સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગર પાસે આવેલા જવાનગઢ પાટીયા નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જતી એક મિની બસે કારને જોરદાર ટક્કર મારતા સર્જાયેલી આ દુર્ઘટનામાં કારમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગાંભોઈ પોલીસે અકસ્માતને લઈને તપાસ હાથ ધરી હતી.
કેવી રીતે સર્જાયો અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગરના જવાનગઢ પાટીયા પાસે હાઈવે પરથી પસાર થઈ રહેલી એક કારને સામેથી આવી રહેલી મિની બસે અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટક્કર લાગતા જ કારમાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા, પરંતુ અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે કારમાં ફસાયેલા લોકોએ સ્થળ પર જ દમ તોડ્યો હતો.
ટ્રાફિક જામ પણ થયો
અકસ્માતને પગલે થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
જામનગરમાં અકસ્માતમાં બે લોકોના મોત
જામનગરમાં અકસ્માતમાં બે લોકોના મોત થયાં હતા. ધ્રોલ માર્કેટિંગ યાર્ડ સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતા. ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધા હતાં. અકસ્માતમાં બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.
વડોદરામાં છાણી રોડ પર ગમખ્વાર અકસ્માત
વડોદરામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. શહેરમાં છાણી રોડ પર એક્ટિવા ચાલકે અડફેટે લેતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. પગપાળા જતાં વ્યક્તિને અડફેટે લીધો હતો. અકસ્માતમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.