(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આજે વૈશ્વિક બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ બેરલદીઠ 114 ડૉલર સુધી પહોંચવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલીના દબાણને ઉપરાંત આયાતકારોની ડૉલરમાં લેવાલી રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઑલ ફોલ ડાઉનનું વલણ જળવાઈ રહેતાં વધુ 14 પૈસા તૂટીને ઐતિહાસિક નીચી સપાટીની નજીક 94.82ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે પશ્ચિમ એશિયાની કટોકટીને પગલે ક્રૂડતેલના ભાવ વધવાની સાથે ફુગાવો વધવાની ચિંતા અને અમુક અંશે આજે સમાપન થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકના નિર્ણય પૂર્વે અમુક ટ્રેડરોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 94.68ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 94.79ની સપાટીએ ખૂલ્યા બાદ નીચામાં 94.86 અને ઉપરમાં 94.70ની રેન્જમાં રહ્યા બાદ અંતે 14 પૈસાના ઘસારા સાથે 94.82ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 53 પૈસાનો કડાકો બોલાઈ ગયો હતો. જોકે, આજે ડૉલર સામે રૂપિયો ગત 27મી માર્ચની 94.85ની ઐતિહાસિક નીચી સપાટીએથી માત્ર ત્રણ પૈસા છેટે રહ્યો હતો.
આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 3.13 ટકાના ઉછાળા સાથે બેરલદીઠ 114.74 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી આયાત બીલમાં વધારાની સાથે સાથે ફુગાવામાં વધારો થવાની શક્યતા મૂડીગત્ બાહ્યપ્રવાહને ધ્યાનમાં લેતા ડૉલર સામે રૂપિયામાં સુધારાનો અવકાશ મર્યાદિત હોવાનું એલકેપી સિક્યોરિટીઝનાં વિશ્લેષક જતીન ત્રિવેદીએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલના તબક્કે ડૉલર સામે રૂપિયામાં 94.40ની સપાટી મહત્ત્વની પુરવાર થાય તેમ જણાય છે.
વધુમાં આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.8 ટકાના વધારા સાથે 98.72 આસપાસ ક્વૉટ રહ્યા હતા. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2103.74 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો વધુ ગબડ્યો હતો. તેમ છતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 609.45 પૉઈન્ટનો અને 181.95 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી અમુક અંશે રૂપિયાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.