સ્થાનિકમાં ચાંદી રૂ. 7179 ગબડી, સોનામાં રૂ. 2404 તૂટ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ યુદ્ધવિરામ માટેના ઈરાનના પ્રસ્તાવોથી અમેરિકા નાખુશ હોવાના અહેવાલ સાથે શાંતિ મંત્રણાની વાટાઘાટો અટકવાની ભીતિ હેઠળ આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઊછળીને બેરલદીઠ 110-111 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં પણ મજબૂત વલણ રહેતાં લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ઘટીને ત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા અને ચાંદીના ભાવ પણ 3.3 ટકા ઘટીને આૈંસદીઠ 73 ડૉલરની અંદર ઉતરી ગયાના અહેવાલ હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 7179 ગબડી ગયા હતા અને સોનાના ભાવમાં પણ 10 ગ્રામદીઠ રૂ. 2395થી 2404નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ચાંદીમાં પીછેહઠ જળવાઈ રહી હતી. તેમ જ ભાવઘટાડાના માહોલમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ ખપપૂરતી રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 7179ના ઘટાડા સાથે રૂ. 2,36,541ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં પીછેહઠ જળવાઈ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2395 ઘટીને રૂ. 1,48,186 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2404 ઘટીને રૂ. 1,48,782ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારો નવી લેવાલીથી દૂર રહ્યા હતા. તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદ હેઠળ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી પણ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.6 ટકા ઘટીને ગત છઠ્ઠી એપ્રિલ પછીની નીચી આૈંસદીઠ 4605.18 ડૉલરની સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 1.6 ટકા ઘટીને 4619.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 3.3 ટકા ઘટીને આૈંસદીઠ 72.98 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિમંત્રણાની વાટાઘાટોની દિશામાં કોઈ પ્રગતિના સંકેત ન હોવાથી આજે ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું કાર્સ્ટન મેન્કેના વિશ્લેષક જુલિયસ બૅરે જણાવતાં ઉમેર્યું હતું કે બે મહિનાના યુદ્ધનો અંત આણવા માટેના ઈરાનના તાજેતરના પ્રસ્તાવથી અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ નાખુશ હોવાના અહેવાલથી ક્રૂડતેલના ભાવમાં વધારાની સાથે ફુગાવો વધવાની અને ફુગાવો વધવાને કારણે કેન્દ્રવર્તી બૅન્કો કડક નાણાનીતિ રાખે તેવી ભીતિ સપાટી પર આવતા સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
નોંધનીય બાબત એ છે કે બૅન્ક ઑફ જાપાને તેની તાજેતરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખ્યા હતા, પરંતુ મધ્યપૂર્વના દેશોના વિવાદને કારણે ફુગાવાલક્ષી દબાણની ચિંતા પણ વ્યક્ત કરી હતી. જોકે, આવતીકાલે અમેરિકી ફેડરલ રિઝર્વ બે દિવસીય બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. જોકે, રોકાણકારોની નજર યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક તથા બૅન્ક ઑફ ઈંગ્લેન્ડની નીતિવિષયક બેઠકનાં નિર્ણય પર પણ મંડાયેલી રહેશે.