત્વે વાંસ અને લાકડામાંથી બનાવાય સામૂહિક જાહેર છત્રીની જે કલ્પના છે, તે એક રીતનું હંગામીપણું સ્થાપિત કરે છે.

સામાજિક સમુદાય કેન્દ્રમાં આવું હંગામીપણું ઇચ્છનીય ન ગણાય. આબોહવા પ્રત્યેની અનુકૂળતા માટે પણ અહીં જે દાવો કરાય છે તે સહજતાથી સ્વીકારી શકાય તેવો નથી. ક્યારેક તો એમ પણ લાગી શકે કે અહીં વપરાયેલી દરેક સામગ્રીને-તે પણ વધારે માત્રામાં વપરાયેલી-જાણે `પ્રાથમિક સમજ'થી જ ખડકી દેવાઈ છે. આવી બહુવિધ માલિકી ધરાવતી જગ્યામાં ઉચ્ચ-ગુણવત્તાવાળું સમુદાય કેન્દ્ર કેવી રીતે બનાવવું તે એક મુખ્ય પડકાર હતો. આ પડકાર ઝીલવામાં સ્થપતિ ક્યાંક વધુ પડતો ઉત્સાહી થઈ ગયો હોય તેમ જણાય છે.

સકારાત્મકતાથી વિચારીએ તો ગેલ્વેનાઈઝ લોખંડ તેમજ લેમિનેટેડ વાંસનો અનોખો ઉપયોગ, કંઈક અંશે સમુદ્રી જહાજના કોઈ ભાગ જેવો દેખાવ, આકારમાં પ્રતીત થતી એક પ્રકારની તરંગમય ગતિશીલતા, વિશેષ પ્રકારની દૃશ્ય-અનુભૂતિની ઉત્તેજના સ્થાપિત કરી શકે તેવી કલ્પના, શહેરના ગીચ ઘનતાવાળા વિસ્તારમાં આશ્ચર્ય ઉત્પન્ન કરવાનો પ્રયાસ, શહેરના જે તે વિસ્તારના કેન્દ્રમાં `અનોખું કેન્દ્ર' સ્થાપિત કરવાની ચેષ્ટા, 

માળખાકીય બંધારણમાં એક પ્રકારની સ્પષ્ટતા, સ્થાનના ચોક્કસ વિભાગ પ્રત્યેની વિશેષ પ્રકારની સન્મુખતા, માહિતી તેમજ ચોક્કસ પ્રકારની સમજણ માટે `પ્લેટ'નો સર્જનાત્મક ઉપયોગ, જૂની અને નવી તકનીક વચ્ચેનું રસપ્રદ સમન્વય, છત અને દીવાલ વચ્ચેના ભેદનો અભાવ, વળાંકાકારનો માળખાકીય ઉપયોગ, લાકડાં અને ધાતુ વચ્ચેનું રસપ્રદ સમીકરણ તથા સમગ્ર રચનાની ઉપયોગિતામાં સંભવિત ઇચ્છનીય વિવિધતા જેવી વાતોની ચર્ચા કરી શકાય.

આ સમગ્ર રચનાનો પ્લાન પાંચ પાંદડાના ખંડિત ફુલ સમાન છે. અહીં લગભગ ત્રિકોણ કહી શકાય તેવાં પાંચ ભાગ એક કેન્દ્રમાં જોડાય છે. એમ પ્રતીતિ થઈ શકે કે આમાં ત્રણ પાંદડા ખૂટે છે. આ ત્રણ પાંદડા વાળો, ખાલી રખાયેલો ભાગ સામેની જગ્યામાં ખૂલે છે. 

અહીંથી આ રચના આગળના વિસ્તારમાં પ્રસરે છે. અહીં સામે ઔપચારિક અને અનૌપચારિકના સમન્વય સમી બેઠક વ્યવસ્થા છે. અહીં મોટા માપના લાકડાની માળખાકીય રચના પર વાંસ, લાકડા તથા ગેલ્વેનાઈઝ લોખંડની પ્લેટ જડી દઈને દીવાલો અને છત ઊભી કરાઈ છે. 

રસપ્રદ રીતે અહીં દીવાલો જ ઉપર જતા વળાંક લઈને છત બની જાય છે. અહીં બારી બારણા કશું જ નથી, અને તેથી ચારેય દિશામાંથી અહીં પ્રવેશ શક્ય બને છે.

એક રીતે જોતાં આ રચનાને સ્થાન કે આબોહવા સાથે કોઈ સંદર્ભ નથી, તે ગમે ત્યાં હોઈ શકે. તેની સાથે ચોક્કસ પ્રકારની ઉપયોગિતા પણ સંકળાયેલી નથી, તેનો ઉપયોગ કોઈપણ પ્રકારે કરી શકાય. તેનાં આકાર સાથે `ચૈત્ય'નો ખ્યાલ વણાયેલો હોઈ શકે, પરંતુ તે ધાર્મિક આકારની અહીં સંદર્ભિકતા ચકાસવી પડે. 

આ રચનાનું પ્રમાણમાપ પણ `સંસ્થાકીય' નથી અને તેથી સમુદાય કેન્દ્રની ધારણા ક્યાંક નબળી પડે છે. એમ જણાય છે કે આ મકાન, મકાન ઓછું અને `શોપીસ' વધારે છે. એમ પણ જણાય છે કે સ્થપતિએ `આમ જ કરવું' તેમ નક્કી કરી દીધું હશે અને પછી તે પ્રમાણે રચના નિર્ધારિત થઈ. સમજવાની વાત એ છે કે સ્થાપત્ય એ કંઈ બહારથી લાદી દેવામાં આવેલી ઘટના ના હોઈ શકે. અહીં એ રીતની ક્યાંક પ્રતીતિ થાય છે.