Mon Jul 27 2026

Logo

જાપાનમાં વ્યાજદર વધશે તો બુલેટ ટ્રેનનો ખર્ચ વધી જશે? જાણી લો ભારત પર શું થશે અસર!

2026-07-27 16:37:34
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી/મુંબઈ: જાપાનમાં વધતી મોંઘવારી વચ્ચે ત્યાંની સેન્ટ્રલ બેંક બેંક ઑફ જાપાન (BOJ) વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા છે. બેંક ઓફ જાપાન શુક્રવારે પોતાની મોનેટરી પોલિસીની જાહેરાત કરશે. આ સ્થિતિ વચ્ચે ભારત માટે એક મોટો સવાલ ઊભો થયો છે કે જાપાન દ્વારા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આપવામાં આવેલી લોન પર પણ જો જાપાનમાં વ્યાજદર વધે તો શું ભારતે વધુ વ્યાજ ચૂકવવું પડશે?

ભારતને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જાપાનની જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) મારફતે આશરે રૂ. 88 હજાર કરોડની લોન મળી છે. આ લોન માત્ર 0.1 ટકા વ્યાજદરે આપવામાં આવી છે અને તેની ચુકવણી 50 વર્ષમાં કરવાની છે. મહત્વની વાત એ છે કે આ લોનનો વ્યાજદર ફિક્સ્ડ છે. એટલે જાપાનની સેન્ટ્રલ બેંક ભવિષ્યમાં પોતાના વ્યાજદરમાં વધારો કરે તો પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ભારતને મળેલી આ લોનના વ્યાજદરમાં કોઈ વધારો નહીં થાય.

આ લોનમાં 15 વર્ષનો ગ્રેસ પિરિયડ પણ સામેલ છે. એટલે લોન મળ્યા બાદ શરૂઆતના 15 વર્ષ સુધી ભારતે મૂળ રકમની ચુકવણી કરવાની રહેશે નહીં. 15 વર્ષનો ગ્રેસ પિરિયડ પૂર્ણ થયા બાદ 16મા વર્ષથી ભારત સરકાર લોનની હપ્તાવાર ચુકવણી શરૂ કરશે. આ કારણે જાપાનમાં વ્યાજદર વધવાની સંભાવના હોવા છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ભારતની લોન પર સીધી અસર થવાની નથી.

દરમિયાન, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને જાપાનની કરન્સી યેનના નબળા પડવાના કારણે દેશમાં મોંઘવારીનું દબાણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં BOJના ગવર્નર કાઝુઓ ઉએડા સામે વ્યાજદર અંગે કડક વલણ અપનાવવાની સાથે સરકારને નારાજ ન કરવાની પણ પડકારજનક સ્થિતિ છે. 

જાપાનની વર્તમાન સરકાર હાલ નાણાકીય નીતિને વધુ કડક બનાવવાના પક્ષમાં નથી. તેથી BOJ ભવિષ્યમાં વ્યાજદર ક્યારે અને કેટલી ઝડપથી વધારશે તે અંગે સ્પષ્ટ સંકેત આપવાનું ટાળી શકે છે. બેંક હાલમાં ઈંધણના ભાવમાં વધારાથી ઉત્પાદક કિંમતો અને મોંઘવારી પર થતી અસરનું મૂલ્યાંકન કર્યા બાદ આગળનો નિર્ણય લે તેવી શક્યતા છે.

અહીં એ જણાવવાનું કે ભારતમાં રાજધાની એક્સપ્રેસ પછી સૌથી વધુ ચર્ચામાં વંદે ભારત એક્સપ્રેસ રહી છે, જ્યારે એના કરતા પણ વધુ બુલેટ ટ્રેન ચર્ચામાં રહી છે ત્યારે સરકારનો મહત્વાકાંક્ષી પ્રકલ્પ સાકાર થયો તો મુંબઈથી અમદાવાદ વચ્ચે અઢી કલાકમાં બુલેટ ટ્રેન મારફત અમદાવાદ પહોંચી શકાશે.