Thu Apr 30 2026

Logo

પાઠ તો ભણાવવો જ જોઈએ

2026-04-30 09:58:00
Author: Neela Sanghvi
Article Image

નીલા સંઘવી

આપણાં સંતાનોને સંસ્કાર આપવામાં આપણે ક્યાંક તો કાચા પડ્યા છીએ એ સ્વીકારવું રહ્યું. જો એમ ન હોય તો આજકાલ વૃદ્ધ માતા-પિતા સાથે જે ઘટનાઓ બની રહી છે એ ક્ષુબ્ધ કરી દે  એવી છે. માતૃદેવો ભવ: અને પિતૃદેવો ભવ:ની સંસ્કૃતિમાં ઉછરેલાં સંતાનો દેવ જેવાં માતા-પિતા સાથે દુર્વ્યવહાર કઈ રીતે કરી શકે? માતા-પિતા સંતાનો માટે કેટકેટલું કરે છે તો ય તેમને ઓછું જ પડે છે.

માલાબહેન પોતાના એકમાત્ર પુત્ર અને પુત્રવધૂ સાથે રહે છે. પતિના મૃત્યુ બાદ પુત્રને મહેનત કરીને ભણાવ્યો છે. પુત્ર સુકેતુ એન્જિનિયર છે. માલાબહેને આખી જિંદગી શિક્ષિકા તરીકે નોકરી કરીને ઘર કરકસરથી ચલાવીને, દીકરાને ભણાવીને ઠીક કહી શકાય તેવી બચત કરી છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવ્યા પછી ઘેર આવીને પણ માલાબહેન પ્રાઈવેટ ટ્યુશન લેતાં . પ્રાઈવેટ ટ્યુશનની વધારાની આવકને કારણે માલાબહેન પાસે સારી એવી બચત થતી હતી.

દીકરો ભણ્યો-પરણ્યો. સારી જોબ  હતી, પણ સુકેતુના મનમાં પોતાનો વ્યવસાય કરવાની મહત્ત્વાકાંક્ષા હતી. નોકરીમાં તો બાંધી આવક મળે જ્યારે પોતાના વ્યવસાયમાં તો જસુ શત વિંય હશળશિં એવું તેની પત્ની સિયા કહેતી રહેતી અને સુકેતુના મનમાં એ શબ્દો પડઘાયા કરતા. એ દિશામાં  સુકેતુએ પ્રયત્નો શરૂ કર્યા. બેન્કમાં લોન માટે એપ્લિકેશન કરી, પણ લોન કેવી રીતે મળે? નોકરી તો છોડી દેવાનો હતો. સુકેતુ નિરાશ થઈ ગયો. રાત્રે જમવા બેઠા ત્યારે સુકેતુને ઉદાસ જોઈને માલાબહેને પૂછયું: ‘કેમ બેટા, તારું મોં ઊતરેલું છે? તબિયત તો સારી છે ને?’

‘તબિયત તો સારી છે મમ્મી, પણ તને ખબર છે ને મારે બિઝનેસ કરવો છે, લોન માટે બેન્કમાં અપ્લાય કર્યું હતું પણ લોન મળી નહીં.’
‘ઓહો, તો હવે શું વિચાર્યું છે? આમ જુઓ તો તારી નોકરી સારી છે. બહુ ઉધામાં કરવાની જરૂર નથી.

‘ના, મમ્મી... મારે આગળ વધવું છે. મારે આકાશને આંબવું છે. મમ્મી, તું મને મદદ કરે તો મારું કામ થઈ જાય. તે તો સારી એવી બચત જમા કરી છે. જો તું પૈસા આપે તો મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય.’

‘તને પૈસા તો આપું પણ ન કરે નારાયણ અને ધંધામાં ખોટ જાય તો પૈસા ડૂબી જાય એ આપણને ન પોષાય.’
‘તો પછી મમ્મી તું આ તારા દીકરાને ઓળખતી નથી. આંધળાને અસીરો વેચવાની તાકાત છે મારામાં એક તક મળે એટલે કરી બતાવીશ તને.’

દીકરાની ઈચ્છા અને તેનનો દૃઢ સંકલ્પ જોઈને માતાએ પોતાની બચત પૂંજી સુકેતુને આપી દીધી અને પોતે ઈન્વેસ્ટમેન્ટ માટે એક પ્લોટ ખરીદેલો તે પ્લોટ ફેકટરી ઊભી કરવા દીકરાને આપી દીધો માલાબહેને. સુકેતુએ ફેકટરી ખોલી. તેનું પ્રોડકશન બેસ્ટ હતું. વ્યવસાય ચાલ્યો. દીકરો ખૂબ કમાતો હતો. મોટું ઘર લીધું. બે બાળક થયા. સુકેતુએ વ્યવસાયને હજુ વિકસાવવો હતો. ફરી પૈસાની જરૂર પડી. 

