એક દેશ પરની અતિરિક્ત નિર્ભરતા ચિંતાજનક : જીટીઆરઆઈ
નવી દિલ્હીઃ દેશમાં થતી કુલ આયાત પૈકી ચીન 16 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ ઔદ્યોગિક ચીજવસ્તુઓનો જરૂરી પુરવઠો પૂરો પાડવામાં ચીનનો હિસ્સો 30.8 ટકા જેટલો બહોળો હોવાનું થિન્ક ટૅન્ક જીટીઆરઆઈ (ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટીવ)એ જણાવ્યું હતું.
ગત નાણાકીય વર્ષ 2025-26માં દેશની આયાત વધીને 774.98 અબજ ડૉલરની થઈ છે જેમાં ચીનથી 131.63 અબજ ડૉલરની આયાત થઈ છે. મહત્ત્વના ઈનપૂટ્સના પુરવઠા માટે એક જ દેશ પરની નિર્ભરતા ભૂરાજકીય કે વેપારી તણાવના સંજોગોમાં ફાર્માસ્યુટિકલ, ઈલેક્ટ્રોનિક્સ અને ક્લિન એનર્જી જેવાં ક્ષેત્રોને વિક્ષેપિત કરી શકે છે.
જીટીઆરઆઈએ તાજેતરમાં કરેલા વિશ્લેષણ અનુસાર ચીનમાંથી થતી કુલ આયાત પૈકી 82.6 અબજ ડૉલરની અથવા તો 60 ટકા આયાત ઈલેક્ટ્રોનિક્સ, મશીનરી, કોમ્પ્યુટર્સ અને ઓર્ગેનિક કેમિકલ્સની છે. ભારતની ઈલેક્ટ્રોનિકસ આયાતમાં 43 ટકા, મશીનરીની આયાતમાં 40 ટકા અને ઓર્ગેનિક કેમિકલની આયાતમાં 44 ટકા હિસ્સો ધરાવે છે. આ આયાત બિનજરૂરી નથી, પરંતુ દેશની ઉત્પાદનની યંત્રણા પર સીધી અસરકર્તા હોવાનું જીટીઆરઆઈના સ્થાપક અજય શ્રીવાસ્તવાએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે ભારતીય ઉદ્યોગ ચીનનાં ઈનપૂટ્સ પર ભારે અવલંબિત છે, જેમાં ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્ પાર્ટસ, ઈલેક્ટ્રિક વાહનોની બેટરીઝ, સોલાર મોડ્યુલ્સ, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈનગે્રડિઅન્ટ્સ (એપીઆઈ) અને સ્પેશિયાલિટી કેમિકલ્સનો સમાવેશ થાય છે. પરિણામે જો ભારત નિકાસ વધારવાની કોશિશ કરે તો પણ ઈનપૂટસની પુરવઠા ચેઈન તો ચીન સાથે સંકળાયેલી જ રહે જે જોખમી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આથી જીટીઆરઆઈએ ભારતને સ્થાનિકમાં મુખ્ય ક્ષેત્રો માટેની ક્ષમતા વધારાવા અને પુરવઠા ચેઈન વિકેન્દ્રિત કરવાની માટે ભલામણ કરી છે. તેમ જ સૌપ્રથમ તો મહત્ત્વના ક્ષેત્રોના ઈનપૂટ્સ માટેની એક જ દેશ પરની નિર્ભરતા 30 ટકા કરતાં નીચે લાવવાના પ્રયાસો કરવા જોઈએ. ભારત સાથે ચીનના વેપારમાં ભારતે માત્ર વેપાર ખાધ જ ઘટાડવાનો નહીં, પરંતુ આયાત નિર્ભરતા પણ ઘટાડવી જરૂરી છે.
નોંધનીય બાબત એ છે કે ગત નાણાકીય વર્ષ 2025-26માં ભારતની ચીન ખાતેની નિકાસ 19.5 અબજ ડૉલરના સ્તરે હતી અને આયાત 131.6 અબજ ડૉલરના સ્તરે રહેતા વેપાર ખાધ 112.1 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.