Wed Apr 29 2026

Logo

ઈરાનનાં ઓઈલ સ્ટોરેજ ફૂલ થવાને આરે! ઓઈલના કુવાઓ બંધ કરવા પડી શકે છે

Tehran   2026-04-29 13:28:00
Author: Savan Zalariya
Article Image

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર યુએસ નેવીની નાકાબંધીને કારણે ઈરાન મુશ્કેલ સ્થિતિમાં મુકાયું છે, ઈરાન પેટ્રોલિયમનું ઉત્પાદન કરી રહ્યું છે પણ વેચી નથી શકતું, જેના કારણે ઈરાનની જમીન પર આવેલા સ્ટોરેજ ટેન્કો અને સમુદ્રમાં તરતી સ્ટોરેજ સુવિધાઓ ઝડપથી ભરાઈ રહી છે, ટૂંક સમયમાં ઈરાનની સ્ટોરેજ ક્ષમતા પૂર્ણ થઇ જશે. સ્ટોરેજના અભાવને કારણે ઈરાને પેટ્રોલિયમ ઉત્પાદનમાં ઘટાડો કરવો પડી શકે છે.

અહેવાલ મુજબ ઈરાનથી ઓઈલ લઇ જઈ રહેલા શિપમેન્ટ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર નથી કરી શકતા, બીજી તરફ ઈરાનના ઓઈલ ફિલ્ડમાંથી ઉત્પાદન ચાલુ છે. વિશ્લેષકોના માટે આગામી અઠવાડિયામાં ઈરાનને ઉત્પાદનમાં ઘટાડો કરવો પડી શકે છે, ઈરાનના કેટલાક ઓઈલના કુવાઓ બંધ થઈ શકે છે. ઈરાનની લાંબા ગાળાની ઉત્પાદન ક્ષમતાને નુકશાન થઇ શકે છે.
અહેવાલ મુજબ, ઈરાન પાસે માત્ર 12 થી 22 દિવસની સંગ્રહ ક્ષમતા બાકી છે. 

યુએસ નેવીની નાકાબંધીની અસર:
અહેવાલ મુજબ અગાઉ હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનના સશસ્ત્ર દળો, IRGC ના નિયંત્રણ હેઠળ હતી, જેને કારણે ઈરાનનાં ઓઈલ નિકાસ પર કોઈ અસર પડી ન હતી. હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાનનાં બંદરો અને શિપિંગને ટાર્ગેટ બનાવતા યુએસ નેવીએ 13 એપ્રિલના રોજ નાકાબંધી લાદી, ત્યાર બાદ ઈરાનનાં ઓઈલ નિકાસમાં ભારે ઘટાડો થયો છે.

નાકાબંધીને કારણે ઈરાનના ઓઈલ ટેન્કરની અવરજવર ખોરવાઈ ગઈ છે, વૈશ્વિક બજારોમાં ઓઈલ  મોકલવાની ઈરાનની ક્ષમતામાં મોટો ઘટાડો થયો છે. સ્ટોરેજ કટોકટીને કારણે ઈરાને તેના 30 વર્ષ જૂના તેલ ટેન્કર નશાને પણ ફરી કાર્યરત કર્યું છે.

નિકાસમાં ઘટાડો થતાં ઈરાન દ્વારા વિદેશમાં મોકલવામાં આવતું તેલ હવે સ્થાનિક સ્ટોરેજ ટેન્કોમાં અને જહાજોમાં સ્ટોરેજમાં સંગ્રહિત કરવામાં આવી રહ્યું છે.  

ઈરાને તેના ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં દરરોજ 2.5 મિલિયન બેરલ જેટલો ઘટાડો કર્યો છે,  બીજી તરફ સાઉદી અરેબિયા, ઈરાક, કુવૈત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સહિતના પ્રાદેશિક ઉત્પાદકોને પણ ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી છે.