Tue Apr 28 2026

Logo

કાળઝાળ ગરમીઃ ગત સોમવારે બીજી વખત પીક પાવર માગ 256 ગિગા વૉટની વિક્રમ સપાટીની નજીક

2026-04-28 19:36:38
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ તાજેતરમાં ગરમીમાં થયેલા ભારે વધારાને કારણે એકરન્ડિશનર અને ડેઝર્ટ કૂલર જેવાં કૂલિંગ એપ્લાયન્સીસનાં વપરાશમાં વધારો થવાથી ગત સોમવારે સતત બીજી વખત દેશની પીક પાવર માગ વધીને 255.85 ગિગા વૉટની સપાટીએ રહી હતી. 

દેશમાં ખાસ કરીને ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં પ્રબળ હીટવેવ રહેતાં એરકન્ડિશનર અને કૂલિંગ ડિવાઈસના વપરાશમાં વધારો થવાથી એનર્જી અથવા તો પાવરના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો હતો. પાવર મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન મહિનાના બીજા પખવાડિયામાં ગત 27મી એપ્રિલના રોજ સોમવારે પીક પાવર માગ 255.85 ગિગા વૉટ (256 ગિગા વૉટની નજીક) રહી હતી, જ્યારે તે પૂર્વે 24મી એપ્રિલના રોજ શુક્રવારે પીક પાવર માગ 252.07 ગિગા વૉટની સપાટીએ અને 25 એપ્રિલના રોજ 256.11 ગિગા વૉટની સપાટીએ રહી હતી. 

વધુમાં દેશનાં છૂટાછવાયા વિસ્તારોમાં વંટોળ અને વરસાદ થયો હોવાથી અમુક અંશે ઈલેક્ટ્રિસિટીનો વપરાશ મર્યાદિત રહ્યો હતો. પાવર મંત્રાલયના જણાવ્યાનુસાર ગત રવિવારના રોજ પીક પાવર માગ 238.15 ગિગા વૉટ રહી હતી, જેમાં દિવસના સમયે પીક પાવર માગ 237.21 ગિગા વૉટના સ્તરે રહી હતી. 

ગયા વર્ષે ઉનાળામાં પીક પાવર માગ જૂન, 2025માં 242.77 ગિગા વૉટની સપાટીએ રહી હતી, જ્યારે પીક પાવર માગનો અંદાજ 277 ગિગા વૉટનો મૂકવામાં આવ્યો હતો. તે પૂર્વે વર્ષ 2024માં મે મહિનામાં પીક પાવર માગ 250 ગિગા વૉટ રહી હતી અને તે પૂર્વ સપ્ટેમ્બર, 2023માં પીક પાવર માગ 243.27 ગિગા વૉટની સપાટીએ રહી હતી. 

ઈન્ડિયા મીટરોલોજિકલ ડિપાર્ટમેન્ટે આ વર્ષે ઉનાળો આકરો રહેવાની આગાહી કરી છે. તેમ જ કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તેના તમામ સ્વાસ્થ્ય સુવિધા કેન્દ્રોમાં હીટ સ્ટ્રેક મેનેજમેન્ટ સમર્પિત એકમો કાર્યરત રાખવાનો આદેશ આપવાની સાથે સાધારણ કરતાં વધુ પ્રખર તાપને ધ્યાનમાં લઈ એમ્બ્યુલન્સ સેવા સાથે સજ્જ રહેવાનું પણ જણાવ્યું છે.

નિષ્ણાતોના મતાનુસાર આગામી મે અને જૂન મહિનામાં હીટવેવને કારણે એર કન્ડિશનર અને ડેઝર્ટ કૂલરના વપરાશમાં વધારો થવાથી પીક પાવર માગમાં વધારો થતો રહેશે અને વર્તમાન ઉનાળાની મોસમમાં પીક પાવર માગ વધીને 270 ગિગા વૉટ સુધી પહોંચવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. 

દેશમાં વધી રહેલા તાપમાન સાથે પીક પાવર માગમાં વધારો થતો રહ્યો છે. ગત બાવીસમી એપ્રિલના રોજ સૌથી વધુ ઈલેક્ટ્રિક સપ્લાય 239.70 ગિગા વૉટ રહી હતી જે 23મી એપ્રિલના રોજ વધીને 240.12 ગિગા વૉટના સ્તરે રહી હતી. જોકે, એપ્રિલ મહિનાના પહેલા પખવાડીયામાં પીક પાવર માગ એપ્રિલ, 2025નાં 235.32 ગિગા વૉટ કરતાં ઓછી રહી હતી.