ન્યૂ યોર્કઃ અમેરિકામાં કામ કરવા ઈચ્છતા હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને વિઝા ધારકો માટે એક મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. રિપબ્લિકન સાંસદોના એક જૂથે અમેરિકન કોંગ્રેસમાં 'End H-1B Visa Abuse Act of 2026' નામનું એક મહત્વનું બિલ રજૂ કર્યું છે. જો આ બિલ કાયદો બનશે, તો આગામી ૩ વર્ષ સુધી H-1B વિઝા પર સંપૂર્ણ રોક લાગી શકે છે. જેથી અનેક ભારતીયોને મોટો ઝટકો લાગી શકે છે. અમેરિકા છેલ્લા ઘણાં સમયથી ભારત સામે આવા પગલા લઈ રહ્યું છે.
બિલમાં મુખ્ય બાબતો કઈ છે?
આ નવા પ્રસ્તાવિત બિલમાં H-1B વિઝા કાર્યક્રમને સંપૂર્ણપણે બદલવાની તૈયારી છે, જેની અસર લાખો વિદેશી કામદારો પર પડશે. નવા H-1B વિઝા આપવા પર 3 વર્ષ સુધીનો પ્રતિબંધ લગાવવાો, 02) વાર્ષિક વિઝા કોટા 65,000 થી ઘટાડીને માત્ર 25,000 કરવામાં આવે, 03) વિઝા મેળવવા માટે ન્યૂનતમ પગાર મર્યાદા 2 લાખ ડોલર પ્રતિ વર્ષ રાખવાનો પ્રસ્તાવ, 04) H-1B વિઝા ધારકો તેમના આશ્રિતોને અમેરિકા લાવી શકશે નહીં. 05) Optional Practical Training (OPT) પ્રોગ્રામને સંપૂર્ણપણે નાબૂદ કરવાની જોગવાઈ અને 06) H-1B વિઝા ધારકો માટે પરમેનન્ટ રેસિડેન્સ (ગ્રીન કાર્ડ) મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
રિપબ્લિકન સાંસદો કેમ આ માંગ કરી રહ્યા છે?
આ બિલ કોંગ્રેસમેન એલી ક્રેન અને તેમના સાથી સાંસદો દ્વારા પેશ કરવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે, H-1B કાર્યક્રમનો દુરુપયોગ થઈ રહ્યો છે. જેમ કે, મોટી ટેક કંપનીઓ સસ્તા વિદેશી શ્રમિકોને રાખીને અમેરિકન નાગરિકોની નોકરીઓ છીનવી રહી છે. આ સાથે આ સિસ્ટમ અમેરિકન કામદારોના હિતની વિરુદ્ધમાં છે. કંપનીઓએ પહેલા સ્થાનિક અમેરિકન નાગરિકોને પ્રાધાન્ય આપવું જોઈએ અને પછી જો શક્ય હોય તો જ વિદેશી નાગરિકોને નોકરીએ રાખવા જોઈએ. એટલે કે નોકરી માટે પહેલા દેશના નાગરિકોને તક આપવાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.
જો આ બિલ પાસ થયું તો ભારતીય કામદારો પર શું અસર પડશે?
ભારતીય ટેકનોલોજી પ્રોફેશનલ્સ અને તબીબી ક્ષેત્રના લોકો H-1B વિઝા પર સૌથી વધુ નિર્ભર છે. જો આ બિલ પસાર થાય છે, તો ભારતથી અમેરિકા જઈને કામ કરવા માંગતા યુવાનો માટે માર્ગ અત્યંત મુશ્કેલ બની જશે. અત્યારે અનેક એવા વિદ્યાર્થીઓ છે તે આ વિઝા થકી અમેરિકામાં કામ કરવાની ઈચ્છા રાખી રહ્યાં છે. પરંતુ જો આ બિલ પાસ થઈ જાય છે તો તેમના સપના પર પાણી ફરી શકે છે. જો કે, હજી બિલ માત્ર રજૂ કરવામાં આવ્યું છે.
H-1B Visa બિલની ખાસ વાતો
ખાસ બાબતોની વાત કરવામાં આવે તો, આ બિલમાં લોટરી સિસ્ટમની જગ્યાએ હવે વેતન-આધારિત (Salary-based) પસંદગી કરવામાં આવે, કંપનીઓએ સાબિત કરવું પડશે કે તેઓને કોઈ લાયક અમેરિકન કામદાર નથી મળ્યા અને ના તો કોઈ અમેરિકન કામદારની છટણી કરી છે. અને થર્ડ-પાર્ટી સ્ટાફિંગ એજન્સીઓ દ્વારા H-1B કર્મચારીઓની ભરતી પર પ્રતિબંધ લગાવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો કે, હાલમાં આ એક પ્રસ્તાવિત બિલ છે, તેમ છતાં પણ અમેરિકન રાજકારણમાં આ વિષયે ગરમાવો લાવી દીધો છે.