Thu Apr 30 2026

Logo

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ જિંદગી ગુલઝાર હે...

2026-04-30 08:44:00
Author: Shweta Joshi Antani
Article Image

 

શ્વેતા જોષી અંતાણી 

जिंदगी खाक ना थी खाक उडाते गुजरी
तुझसे क्या कहते तेरे पास जो आते गुजरी

दिन तो गुजरा तो किसी याद की राह में गुजरा
शाम आई तो कोई ख्वाब दिखाते गुजरी
तुझसे क्या कहेते तेरे पास जो आते गुजरीत॥

હેડફોનમાં હદ્દીકા ક્યાનીનો અવાજ ધીમે ધીમે વહેતો હતો. આશ્કા બસ સ્ટોપ તરફ ચાલતી હતી. પગમાં જૂના સ્લીપર, ખભ્ભાં પર ઘસાઈ ગયેલી બેગ, અને મનમાં વર્ષોથી ભરાયેલો એક અજાણ્યો ખાલીપો. મધ્યમવર્ગીય પરિવારની મોટી દીકરી હોવાને કારણે બાળપણથી જ એણે જવાબદારીઓને પોતાની ફરજ સમજી પકડી લીધેલી. આમ એ નાની હતી ત્યારે ઘરમાં ખુશીઓનો માહોલ છવાયેલો રહેતો એવું આછું-આછું એને યાદ આવતું. 

જોકે પિતાએ દીકરાની લ્હાયમાં મા ને તરછોડી બીજા લગ્ન કર્યા અને ઘરનું વાતાવરણ જાણે રુંધાય ગયું. મા સ્વાભિમાની હતી. એણે એક નાની પ્રાઈવેટ કંપનીમાં નોકરી લઈ લીધી. દિવસ-રાત મહેનત કરતી માનો સંઘર્ષ અને એકલતા જોતાં મોટી થયેલી આશ્કાના મનમાં એક માન્યતા ઘર કરી ગયેલી કે, ‘જીવન એટલે સંઘર્ષ અને પુરુષ એટલે દુ:ખ આપનાર પ્રજાતિ.’

શાળામાં આશ્કા હંમેશા પ્રથમ આવતી. શિક્ષકો એની પ્રશંસા કરતાં, પણ પિતાના કાને એ વખાણ ક્યારેય ન પહોંચતા. એક દિવસ ફી ભરવાની તારીખ નજીક આવી. પૈસા તો હતા નહીં. પિતા એ ઘસીને ના પાડી દીધી. મા મૌન રહી. આશ્કાએ ઈનામમાં મળેલી ટ્રોફીઓ, પુસ્તકો અને થોડાં મેડલ્સ વેચી પોતાની ફી ભરી. એ દિવસથી એણે ગાંઠ બાંધી કે ‘મારે કોઈ પર નિર્ભર રહેવું નથી.’ આ નિર્ણયે એના નાજુક મનને મજબૂત બનાવ્યું, પણ સાથોસાથ એના વ્યક્તિત્વની અંદર કઠોરતાનો ઉમેરો થતો ગયો. 

સંઘર્ષ કરતાં-કરતાં આશ્કાએ સ્કોલરશિપ સાથે શહેરની મોટી યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો. એના માટે આ ફક્ત ભણતર નહોતુ. એની સ્વતંત્રતાની દિશામાં પહેલું પગથિયું હતું. પહેલાં જ સેમેસ્ટરમાં એક પ્રેઝન્ટેશન દરમિયાન એની મુલાકાત ઝેયાન સાથે થઈ. ઝેયાન ધનાઢ્ય પરિવારનો, આત્મવિશ્વાસથી ભરેલો, વિનમ્ર અને હોશિયાર યુવાન. આશ્કાને જોકે પુરુષ માત્રથી વાંધો એટલે ઝેયાનથી એને કોઈ નિસ્બત નહોતી, પરંતુ ગ્રુપ પ્રોજેક્ટમાં બન્નેને સાથે કામ કરવાનું આવ્યું. આશ્કા બધું પોતે જ કરવાનું પસંદ કરતી. ઝેયાનની મદદ એને બોજ લાગતી.