માલાબહેને પોતાની માટે પચાસ લાખની ફિક્સ ડિપોઝિટ રાખીને બીજું બધું સુકેતુને આપી દીધું હતું. આ એફડી માલાબહેને એટલે રાખી હતી કે સાજે માંદે કામ આવે. સુકેતુની નજર માની આ એફ.ડી. પર હતી. લોન લઈને વ્યાજ ભરવા કરતા માના પૈસા તો મફતમાં વાપરવા મળે ને? એટલે ફરીથી સુકેતુએ મા પાસે પૈસાની માગણી કરી. માલાબહેને કહ્યું, ‘બધાં પૈસા તો તને આપ દીધાં. હવે મારી પાસે ફક્ત મારી મરણ મૂડી છે. એ તને આપી દઉં તો સાજે માંદે હું કોની પાસે પૈસા માગું?’

‘કેમ હું તો છું જ ને? અત્યારે પણ તો તું મફતની રોટલી તોડે જ છે ને મમ્મી? અત્યારે તારો બધો જ ખર્ચ મારા પૈસાથી જ ચાલે છે ને? તારો રહેવાનો, ખાવાનો, દવાનો બધો જ ખર્ચ હું જ કરું છું. તું તો મફતિયાની જેમ મોજ ઉડાડે છે.’

સુકેતુના આવા શબ્દો સાંભળીને માલાબહેનની આંખમાંથી આંસુની ધાર વહેવા માંડી. કેવું બોલે છે આ છોકરો. આ બધી જાહોજલાલી મારા પૈસાને કારણે છે. જે પ્લોટ પર ફેકટરી છે તેની કેટલી કિંમત છે? આ બધું મેં કમાયેલા પૈસાનું છે. એ બધું મફતમાં વાપરે છે. એણે લોન લીધી હોત તો કેટલું વ્યાજ ભરવું પડતું હોત? ફેકટરીના પ્લોટનું કેટલું ભાડું ભરવું પડતું હોત? એ કાંઈ વિચારતો નથી ને મને કહે છે કે મા તું મફતની રોટલી તોડે છે....

માલાબહેનને બહુ લાગી આવ્યું. આવું આ છોકરો કઈ રીતે બોલી શકે? એમણે સુકેતુને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. આખરે તો શિક્ષક હતાં. રસ્તો ભટકેલા બાળકને સીધો કેવી રીતે કરવો તે જાણતા હતાં. બે-ત્રણ દિવસ માલાબહેને દોડધામ કરી. ચોથે દિવસે પોતાના રૂમમાં આરામ કરતા હતાં ત્યાં જ સુકેતુ ધૂંઆફૂંઆ થતો માના રૂમમાં આવ્યો. ‘મમ્મી, તું શું કરે છે? મારી ફેકટરી પર તાળું મરાવી દીધું? અને મને 40 લાખનું બિલ મોકલ્યું છે. દોઢ વર્ષ ફેકટરી ચલાવી તેના ભાડા પેટે. મમ્મી, તું મારી પાસે ભાડું માંગે છે?’

‘શું કરું દીકરા, મારે મફતની રોટલી તોડવી ન હોય તો કાંઈક આવક તો ઊભી કરવી જ પડે ને? તારી બદલે મેં બીજાને પ્લોટ ભાડે આપ્યો હોત, પૈસા વ્યાજે આપ્યા હોત તો મને આવક થાત. એ આવકમાંથી મારો રહેવા-ખાવાનો ખર્ચ તને આપી દેત. આ તો બધું તને આપી દીધું અને તું મને કહે છે મફતની રોટલી તોડે છે તો મારે પણ કંઈક તો કરવું પડે ને? અરે, આ તો મારી પાસે છે ને તને આપ્યું. ન હોય ને તું માને રાખે-ખવડાવે તો પણ ઉપકાર નથી કરતો.  માનો બહુ મોટો ઉપકાર હોય છે સંતાનો પર. માતા-પિતા સંતાનોને પોતાનું સર્વસ્વ આપીને ઉછેરે છે, પણ વૃદ્ધ મા-બાપને બે રોટલી ખવડાવીને સંતાનો સંભળાવે ત્યારે મા-બાપને કેટલું દુ:ખ થતું હશે?’

‘સોરી, મમ્મી મારી ભૂલ થઈ ગઈ. હું પૈસાના નશામાં ચૂર હતો. મમ્મી મને માફ કરી દે, પ્લીઝ.’ સુકેતુએ ગળગળા થઈને માના ખોળામાં માથું મૂકી દીધું.