Tue Aug 25 2026

Logo

મણિપુરના ઉખરુલમાં ભીષણ હિંસા! બે સમુદાયો વચ્ચેની અથડામણમાં 3ના મોત, અનેક ઘરો સળગાવ્યા

2026-04-25 09:51:00
Author: Vimal Prajapati
મણિપુરના ઉખરુલમાં ભીષણ હિંસા! બે સમુદાયો વચ્ચેની અથડામણમાં 3ના મોત, અનેક ઘરો સળગાવ્યા

ઉખરુલઃ મણિપુર ફરી એકવાર હિંસાની આગમાં સપડાયું છે. ગઈ કાલે શુક્રવારે મણિપુરના ઉખરુલ જિલ્લામાં કુકી અને નાગા આદિવાસી સમુદાયોના સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણના કારણે મામલો વધારે ઉગ્ર બન્યો અને બે અલગ-અલગ ઘટનાઓએ રાજ્યમાં તણાવ વધારી દીધો છે. આ હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે અને મહિલાઓ સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

શું હતી આ સમગ્ર ઘટના?

અધિકારીઓના જણાવ્યા અનુસાર, હિંસાની શરૂઆત શુક્રવારે વહેલી સવારે થઈ હતી. શુક્રવારે સવારે અંદાજે 11 વાગ્યા આસપાસ સુરક્ષાબળોને મુલ્લમ ગામની નજીક બે મૃતદેહો મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ એલ. સિતલહોઉ અને પી. હાઓલાઈ તરીકે થઈ છે. બંને મૃતકોના શરીર પર ગોળીઓના નિશાન જોવા મળ્યા હતા. એટલું જ નહીં પરંતુ બંને છલાવરણ (કેમોફ્લાજ) ગણવેશમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. 

મુલ્લામ ગામમાં સશસ્ત્ર ઉગ્રવાદી જૂથો વચ્ચે ભારે ગોળીબાર 

અગાઉ પણ તાંગખુલ ​​નાગા પ્રભુત્વ ધરાવતા મુલ્લામ ગામમાં સશસ્ત્ર ઉગ્રવાદી જૂથો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આ ઘટના દરમિયાન ગામની બહાર આવેલા કેટલાક ઘરોને આગ લગાવી દેવામાં આવી હતી. કુકી ઓર્ગેનાઇઝેશન ફોર હ્યુમન રાઇટ્સ ટ્રસ્ટે મુલ્લામ અને સોંગફાલ ગામમાં બે ગામ સ્વયંસેવકોની હત્યા અને ઘરોને બાળી નાખવાની નિંદા કરી છે. સંગઠને આ મામલે તાત્કાલિક FIR નોંધવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે. 

હિંસાના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ

આ હિંસા દરમિયાન અનેક ઘરોને પણ આગ ચાંપવામાં આવી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. સુરક્ષા દળોએ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ સાથે વહીવટીતંત્ર દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામા આવી છે. હાલમાં વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે જેથી કરીને હિંસા વધુ ન વકરે.