Sat Apr 25 2026

Logo

સુરતમાં લિપ્સાને ટિકિટ આપવા AAPના પ્રભારીએ 18 લાખ માગ્યાનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ

2026-04-25 11:41:00
Author: MayurKumar Patel
Article Image

સુરતઃ શહેર સહિત રાજ્યમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાશે.  આ પહેલા સુરતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. સુરતમાં લિપ્સાને ટિકિટ આપવા AAPના પ્રભારીએ 18 લાખ માગ્યાનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે.

શું છે સમગ્ર મામલો

 AAPના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર નાવડીયાના પિતરાઈ ભાઈ નવનીત નાવડીયાએ આક્ષેપ કર્યો છે કે, તેમની પત્ની લિપ્સા માટે ટિકિટની માંગણી કરવામાં આવતા પ્રભારી દ્વારા 18 લાખની માંગ કરવામાં આવી હતી. આ સોદો અંતે 7 લાખ રૂપિયામાં નક્કી થયો હતો. જે મુજબ ટુકડે-ટુકડે રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જોકે, નાણાં લીધા બાદ પણ પત્નીને ઉમેદવાર ન બનાવતા નવનીત નાવડીયાએ આ સમગ્ર મામલે પ્રભારીનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. હવાલાકાંડ બાદ આ ઘટનાને પગલે સુરતના રાજકારણમાં AAPની છબી ખરડાતા હવે સંગઠન સામે મોટા સવાલો ઊભા થયા છે.

નવનીત નાવડીયાએ જણાવ્યું કે, AAP દ્વારા વોર્ડ 1 માંથી મારી પત્નીએ ઉમેદવારી નોંધાવી હતી. દિલ્હીથી આવેલા પાર્ટીના પ્રભારી ઓમ પ્રકાશે મારી પાસેથી પૈસા લઈને તમારી પત્નીને ટિકિટ આપીશ તેવું કમિટમેન્ટ આપ્યું હતું. જોકે તેમ છતાં ટિકિટ આપી નહોતી. મારી સાથે 7 લાખ રૂપિયાની વાત થઈ હતી, જેમાંથી મેં 3 લાખ રૂપિયા આપ્યા હતા.

આ બધી વસ્તુના મારી પાસે પુરાવા છે. આ લોકોએ મને કહ્યું કે, તમારા પૈસા પાછા આપી દઈશું, થોડો સમય રાહ જુઓ. આ પૈસા ઉપરના સંગઠનમાં જતા રહ્યા છે, તેમની પાસેથી માંગવા પડશે. દરરોજ નવા વાયદાઓ કરવામાં આવતા હતા અને પૈસા મુદ્દે ઠાગાઠૈયા કરવામાં આવતા હતા. 

નાવડીયાનો આક્ષેપ છે કે તેમની પાસે ટિકિટ માટે શરૂઆતમાં 20 લાખની માંગણી કરાઈ હતી, જે અંતે 11 લાખમાં નક્કી થઈ હતી.  કિરણ ચોક પાસે 2.5 લાખ અને યમુના ચોક ATM માંથી કઢાવીને 50 હજાર એમ કુલ 3 લાખ રૂપિયા દિલ્હીના ઓમ પ્રકાશ નામના યુવકને આપ્યા હોવાનો દાવો કર્યો છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે જેમના નામ કપાયા હતા તેમની પાસેથી પાર્ટી ફંડના નામે પૈસા લઈ ટિકિટો વહેંચી દેવામાં આવી હતી. આ સોદો વોટ્સએપ કોલિંગ દ્વારા અને નેતાઓએ સાઈડમાં બોલાવીને કર્યો હતો, જેની જાણ સ્થાનિક ટીમને નહોતી.