વોશિંગ્ટનઃ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા તરફથી અલગ અલગ દેશો પર લાદવામાં આવેલા ટેરિફને સમાપ્ત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેના સ્થાન પર અસ્થાયી રીતે આયાત ટેક્સ લાગુ કર્યો હતો, પરંતુ આ અસ્થાયી ટેક્સ ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં સમાપ્ત થઈ જશે. હવે ટ્રમ્પ સરકાર અમેરિકાના ટ્રેઝરીમાં આવકનો પ્રવાહ ચાલુ રાખવા અને અમેરિકન અર્થતંત્રને મજબૂત કરવા માટે વધુ ટકાઉ ટેરિફ લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે.
આ અઠવાડિયાથી યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવનું કાર્યાલય બે તપાસમાં સુનાવણી શરૂ કરશે જેનાથી યુએસ ટેરિફનો નવા રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના છે. આ એવા ટેક્સ છે જે અમેરિકામાં આયાતકારો દ્વારા ચૂકવવામાં આવે છે અને સામાન્ય રીતે વધતી કિંમતો મારફતે ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. સામાન્ય લોકો વધતી મોંઘવારીના કારણે પરેશાન છે.
ટ્રમ્પના નવા ટેરિફ દબાણને કોર્ટમાં વધુ પડકારોનો સામનો કરવો પડશે. મંગળવાર અને બુધવારે એ વાત પર સુનાવણી થશે કે નાઈજીરિયાથી લઈને નોર્વે સુધી શું 60 અર્થતંત્રો જેનાથી અમેરિકામાં 90 ટકા આયાત થાય છે તેઓ બળજબરીથી મજૂરી દ્વારા બનાવેલા ઉત્પાદનોના વેપારને પ્રતિબંધિત કરવા માટે પગલા ઉઠાવી રહી છે.
યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીરે માર્ચમાં જણાવ્યું હતું કે "ઘણા લાંબા સમયથી અમેરિકન કામદારો અને કંપનીઓને વિદેશી ઉત્પાદકો સામે સ્પર્ધા કરવાની ફરજ પાડવામાં આવી રહી છે જેમને બળજબરીપૂર્વક કરવામાં આવતી મજૂરીથી કૃત્રિમ ખર્ચ લાભ મળી શકે છે. સરકાર નવા ટેરિફ લગાવીને નિયમોનો ભંગ કરનારાઓને સજા આપી શકે છે.
ત્યાર બાદ આવતા અઠવાડિયે ટ્રમ્પ સરકાર એ વાત પર સુનાવણી કરશે કે શું અમેરિકાના 16 વેપાર ભાગીદારો જરૂરિયાત કરતા વધુ માલસામાનનું ઉત્પાદન કરી રહ્યા છે, જેનાથી કિંમતો ઘટી રહી છે અને અમેરિકાની કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે, જેમાં ચીન, યુરોપિયન યુનિયન અને જાપાનનો સમાવેશ થાય છે. ટેક્સ ફાઉન્ડેશનના એરિકા યોર્કના જણાવ્યા અનુસાર, જે અર્થવ્યવસ્થાઓની તપાસ કરી રહી છે તેઓ યુએસ આયાતના 70 ટકા હિસ્સો ધરાવે છે.