Sat Sep 05 2026

Logo

પરંપરાગત રાજનીતિને પડકાર: ગ્રામીણ ગુજરાતમાં AAPનું નેટવર્ક વધ્યું, હવે 2027ની વિધાનસભા પર નજર

2026-04-29 13:55:00
Author: Mayur Patel
પરંપરાગત રાજનીતિને પડકાર: ગ્રામીણ ગુજરાતમાં AAPનું નેટવર્ક વધ્યું, હવે 2027ની વિધાનસભા પર નજર

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાઓમાં ભલે ધાર્યા મુજબનો દેખાવ કરી ન શકી હોય પરંતુ પાલિકા- તાલુકા પંચાયતમાં જીત મેળવી હતી. AAPએ નર્મદા તાલુકા પંચાયતમાં સારું પ્રદર્શન કરવા સાથે અન્ય તાલુકા પંચાયતમાં પણ જીત હાંસલ કરી છે.  હવે પક્ષની નજર 2027ની વિધાનસભા ચૂંટણી પર છે.

1500થી વધારે સીટો પર બીજા સ્થાને

આમ આદમી પાર્ટીના ગુજરાતના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર કરવામાં આવેલી પોસ્ટ મુજબ, AAPની કામની રાજનીતિ પર ગુજરાતની જનતાનો ભરોસો વધી રહ્યો છે. ગુજરાતમાં AAP સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5244 સીટો પર ચૂંટણી લડી હતી. જેમાં 500થી વધારે સીટ પર વિજય મેળવ્યો હતો. ઉપરાંત 1500થી વધારે સીટો પર બીજા સ્થાને રહી હતી.

AAPએ શું કર્યો છે દાવો

AAP ગ્રામીણ અને આદિવાસી વિસ્તારમાં કેટલીક સીટો જીતવામાં સફળ રહી હતી.  AAPનો દાવો છે કે જે વિસ્તારને દાયકાઓ સુધી નજરઅંદાજ કરવામાં આવ્યા હતા, ત્યાં હવે વિકલ્પ પસંદ કરી રહ્યા છે. હવે પાર્ટી સ્થાનિક મુદ્દા પર કામ કરી રહી છે, જે લોકોને પસંદ આવી રહી છે. 

AAPની શું છે સૌથી મોટી તાકાત

AAPનું કહેવું છે કે, તેમની સૌથી મોટી તાકાત શિક્ષણ, સ્વાસ્થ્ય, સસ્તી વીજળી, પારદર્શિતા અને આમ લોકોની ભાગીદારી છે. શિક્ષિત, યુવા, મહિલાઓ અને ખેડૂતો તેમના પક્ષ સાથે જોડાઈ રહ્યા છે. આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં સંગઠન મજબૂત થઈ રહ્યું છે, 2027ની વિધાનસભા ચૂંટણી માટે મજબૂત આધાર તૈયાર કરી રહ્યું છે.

AAP ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે?

AAPનું માનવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ ગુજરાતની પારંપરિક રાજનીતિને પણ પડકાર આપ્યો છે. લાંબા સમયથી મજબૂત માનવામાં આવતી રાજકીય પાર્ટીઓ વચ્ચે હવે AAP ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે અને મજબૂત થવાની કોશિશ કરી રહ્યું છે. પક્ષ મુજબ, ગ્રામીણ અને આદિવાસી વિસ્તારમાં તેમને સમર્થન મળી રહ્યું છે, પાયાના સ્તરે સક્રિય કાર્યકર્તાઓના માધ્યમથી નેટવર્ક પણ વધારી રહ્યું છે.