(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં જળવાઈ રહેલી આગેકૂચ સાથે ફુગાવામાં વધારો થવાની શક્યતા ઉપરાંત વધતા ફુગાવાના સંજોગોમાં અમેરિકી ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અપનાવે તેવી શક્યતા નબળી પડવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં પણ સુધારાતરફી વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં પીછેહઠ જળવાઈ રહી હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 241ની અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 806થી 809ની પીછેહઠ જળવાઈ રહી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 241ના ઘટાડા સાથે રૂ. 2,36,300ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 12 પૈસા નબળો પડ્યો હોવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો અને વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 806ના ઘટાડા સાથે રૂ. 1,47,380 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 809ના ઘટાડા સાથે રૂ. 1,47,973ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હતી.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 4567.56 ડૉલર અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 0.6 ટકા ઘટીને 4580.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 72.92 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
યુદ્ધનો અંત લાવવા માટે ઈરાને મોકલેલા પ્રસ્તાવથી અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ નાખુશ છે અને તેણે ઈરાનને સ્માર્ટ બનીને અમેરિકન ડીલ પર સહી કરવા જણાવ્યું હોવાથી મડાગાંઠ યથાવત્ રહેતા આજે ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ ધપી હતી અને ક્રૂડતેલના ભાવ ઊંચી સપાટીએ રહેતાં અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબાગાળા સુધી વ્યાજદરની ઊંચી સપાટી જાળવી રાખે તેવી શક્યતા વ્યક્ત કરતાં ઓએએનડીએનાં વિશ્લેષક ઝૈન વાવદાએ જણાવતા ઉમેર્યું હતું કે જો અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ થઈ જાય અને ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આવે તો વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 5300થી 5500 ડૉલર સુધી પહોંચી શકે છે.
દરમિયાન આજે સમાપન થનારી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા છે. તેમ છતાં બેઠકના અંતે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ વધી રહેલા ક્રૂડતેલના ભાવને અનુલક્ષીને ફુગાવા અંગે તથા ભવિષ્યની નાણાનીતિ અંગે કોઈ સંકેતો આપે છે કે કેમ તેના પર બજાર વર્તુળોની મીટ મંડાયેલી છે.
વધુમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની તાજેતરની આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન કેલેન્ડર વર્ષ 2026ના પહેલા ત્રિમાસિકગાળામાં સોનાની લગડી અને કોઈન સહિતની રોકાણલક્ષી માગ અને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ટેકે સોનાની વૈશ્વિક માગમાં બે ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે આભૂષણો માટેની માગમાં 23 ટકાનો ઘટાડો થયો હોવાનું અહેવાલમાં ઉમેર્યું હતું.