Thu Apr 30 2026

Logo

દેશમાં ફરી બદલાશે મોસમનો મિજાજ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન

2026-04-30 08:23:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદ-નવી દિલ્હીઃ દેશમાં મોસમનો મિજાજ ફરી એક વખત બદલાયો છે. હવામાન વિભાગે અનેક રાજ્યોમાં આંધી-તોફાન, વીજળીના કડાકા ભડાકા, ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યકત કરી છે.  ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં વરસાદ, આંધી-તોફાન અને ભારે પવનનું એલર્ટ આપવામાં આવ્યું છે, તેનાથી તાપમાનમાં રાહત મળશે પરંતું આંધી લોકોને પરેશાન કરી શકે છે, જ્યારે કેટલીક જગ્યાએ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ શકે છે. જેના કારણે લૂ અને ભીષણ ગરમીથી થોડી રાહત મળશે, તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 થી 43 ડિગ્રીની રેન્જમાં રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભેજ અને અકળામણનો અનુભવ થવા સાથે તાપમાન 35 થી 39 ડિગ્રી વચ્ચે રહેશે.

રાજ્યામાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોના મહત્તમ તાપમાનમાં ગઈકાલે ઘટાડો થયો હતો. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્યથી નીચું નોંધાયું હતું. ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં સામાન્યથી ઉપર, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્યથી ઉપર અને બાકીના પ્રદેશમાં સામાન્ય તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે,ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે પાટણના અનેક વિસ્તારોમાં ગઈકાલે સાંજે વરસાદ વરસ્યો હતો.

દેશના અન્ય રાજ્યોના હવામાન પર એક નજર

આઈએમડી મુજબ, દિલ્હી, એનસીઆર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને બિહાર સહિત અનેક રાજ્યોમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે આંધીનું એલર્ટ છે. ઉપરાંત હળવો વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે કરા પડવાનો પણ ખતરો છે. પહાડી રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગાજવીજ, વરસાદ અને બરફ વર્ષા થઈ શકે છે.

 


મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન

મહારાષ્ટ્રમાં 2 મે સુધી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. જે બાદ કોઈ ખાસ બદલાવ નહીં થાય. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં ભારે વરસાદનું રેટ એલર્ટ આપવામાં આવ્યું છે. અરૂણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેવ વરસાદ પડી શકે છે. બિહારમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે. કર્ણાટક, તેલંગાણામાં કરા પડવાની શક્યતા છે.