પ્રજ્ઞા વશી
હા, મહાદાન એટલે રક્તદાન અને અંગદાન. તંદુરસ્ત હો તો દરેકે રક્તદાન તો કરવું જ જોઈએ. તમારા રક્તદાનથી જરૂરતમંદ વ્યક્તિની જિંદગી બચી શકે છે. આ લખનારને પણ રક્તદાનનો મહિમા ખબર છે એટલે યુવાનીમાં એક-બે વાર રક્તદાન કરેલું. પણ પછી તો ‘પાકા ઘડે કાંઠા ન ચડે’ એ પ્રમાણે પાંસઠ વટાવી ચૂકેલાનું રક્ત ડોક્ટરો લેતા નથી. જો કે અમારી ઉંમર ભલે પાંસઠ વટાવી ચૂકી હોય છતાં ડોક્ટરો અમારું રક્ત નહીં જ લે એ ખાતરી સાથે અમે રક્તદાન કરવા ગયાં.
ડોક્ટરે એક ફોર્મ ભરવા પહેલાં કેટલાક પ્રશ્નો પૂછ્યા.
‘તમને કોઈ રોગની દવા ચાલે છે?’
અમે કહ્યું, ’હા. પણ એ બધા કોમન અને સર્વવ્યાપી, કાબૂમાં કરી દીધેલા રોગ છે. એમાં ડોક્ટર સાહેબ, ગભરાવાની કોઈ જરૂર નથી.’
‘બહેન, ગભરાવાનો હું નથી. પણ ગભરાવાની જરૂર જે દર્દીને લોહી ચડશે એને તો ખરી કે નહીં?’
મેં વળી જરા મજાકમાં કહ્યું, ‘ડોક્ટર, એમાં ફાયદો તમને જ છે.’
‘એ કઈ રીતે બહેન?’
‘જુઓ ડોક્ટર, તમે અમારું રક્ત જેને ચડાવો એને પણ અમારા જેવા કોમન રોગ થશે અને એ તમારી દવા લેવા આવશે. આખરે ફાયદો તો તમને થશે જ. અને બીજી વાત, આમાં આમ જુઓ તો તમારે લીધે કે મારાં રક્તને લીધે જરૂરિયાતમંદને આવા કોમન રોગ થવાના નથી. પણ આવા રોગ તો આજકાલ બધાને આપણા ખોરાક, હવા, પાણી અને કુટેવને કારણે મફતમાં મળેલા છે. સમજ્યા ને તમે?’
ડોક્ટર થોડા ગૂંચવાયા હોય એમ લાગ્યું :
‘બહેન, લ્યો, આ ફોર્મમાં એ રોગનાં નામ લખો.’
અમે વિચારી વિચારીને આશરે દસેક જેટલા રોગોનાં નામ લખ્યાં. ડોક્ટરની આંખો ચાર થઈ ગઈ. તે કટાક્ષમાં બોલ્યા, ‘બસ આટલા જ રોગ? હજી યાદ કરી લ્યો. કોઈ લખવાના રહી નથી જતા ને? અને હા, ઉંમર તો પૂછવાની રહી જ ગઈ.’
‘ડોક્ટર, તમને અમારી ઉંમર કેટલી લાગે છે?’
‘બહેન, મને શી ખબર પડે?’
‘આમ અમે રૂપાળાં અને સ્લિમ ટ્રિમ. એટલે બધા મને એકવીસની જ માને છે.’
પાછળ વધી ગયેલી રક્તદાતાની લાઇનને કારણે અકળાયેલ ડોક્ટર તાડૂક્યા. ‘હવે ઉંમર લખવાની કે ફોર્મ ભરવાની પણ જરૂર નથી. તમને દસ-દસ રોગ હોવાથી તમારું રક્ત અમે લઈ શકીએ એમ નથી.’
‘પણ ડોક્ટર, અહીં ઊભેલા એક પણ રક્તદાતા એવા નહીં હોય જેને મારી જેમ સુગર, પ્રેશર, ગઠિયા, માથાના, છાતીના દુ:ખાવા, સોજા, શરદી, ઉધરસ વગેરે વગેરે રોગ ના હોય... ખેર, તમે એક રક્તદાતાને ગુમાવી રહ્યા છો એટલું નક્કી છે.’ આમ તો અમે સેવાના ભેખધારી. પણ સેવા કરવામાં ઘણી વાર અમે પાછળ પડીએ છીએ, પણ સંજોગો જ વિપરીત આવી પડે. અમારા પ્રમુખે મિટિંગમાં એલાન કરેલું કે દરેક બહેનોએ સાતથી આઠ રક્તદાતા ફરજિયાત લઈ આવવાના છે.