એક સાંજે પ્રેઝન્ટેશન પહેલાં એ લેપટોપ ક્રેશ થઈ ગયું. આશ્કાની મહિનાઓની મહેનત પળોમાં ગાયબ થઈ ગઈ. એ અત્યંત ગભરાઈ ઊઠી. મનોમન જાત પર ગુસ્સે ભરાય. પણ હવે શું? ઝેયાને શાંતિથી કહ્યું, ‘ચાલ,  આપણે ફરી બનાવી લઈએ.’ આશ્કાએ છણકો કરતાં તીખો જવાબ આપ્યો: ‘તારા માટે આ રમકડું હશે, મારા માટે જિંદગીભરની કમાણી.’ કહેતાં એ થોડી ઓઝપાય છતાં ઝેયાન બેસી રહ્યો.અંતે ગુસ્સો ઊતરતા આશ્કાને હકીકતનું ભાન થયું. રાત સુધી બન્નેએ સાથે મળી ફરી પ્રેઝન્ટેશન તૈયાર કર્યું. બીજા દિવસે જ્યારે સમયસર સબમિશન થઈ ગયું ત્યારે આશ્કાને પહેલી વાર લાગ્યું કે કદાચ દરેક પુરુષ સ્વાર્થી કે ખરાબ નથી હોતો.

 એક દિવસ લાઈબ્રેરીમાં ઝેયાને પૂછ્યું, તું બધાંથી દૂર કેમ ભાગે છે? આશ્કાએ થોડી ક્ષણોના મૌન બાદ કહ્યું: ‘કારણ કે નજીક આવનાર લોકો જ સૌથી વધુ દુ:ખ આપતા હોય છે.’ ઝેયાને હળવેથી જવાબ આપ્યો: ‘સાચું છે, પણ દૂર રહેવાથી કંઈ ખુશી નથી મળતી.’એ વાક્ય આશ્કાના મનમાં ગુંજતું રહ્યું.

ઘરે પરિસ્થિતિ એ જ હતી. પિતા ક્યારેક આવતાં. શબ્દોના ઘા આપી જતા. માનો સંઘર્ષ ક્યારેય પૂરો ના થતો અને આશ્કાની લાચારી કાયમ રહેતી. જોકે સમય સાથે આશ્કા બદલાતી ગઈ. એ હજુ પણ સ્વાભિમાની હતી, પરંતુ હવે એણે સમજ્યું કે માત્ર જિંદગી વિશે રોદણાં રોવાથી કંઈ ના વળે, એની સામે લડવું પડે. એણે પોતાની નાની બહેનોને ભણાવવાનું શરૂ કર્યું. 

ઘર ખર્ચમાં મદદરૂપ થવા પાર્ટ ટાઈમ નોકરી સ્વીકારી અને સાથોસાથ કોલેજમાં ટોપ કરતી રહી. ઝેયાને એને સમજાવેલું કે માત્ર જિંદગીને કોસવાથી પરિસ્થિતિ બદલાતી નથી. એ માટે પ્રયત્ન કરવા પડે.

એ વાક્ય આશ્કાએ ગાંઠે બાંધી લીધું. તરુણાવસ્થા વટાવી યુવાન બનેલી આશ્કાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી. ઘરે પહેલી વાર ખુશીનો માહોલ હતો. મા આંખોમાં આંસુ સાથે એને વળગી પડી. આશ્કાએ એના હાથ પકડીને કહ્યુ: ‘આપણે હવે કોઈ સામે નમવું નહીં પડે.’

આજે વર્ષો પછી બાલ્કનીમાં ઊભી રહીને આશ્કા ફરી એ જ ગીત સાંભળતી હતી. ‘જિંદગી ખાક ના થી, ખાક ઉડાતે ગુજરી..’ આ વખતે એના ચહેરા પર શાંતિ હતી. જીવનમાં બધું પરફેક્ટ નહોતું, છતાં હવે એને જીવન તરફ ફરિયાદો કદાચ ઓછી હતી. એની પાસે હવે સરસ કારકિર્દી હતી, માની આંખોમાં વર્ષો બાદ હરખ હતો, બહેનોના અવાજમાં રણકો હતો અને દીકરી થઈને જન્મી તે હંમેશાં બોજ રહેવાની એવા એના પિતા જેવી વિચારસરણીના લોકોના ગાલ પર તમાચો હતો.

આશ્કાએ  ધીમેથી આંખો બંધ કરી અને મનમાં કહ્યું: જિંદગી ખરેખર ગુલઝાર છે..જો આપણે એને ફક્ત સહન કરવાને બદલે જીવતાં શીખીએ...