Mon Jul 27 2026

Logo

મોરબી-રાજકોટ હાઈવે પર ખાડાનું મરામત કરાવવા કૉંગ્રેસે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું

2026-07-27 16:45:34
Author: Mayur Patel
Article Image

મોરબીઃ સૌરાષ્ટ્રમાં પડેલા મુશળધાર વરસાદના કારણે મોરબી-રાજકોટ હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મોરબી કૉંગ્રેસના નેતાએ અલ્ટિમેટમ આપ્યું હતું. મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય, કૉંગ્રેસ અગ્રણી અને ખેડૂત નેતા મહેશ રાજકોટિયાએ કલેકટરને ખુલ્લો પત્ર લખીને જણાવ્યું કે, રાજકોટ-મોરબી હાઈવે પર વરસાદથી આ રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે.

આ ઉપરાંત તેમણે પત્રમાં લખ્યું છે કે, રોડ બનાવવા માટેનું કામ એક-બે નહીં પણ 10 વર્ષથી ચાલી રહ્યું છે. છતાં પૂર્ણ નથી થયું, ચોમાસું આવે ત્યારે રોડ પર થીંગડા મારવામાં આવે છે. છેલ્લા એક વર્ષથી તંત્ર એક જ જવાબ આપે છે કે રાજકોટથી મોરબી રિસરફેસિંગની મંજૂરી મળી ગઈ છે. જો મંજૂરી મળી છે તો કામ કેમ થતું નથી.

જો 48 કલાકમાં રોડની મરામત કરવા આદેશ નહીં આપવામાં આવે તો અધિકારીઓની નજરમાં લોકોના જીવનની કોઈ કિંમત નથી તે સાબિત થઈ જશે અને રોડના ખાડાના કારણે કોઈનું મોત થશે તો જિલ્લા જિલ્લા વહીવટી તંત્ર અને જવાબદાર અધિકારીઓ સામે બેદરકારીથી મૃત્યુનો ગુન્હો દાખલ કરવામાં આવશે.  તંત્રને અલ્ટિમેટમ આપતા કહ્યું હતું કે, આગામી 48 કલાકમાં રોડનું કલેકટર સ્થળ નિરીક્ષણ કરી મરામત માટેનો આદેશ કરે, 15 દિવસમાં હાઇવેના રી-સફેસિંગનું કામ શરૂ કરવામાં આવે અને 10 વર્ષની બેદરકારી માટે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.