‘દાતા જ લાવવાના છે ને. એમાં શી મોટી વાત છે?’ અમે ચાલુ મિટિંગે ઊભા થઈને દસથી બાર દાતા લાવવાનું વચન આપી દીધું. મારી બાજુવાળી બહેને મારો હાથ પકડીને મને બેસાડી દેવાની બહુ કોશિશ કરી હતી, પણ એ કાળ ચોઘડિયે એલાન કરતાં તો કરી દીધું, પણ પછી આખી રાત ભયંકર સ્વપ્નો આવ્યાં. એમાંનું છેલ્લું સ્વપ્ન તો કંઈક વધારે પડતું ભયાનક હતું. રક્તદાતાની શોધમાં આખું શહેર ફરી વળી, પણ હું એમાં નિષ્ફળ રહી. અંતે ઊભાં થઈને કરેલ મારું એલાન બધાએ યાદ કરાવ્યું અને સર્વાનુમતે નક્કી થયું કે, ‘ભલે તમે રક્તદાતા લાવ્યાં નથી. તો હવે અમે સજા રૂપે તમારા શરીરમાંથી દસેક બોટલ લઈને જ રહીશું.’
અને એ સાથે જ ગભરાટથી મારી આંખો ખૂલી ગઈ. આ ભયંકર સ્વપ્ન જોયાં બાદ અમે રક્તદાતા શોધવાની ચળવળ સઘન બનાવી દીધી. અમે અમારી કવિતાના પ્રશંસક એવા એક ભાઈને રકતદાન માટે ફોન કર્યો.પેલા ભાઈએ જવાબ આપ્યો, ‘બહેન, તમે વ્હોટ્સ એપ ઉપર કવિતા મોકલી મોકલીને મારું અનેકગણું લોહી ઓલરેડી પી લીધું છે. હવે તમને આપવા માટે મારી પાસે એક પણ બુંદ રક્ત નથી. બહેન, સોરી...’ એમ કહીને ફોન ધડામ દઈને કટ કરી વ્હોટ્સ એપ ગ્રૂપમાંથી તેમણે મને બ્લોક કરી દીધી. રક્ત માગવામાં મેં મારી કવિતાનો એક ભાવક ગુમાવ્યો.
આમ છતાં અમે હિંમત એકઠી કરીને એક તંદુરસ્ત કવિ (માત્ર શરીર સૌષ્ઠવમાં) ને ફોન કર્યો. ‘ભાઈ કવિરાજ, શું તમે રક્તનું દાન કરશો?’
અને કવિરાજે પહેલાં રક્ત ઉપર પોતાની દસ કવિતા સંભળાવી. જીવનમાં પહેલીવાર એમની દસ કવિતા સાંભળીને મને આત્મજ્ઞાન લાધ્યું કે જો મને આટલી કવિતા સાંભળ્યા બાદ ચક્કર આવી ગયાં. એ પછી પણ એમણે ‘બીજી દસ કવિતા સાંભળો તો હું રક્તદાન વિશે વિચારું.’ એમ કહેતાં જ મેં ફોન કટ કર્યો.
બંને પ્રયત્નોમાં નિષ્ફળ ગયા બાદ સશક્ત એવા રસ્તામાં સામે મળતા ભાઈઓ તેમજ બહેનો તરફ ધસી જઈને વન ટુ વન સંપર્ક શરૂ કર્યો. એમને રક્તદાનનો મહિમા સમજાવવામાં કશું જ બાકી ના રાખ્યું. અંતે મેં મારા કેટલાક શિષ્યોને પણ ફોન કરી જોયા. એકે ફોન ઉપર કહ્યું, ‘ઘરમાં ઘરવાળી ઓછી લોહી પી છે કે તમને રક્ત આપવાના.’
અંતે અમે નાદારી નોંધાવતાં સેવામંડળની મીટિંગમાં ગયાં અને હાર સ્વીકારીને બોલ્યાં, ‘તમે મને રક્તદાન ઉપર કવિતા લખવા આપો તો 10 લખીને આપીશ. બાકી આ રક્તદાનવાળું જરા...’
ત્યાં તો એક સખીએ કહ્યું, ‘મને ઘણા બધા દાતા મળ્યા છે. એમાંથી થોડા રક્તદાતા હું તમારે નામ કરું છું.’
અને એ સાથે જ અમારું રક્ત ફરી ઉછાળા મારતું વહેવા લાગ્યું.